Homeધર્મતેજ‘સંતમત’ના પ્રથમ પ્રચારક તરીકે હાથરસના તુલસીસાહેબનું નામ લેવાય છે

‘સંતમત’ના પ્રથમ પ્રચારક તરીકે હાથરસના તુલસીસાહેબનું નામ લેવાય છે

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

અત્યંત પ્રાચીનકાળથી આપણા ૠષ્ાિ-મુનિઓમાં નાદાનુસંધાન અથવા તો સુરત શબ્દ યોગ રૂપે આત્મસાધનાની પરંપરા હતી જ. ત્યારબાદ બૌદ્ધસિદ્ધો અને નાથયોગીઓમાં પણ તંત્ર તથા યોગસાધનાના એક અંગ તરીકે, સાધનાના એક માર્ગ તરીકે શબ્દબ્રહ્મ અને નાદબ્રહ્મની ઉપાસનાના અંશો જોવા મળે છે. કબીરસાહેબે ( ઈ.સ. ૧૩૯૮થી૧પ૧૮ ) સાધનાની એ પૂર્વ પરંપરાને પોતાની આગવી મૌલિક દ્રષ્ટિથી પરિમાર્જિત કરી. શાસ્ત્રસંમત આચાર્ય પરંપરાની સમાંતર લૌકિક સંત પરંપરાની ધારા વહેતી કરી.એથી ‘સંતમત’નામે આજે પણ વિશાળ લોક્સમુદાયમાં પ્રવાહિત સંતસાધનાના પ્રથમ સંત તરીકે કબીરસાહેબ (ઈ.સ. ૧૩૯૮-૧૪૯૭)નું નામ લેવાય છે. એમના સમકાલીન અને અનુકાલીન સંતકવિઓમાં-પીપાજી (ઈ.સ.૧૩ર૩-૧૩૮૪), રૈદાસજી. ( ઈ.સ. ૧૩૮૦માં હયાત ), જેસલ-તોરલ, રૂપાંદે-માલદે/ મલ્લિનાથ, દેવાયત પંડિત, મેઘ ધારૂ, (ઈ.સ.૧૩૮૦માં હયાત.), નરસિંહ મહેતા (ઈ.સ. ૧૪૦૮/૧૪૧૪-૧૪૭૪ /૧૪૮૦), રામદેવપીર (ઈ.સ. ૧૩પ૧-ઈ.સ. ૧૪પ૯), કમાલ (ઈ.સ.૧૪૪૮ આસપાસ), ધરમદાસ (ઈ.સ.૧૪પ૦ આસપાસ), ગુરુ નાનક (ઈ.સ.૧૪૬૯-૧પ૩૯), મીરાંબાઈ (વિદાય-ઈ.સ.૧પ૪૭), સિંગાજી (ઈ.સ.૧પ૧૯- ૧પપ૯), દાદુ દયાળ (ઈ.સ.૧પ૪૪ -૧૬૦૩), બખના (ઈ.સ. ૧પપ૩-૧૬૪૩), રજ્જબ (ઈ.સ. ૧પ૬૭ -૧૬૮૩), મલૂકદાસ (ઈ.સ. ૧પ૭૪- ૧૬૮ર), સુંદરદાસ (ઈ.સ. ૧પ૯૬-૧૬૮૯), પ્રાણનાથ સ્વામી (ઈ.સ.૧૬૧૮ – ૧૬૯૪), બુલ્લાસાહેબ (ઈ.સ.૧૬૩ર-૧૭૦૯), ધરનીદાસ (ઈ.સ.૧૬પ૩), દૂલનદાસ (ઈ.સ. ૧૬૬૦- ૧૭૭૮), યારીસાહેબ (ઈ. સ.૧૬૬૮-૧૭૧૩), કેશવદાસ (ઈ.સ.૧૬૯૩ -૧૭૬૮), દરિયાસાહેબ (બિહારના ઈ. સ.૧૬૭૪- ૧૭૮૦) દરિયાસાહેબ (મારવાડના ઈ. સ. ૧૬૭૬- ૧૭પ૮), જગજીવનસાહેબ (ઈ.સ.૧૬૮ર-૧૭૬૧), સહજોબાઈ (ઈ.સ.૧૬૮૩ -૧૭૬૩), ગુલાલસાહેબ (ઈ.સ.૧૬૯૩-૧૭૯૩), દયાબાઈ (ઈ.સ.૧૬૯ર-૧૭૯૩),ચરણદાસ (ઈ.સ.૧૭૦૩-૧૭૮ર),ગરીબદાસ (ઈ.સ૧૭૧૭-૧૭૭૮),પલટૂસાહેબ (ઈ.સ.૧૭૯૩), ભીખા સાહેબ (ઈ.સ.૧૭૯૧) અને તુલસીસાહેબ (ઈ.સ.૧૭૬૪ અથવા ૧૭૯૩-૧૮૪૩).
