રંગીન ઝમાને -હકીમ રંગવાલા
મૂળ મારવાડી ફિલ્મ વિતરણનો વ્યવસાય કરનાર ક્રિષ્નચંદ્ર બોકડીયા આગળ જતાં હિન્દી ફિલ્મજગતમાં કે. સી. બોકડીયા નામથી જાણીતા નિર્માતા, દિગ્દર્શક, પટકથા લેખક અને વિતરક તરીકે જાણીતા બન્યા. ૧૯૭૨માં સંજીવકુમાર સાથે ‘રિવાઝ’ નામની ફિલ્મ બનાવી પ્રોડ્યુસર તરીકે હિન્દી ફિલ્મજગતમાં શરૂઆત કરી અને એ વખતે એમની ઉંમર હતી ૨૩ વર્ષ! આ ફોટામાં હિન્દી ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, રાઇટર, પટકથાકાર એવા કે. સી. બોકડીયા છે. આ સાહેબનો એક અજીબ રેકોર્ડ છે, સૌથી ઝડપી ૫૦ ફિલ્મો આ સાહેબે બનાવેલી છે.
અમિતાભ, ધર્મેન્દ્ર, રિશીકપુર, શત્રુઘ્ન સિંહા, રાજેશ ખન્ના, વિનોદખન્ના, રાજકુમાર, અજય દેવગણ, અક્ષય કુમાર, સની દેઓલ, મિથુન ચક્રવતી, રજનીકાંત, સૈફ અલી ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન, જેકી શ્રોફ જેવા સ્ટાર સાથે અને માધુરી દીક્ષિત, મીનાક્ષી શેષાદરી, રેખા, પ્રિયંકા ચોપરા, શિલ્પા શેટ્ટી, મનીષા કોઈરાલા, મલ્લિકા શેરાવત સુધી આ સાહેબ કાર્યરત છે અને હજી પણ ફિલ્મો બનાવે છે. અમરીશપુરી, ડેની, કૂલભૂષણ ખરબંદા, ઓમ પુરી,નસીરુદ્દીન સાથે પણ કામ કર્યું છે.
“પ્યાર ઝુકતા નહીં નામની ફિલ્મ મ્યુઝિકલ સુપરહિટ અને તમિલ ફિલ્મની રિમેક આજ કા અર્જુન સુપર ડુપર! ‘આજ કા અર્જુન’એ અમિતાભ બચ્ચનને સફળતા અપાવી એના ખરાબ સમયમાં અને આ ફિલ્મનું ગીત ‘ગોરી હૈ કલાઈયા, મેં લાદું તુજે હરી હરી ચુડિયા..’ સતત બાવીસ અઠવાડિયા સુધી બિનાકા ગીતમાલામાં ટોપ પર રહેલું!
તમિલ કે ક્ધનડ નિર્માતા હિન્દી ફિલ્મ બનાવે એ બધા જ જાણે છે, પણ આ કે. સી. બોકડીયાએ હિન્દી ફિલ્મથી પ્રવેશ કરીને તમિલ, ક્ધનડ ફિલ્મો પણ બનાવી છે. કે. સી. બોકડીયાનું પ્રોડક્શન હાઉસ B M B નામથી ફિલ્મો બનાવતું અને સૌથી મોટું સાહસ હિન્દી ફિલ્મોના માનમાં કે. સી. બોકડીયાએ કરેલું જેમાં નિષ્ફળ થવાની શકયતા જ વધારે હતી એવું! મહાન ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, કલાકાર ગુરુદતે ‘લૈલા મજનું’ નામની ફિલ્મ પોતાની સાથે નિમ્મીને લૈલાની ભૂમિકામાં લઈને ૧૯૬૩માં શરૂ કરી પણ ૧૯૬૪માં ગુરુદત્ત અધૂરી ફિલ્મ મૂકી ગુજરી ગયા અને આ અધૂરી ફિલ્મ બનાવવાની શરૂઆત મહાન દિગ્દર્શક કે. આસિફે કરી અને ફિલ્મમાં કૈસની ભૂમિકા સંજીવકુમારને આપી. અને એના એક જ વર્ષ પછી કે. આસિફ ગુજરી ગયા અને એના પંદર વર્ષ પછી કે. આસિફની અધૂરી ફિલ્મ જેનું નામ ‘લવ એન્ડ ગોડ’ રાખેલું એ ફિલ્મ પુરી કરવા આસિફ સાહેબની પત્ની અને દિલીપકુમારના બહેન અખ્તર આસિફે કે. સી. બોકડીયાને વિનંતી કરી અને એ જોખમી પ્રોજેકટ કે. સી. બોકડીયાએ ઉપાડી લીધો! ત્રણ અલગ અલગ સ્ટુડિયોમાં કોપી પેસ્ટ કરીને ફિલ્મ શરૂ કરી અને ૧૯૮૫માં સંજીવકુમાર ગુજરી ગયા એટલે સંજીવકુમારનું બાકીનું કામ ગુજરાતી કલાકાર રાજીવને લઈને પૂરું કર્યું. રાજીવ ગઢિયા મૂળ નામ રાજીવનું! આ ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ નામથી નૌષાદના સંગીત સાથે ૧૯૮૬માં કે.સી. બોકડીયાએ રિલીઝ કરી અને ફિલ્મ મનહુસ સાબિત થઈ ખૂબ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ અને કે. સી. બોકડિયાને મોટું નુકસાન થયું! કે. સી. બોકડીયાએ એમના બનેવીની અધૂરી રહેલી ફિલ્મ ‘ચુનૌતી’ પણ પુરી કરીને રિલીઝ કરેલી!
૨૦૧૯માં એમની તમિલ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ જગતમાં નસીબના બળિયા કોઈ દાખલો દેવો હોય તો આ બોકડીયા સાહેબ છે. તેઓ કોઈ સુપર ઇન્ટેલિજન્ટ નથી, મહાન દિગ્દર્શક નથી કે, મહાન ફિલ્મકાર નથી તો પણ તેઓ હિન્દી ફિલ્મમાં પોતાનું સ્થાન પોતાની મહેનતે મજબૂત બનાવી ગયા છે. કે. સી. બોકડીયાએ ગુજરાતી ફિલ્મ ‘સાત કૈદી’ અને ‘અમદાવાદનો રિક્ષાવાળો’નું દિગ્દર્શન અસરાની એ કરેલું જ્યારે કે. સી. બોકડીયાના દીકરા સુરેશ બોકડીયાનું નામ પ્રોડ્યુસર તરીકે મૂકેલું.
“તેરી મહેરબાનીયા “ફિલ્મમાં હીરો એક કૂતરો હતો અને આ કૂતરાના હીરો હોવાના લીધે આ ફિલ્મ સુપરહિટ હતી.
શાહરૂખ, સલમાન અને માધુરીની જોડી એક જ ફિલ્મમાં આવેલી “હમ તુમ્હારે હે સનમ આ ફિલ્મ બોકડીયા એ બનાવેલી.
જ્યારે જ્યારે હિન્દી ફિલ્મોના ઈતિહાસને કોઈ સંશોધન કરીને સંગ્રહિત કરવા માગશે એમણે આ કે. સી. બોકડીયાની અચૂક નોંધ લેવી જ પડશે એવું પ્રદાન તો એમનું છે જ હિન્દી ફિલ્મજગતમાં.