તૂ શાયર હૈ, મૈં તેરી શાયરી…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

મોટાભાગે હિન્દી ફિલ્મોમાં છ કે સાત ગીતો હોય છે, જ્યારે સુધાકર બોકાડેએ પ્રોડ્યુસ કરેલી અને લોરેન્સ ડિસોઝાએ ડિરેક્ટ કરેલી માધુરી દીક્ષિત, સંજય દત્ત, સલમાન ખાન, રિમા લાગુ, કાદર ખાન જેવા કલાકારો અને સમીરના લખેલા ગીતોને સંગીતથી સજાવેલા નદીમ શ્રવણના બ્લોકબસ્ટર ગીતોવાળી ફિલ્મ ‘સાજન’માં બે ગીતો એવા હતા કે એ બે ગીતો જ સાત વખત ફિલ્મમાં આવે છે, એક ગીત ચાર વખત અને બીજું ગીત ત્રણ વખત !
‘જીયે તો જીયે કૈસે બિન આપકે…’ ગીત એક વાર કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને એસ. પી. બાલાસુહ્મમણીયમ, જ્યારે બીજી વાર પંકજ ઉધાસ, ત્રીજી વાર એસ. પી. બાલાસુબ્રહ્મણીયમ અને ચોથી વાર અનુરાધા પૌડવાલના અવાજમાં. અને ‘બહોત પ્યાર કરતે હૈ તુમકો સનમ…’ એ ગીત એક વાર એસ. પી. બાલાસુબ્રમણ્યમ બીજી વાર અનુરાધા પૌડવાલ અને ત્રીજી વાર એસ. પી. બાલાસુબ્રહ્મણીયમ અને અનુરાધા પૌડવાલના અવાજમાં.
આ બે ગીતો ઉપરાંતના ગીતો જુઓ.
૧. મેરા દિલભી કિતના પાગલ હૈ…
૨. દેખા હૈ પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર…
૩. તુમસે મિલને કી તમન્ના હૈ, પ્યાર કા ઈરાદા હૈ…
૪. પહેલી બાર મિલે હૈ, મિલતે હી દિલને કહા…
૫. તૂ શાયર હૈ મેં તેરી શાયરી…
અઢીથી ત્રણ કલાકની ફિલ્મમાં સવાથી દોઢ કલાકના ગીતો અને એક બ્લોકબસ્ટર ફિલ્મ લોરેન્સ ડિસોઝાના ખાતામાં જમા થઈ ગઈ. આ ફિલ્મનું સંગીત એટલું કર્ણપ્રિય અને લોકપ્રિય બન્યું હતું કે કદાચ આ એક પ્રથમ ફિલ્મ હતી કે જેના ગીતોની ઓડિયો કેસેટ ઓફિશિયલી ભારતની ૧૦-૧૨ પ્રાદેશિક ભાષાઓમાં રિલીઝ થયેલી!! ગુજરાતીમાં પણ…જી આખેઆખી ઓરિજિનલ ગીતોની કેસેટ એ જ સંગીત સાથે ગુજરાતી વર્ઝનમાં… ફિલ્મસર્જન એક જબરો જુગાર છે, પણ જુગારમાં પણ અમુક ચોક્કસ ગણતરીઓ અને અમુક પોતાની આવડતો જીતવા માટે જોઈએ એ જ રીતે ફિલ્મોમાં પણ આ બધું જોઈએ સુપરહિટ ફિલ્મ બનાવવા માટે. છતાં કોઈક વખત એવું પણ બને છે જુગારમાં કે જીતનારો જુગારી ફક્ત અને ફક્ત નસીબને આધારે બાજી જીતી જાય અને આવડતવાળા જોતા રહી જાય !