સંતમતના પ્રથમ પ્રચારક તરીકે હાથરસના તુલસીસાહેબનું નામ લેવાય છે. જેઓના આશીર્વાદથી હાથરસના મુનશી નવનીતરાયના દીકરા મહેશ્ર્વરીલાલને ત્યાં સંતાન રૂપે દેવીપ્રસાદ નામે પુત્રનો જન્મ થયો, જે પાછળથી તુલસીસાહેબ પાસે દીક્ષ્ાા લઈને દેવીસાહેબના નામથી પ્રસિદ્ધ થયા. હાથરસમાં જેમની સમાધિ છે એવા તુલસીસાહેબના ત્રણ મુખ્ય શિષ્યો-ગિરધારીદાસ, દેવીસાહેબ અને શિવદયાલસિંહ ઉર્ફે સ્વામીજીમહારાજ કે રાધાસ્વામી સાહેબ(વિદાય ઈ.સ.૧૮૭૮). એમાંથી દેવીસાહેબની શિષ્યપરંપરાએ આ સાધનાને માટે ‘સંતમત’ એવું નામ જાળવી રાખ્યું જેમાં ભાગલપુર બિહારના મેંહી પરમહંસજી મહારાજ, એમના શિષ્ય સંતસેવી મહારાજ અને એમના શિષ્ય મહર્ષ્ાિ સંતસેવી હરિનંદન પરમહંસજી આચાર્યપદે બિરાજમાન રહ્યા છે. જ્યારે ગિરધારીદાસે આગ્રામાં સ્થાન ઈ.સ.૧૮૬૧માં બાંધેલું. એમની સાથે રહેતા શિવદયાલસિંહનાં પત્નીનું નામ રાધાદેવી હતું. એટલે ‘રાધાસ્વામી’તરીકે ઓળખાતાં. શિવદયાલસિંહના શિષ્ય થયા રાયબહાદુર શાલિગ્રામ સાહેબ. એમણે પોતાના ગુરુની યાદી કાયમ રહે એ માટે ‘સંતમત’ને બદલે ‘રાધા- સ્વામી સંતમત’ એવું નામકરણ ર્ક્યું. જેનાં મુખ્ય સ્થાનો આગરા, દયાલબાગ તથા બિયાસ-પંજાબમાં છે. એમાંથી અનેક પરંપરાઓ તરી આવી છે. અને જગતની મુખ્ય મુખ્ય અનેક ભાષ્ાાઓમાં તેમની સાધનાવિધિ,નામદાન,શબ્દસાધન અંગેનાં હજારો પુસ્તકો પ્રકાશિત થયા છે. સંતમત સાધના ધારા અંગે લખાયેલાં પુસ્તકોમાં તુલસીસાહેબ તથા એમના શિષ્યોના નામે ‘સંત મત વિચાર’,‘સુરત વિલાસ’,‘સંત મત પ્રકાશ’, ‘ઘટ રામાયણ’, ‘શબ્દાવલી’, ‘રત્ન સાગર’, ‘સત્સંગ યોગ’ વગેરે અનેક ગ્રંથો પણ વિવિધ ભાષ્ાાઓમાં પ્રકાશિત થયા છે.