આકાશ અને અમન નામના બે ભાઈઓ છે જેમાં આકાશ કવિ છે અને ‘સાગર’ ઉપનામથી કવિતાઓ લખે છે અને એ કવિતાઓનું પુસ્તક પ્રકટ થતા જ સાગરનું નામ લોકપ્રિય થઈ જાય છે. પૂજા સાગરની કવિતાઓની ચાહક છે અને સાગરને પત્રો લખતી રહે છે. સાગર જે વાસ્તવમાં અમન છે એ પોતે દિવ્યાંગ હોય છે. જુદા જુદા સરસ લોકેશનો પર રીમા રાકેશનાથે લખેલી વાર્તા આગળ વધતી રહે છે અને દર્શકોના મનોરંજનમાં કોઈ કમી આવતી નથી, વાર્તાની સમાપ્તિ સુધી દર્શક ફિલ્મ સાથે કનેક્ટ રહે છે અને ફિલ્મ ખતમ થતા દર્શકો કઈક છૂટી જવાની લાગણી લઈને થિયેટરમાંથી બહાર નીકળે છે અને આ છૂટી ગયેલાની લાગણી એ દર્શકોને ફરી વખત ‘સાજન’ ફિલ્મ જોવા લઈ આવે છે.
લોરેન્સ ડિસોઝાએ ‘સાજન’ ફિલ્મમાં ફક્ત અને ફક્ત નસીબને આધારે બાજી જીતી લીધી હતી બાકી કોઈ આવડત કે ગણતરીઓ એમની પાસે નહોતી જ. આ વાતની સાબિતી એ છે કે લોરેન્સ ડિસોઝાએ
લગભગ વિસ ફિલ્મો બનાવી અને અમુક ફિલ્મોમાં સિનેમેટ્રોગ્રાફર તરીકે પણ કામ કર્યું છતાં ડિરેકટર તરીકે એક માત્ર ‘સાજન’ યાદ રહે અને સિનેમેટ્રોગ્રાફર તરીકે એક માત્ર યાદ રહે એવી ફિલ્મ ‘હત્યા’ ! ઘણાં વર્ષોથી લોરેન્સ ડિસોઝાએ ફિલ્મજગતને રામ રામ કરી દીધા છે અને કદાચ આજે મકાન, જમીન લે-વેચ અને મકાન બાંધકામ જેવા કામો મુંબઈમાં કરી રહ્યા છે. એમની છેલ્લી ફિલ્મ તો એમણે ફિલ્મજગતને રામ રામ કર્યાના વરસો પછી ઠેઠ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી ‘સનમ તેરી કસમ’ નામની સૈફ અલી ખાન સાથેની, કારણકે કોઈક કોર્ટ કેસમાં વરસો સુધી ફસાયેલી ફિલ્મ માંડ છૂટી અને રિલીઝ થઈ અને ડબ્બાડુલ !
કોઈક હિન્દી ફિલ્મ રસિયાને તમે પૂછો કે ‘શોલે’ ફિલ્મની સાથે આવેલી અને આવકની દૃષ્ટિએ ‘શોલે’ પછીના બીજા નંબરે રહેલી ફિલ્મ કઈ હતી ? તો ફટ દઈને એ રસીક જવાબ આપશે કે ‘જય સંતોષી મા’. પણ આ પછી એક બીજો સવાલ કરજો કે ’શોલે’ કોણે બનાવેલી અને ‘જય સંતોષી મા’ના ડિરેકટર કોણ હતા ? તો નિશ્ર્ચિત પણે એ કહેવાનો કે, ‘શોલે’ રમેશ સિપ્પી પણ ‘જય સંતોષી મા’ વિશે કઈ ખબર નથી !
કમાણીની દૃષ્ટિએ શોલે પછીના નંબરે આવેલી જય સંતોષી મા ફિલ્મના ડિરેકટર હતા વિજય શર્મા અને આ વિજય શર્માએ ઘણી ફિલ્મોમાં નાના રોલ કરેલા સ્પોર્ટિંગ એક્ટરના અને સંતોષી મા ની બ્લોકબસ્ટર સફળતા પછી અમુક ફિલ્મો બનાવવાની એમને તક મળેલી પણ બધી ફિલ્મોમાં એમના ડબ્બાડુલ જ થઈ ગયાં ! ૧૩૦ મિનિટની ‘જય સંતોષી મા’ ફિલ્મમાં ૫૦ મિનિટ ગીતો માટે અને માત્ર ૮૦ મિનિટ વાર્તા માટે ફાળવવામાં આવ્યાં હતાં.
ગીતકાર તરીકે કવિ શ્રી, પ્રદીપજીનું નામ તો સૌ જાણે જ છે પણ સંગીતકાર સી. અર્જુનને કોણ ઓળખે છે? છતાં, બધાં ગીતો સુપરડુપર હિટ હતાં. લોકો ચપ્પલ ઉતારીને શ્રીફળ વધેરાતાં અને ફૂલ-પૈસા ઊડાડતાં!
આવી સફળતા બીજી કઈ ફિલ્મને મળી? આ બાબત સાબિત કરે છે કે હિન્દી ફિલ્મજગતમાં અમુક લોકો ફક્ત અને ફક્ત નસીબને આધારે કોઈક વખત ઝળકી ઊઠે છે, પણ આવડત અને કાબેલિયતમાં ઝીરો આવા કલાકાર કસબીઓ આગળ ઉપર ક્યાંય ચાલતા નથી. સામાં પક્ષે એવા કાબેલ અને આવડત ઉપરાંત ગણતરીમાં પણ હોશિયાર હોવા છતાં ક્યારેય નસીબનો સાથ ન મેળવી શકેલા પણ અનેક લોકો ફિલ્મજગતમાં હોય છે. આવા લોકોની સલાહ અને માર્ગદર્શન વડે બીજા અનેક લોકો સફળતા પ્રાપ્ત કરીને આગળ વધી જાય છે, પણ પેલા કાબેલિયત ધરાવનારથી સફળતા હાથવેંતમાં છટકી જાય છે હંમેશાં, અને આ જ વસ્તુ ફક્ત ફિલ્મલાઈનમાં નહીં પણ દુનિયાનાં દરેક ક્ષેત્રોમાં જોવા મળે છે.
‘સાજન’ નામની કુલ ત્રણ હિન્દી ફિલ્મો સમયાંતરે આવેલી છે. પહેલી ‘સાજન’ ૧૯૪૭માં અશોક કુમાર અને રેહાના સાથે કિશોર સાહુએ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન કરી બનાવેલી સંગીતકાર સી. રામચંદ્રને લઈને. બીજી ‘સાજન’ નામની ફિલ્મ ૧૯૬૯માં મોહન સહગલે બનાવેલી મનોજકુમાર, આશા પારેખ, ઓમ પ્રકાશ અને મદનપુરી જેવા એક્ટરો સાથે લક્ષ્મીકાંત પ્યારેલાલને સંગીતકાર તરીકે લઈને. આ ફિલ્મનું ખૂબ જ જાણીતું લોકપ્રિય ગીત ફિલ્મમાં બે વખત આવે છે. આ ગીત એક વખત મહંમદ રફી સાહેબ અને બીજી વખત લતા મંગેશકરના અવાજમાં છે જેના શબ્દો છે, ‘સાજન સાજન પુકારું ગલિયો મેં..’
મોહન સહગલે બનાવેલી ફિલ્મ ‘સાજન’ એક જુની અંગ્રેજી ફિલ્મ અને આલ્ફ્રેડ હીંચકોકના એક કથાનકને ભેળવીને બનાવેલી ફિલ્મ હતી. અને આ ફિલ્મમાં એકટર શત્રુઘ્ન સિંહા પહેલી વખત પરદા પર રજૂ થયેલો સબ ઇન્સ્પેકટર તિવારીની ભૂમિકામાં. હકીકતમાં શત્રુઘ્ન સિંહા ને દેવ આનંદે એમની ફિલ્મ પ્રેમ પૂજારીમાં એક નાનાં રોલમાં કરારબદ્ધ કરેલા અને ‘પ્રેમ પૂજારી’ ફિલ્મમાં શત્રુઘ્ન સિંહા પાકિસ્તાની મિલિટરી ઓફિસરની ભૂમિકા કરી ગયા, પણ ‘પ્રેમ પૂજારી’ રિલીઝ થવામાં મોડું થઈ ગયું એટલે ‘સાજન’ ફિલ્મ શત્રુઘ્ન સિંહાની ડેબ્યુ ફિલ્મ ગણાય છે.
અનેક હિન્દી ફિલ્મો આજ સુધી એવી આવી ગઈ છે જેમના ટાઇટલ એક જ હોય અને એ ટાઇટલ બીજી-ત્રીજી વખત ફિલ્મ માટે વપરાયા હોય. પણ આવી બધી ફિલ્મોમાં અમુક વખતે આવેલી એ જ ટાઇટલ ધરાવતી ફિલ્મ હિટ, સુપરહિટ કે ફ્લોપ પણ ગઈ હોય! પણ હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં ‘સાજન’ નામધારી ત્રણેય ફિલ્મો સુપરહિટ થઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.