સંતસાહિત્યના અનેક ભજનોમાં નિરાકાર, અનિર્વચનીય, અનાદિ, નિર્ગુણ બ્રહ્મની, સંતસાધનાની, શબ્દસુરત યોગની સાધનાની અનુભૂતિની ગૂઢ પરિભાષ્ાા વાપરીને પોતાની વાત સંપૂર્ણ સો ટકા સત્ય છે એની ખાતરી આપવા સંતકવિઓ આવા શબ્દ પ્રયોગ કરે છે. ઓહમ્ સોહમ્ એ મંત્રજાપ દ્વારા શરીરમાં ચાલતી ક્રિયા છે. શ્ર્વાસ લેતી વખતે ઓહમ્ અને શ્ર્વાસ છોડતી વખતે સોહમ્ નાદ થતો હોય છે. અસલમાં એ પ્રણવ ઓમકાર સાથે પણ જોડાયેલ શબ્દ રૂપ છે. આપણી સંતસાધનામાં એને મૂળ વચનના નામથી પણ ઓળખવામાં આવે છે. શ્ર્વાસ એટલે શિવ અને ઉચ્છવાસ એટલે શક્તિ. ઓહમ્ એટલે પિંડ અને સોહમ્ એટલે બ્રહ્માંડ. ઓહમ્ એટલે પ્રાણવાયુ/ ઓક્સિજન અને સોહમ્ એટલે કાર્બન ડાયોક્સાઈડ. બાવન વર્ણો-અક્ષ્ારોમાં આપણો વ્યવહાર ચાલે છે. વાંચો-લખો-બોલો-સાંભળો તો એ શબ્દ છે, પણ મૂળ વચનને – પ્રણવ ૐકારને ખેંચો તો એ પ્રાણ છે અને છોડો તો મૃત્યુ..
સિદ્ધ ગોરખનાથજીએ
‘ગોરખબાની’માં કહ્યું છે : કહણિ સુહેલી, રહણિ દુહેલી, કહણિ રહણિ બિન થોથી,પઢ્યા ગુણ્યાં સૂવા
બિલાઈ ખાયા,પંડિત કે હાથિ રહ ગઈ પોથી. ૦૦૦૦૦ કહણિ સુહેલી, રહણિ દુહેલી,બિન ખાયા ગુડ મીઠા, ખાઈ હિંગ કપૂર બખાણૈ, ગોરખ કહૈ સબ જૂઠા..
વિના રહેણી માત્ર ગાવું, બોલવું કે લખવું સાવ ખોખલું રહી જાય છે. બોલવું કે લખવું તદ્દન સહેલું છે, આસાન છે, પણ રહેવું, એ પ્રમાણે જીવન જીવવું ખરેખર દુષ્કર છે. પોપટને ભણાવી ભણાવીને શાસ્ત્રોના પાઠ પાકા કરાવી શકીએ પણ એ જ્ઞાની થઈ જતો નથી, અંતે એને બિલાડીના મુખમાં ઓરાઈ જવું પડે છે. અનુભૂતિ વિનાના શુકપાઠ કરનારા પંડિતો હિંગ ખાઈને કપુરનો સ્વાદ છે એમ જણાવે અને વખાણ કરે અને જગતને ધોખામાં નાખે પણ પોતે અંતરથી તો જાણતા હોય છે કે મને કપૂરનો સ્વાદ નથી પ્રાપ્ત થયો. ગોળ કે મધને જોયા કે ચાખ્યા વિના એની મીઠાશની વાતો કરનારાને મોઢે ક્યારેય એ મીઠાશનો સ્વાદ નથી આવતો. આજના અનેક સાંપ્રદાયિક ગુરુઓને આ વાત લાગુ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular