ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધને આજે ૫૧ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે યુદ્ધની પૃષ્ઠભૂમાં બનેલી હિન્દી ઉપરાંત બંગાળી તથા અંગ્રેજી ફિલ્મો અને આવનારી ફિલ્મો વિશે વાત કરી છે
ફોકસ -પાર્થ દવે
આજે આપણો દેશ ભારત પાકિસ્તાન ૧૯૭૧ના યુદ્ધને ૫૧ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યું છે. ૧૩ દિવસ ચાલેલા આ દિલધડક યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને સ્વતંત્ર બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આ આખી ઘટના પાછળ પશ્ર્ચિમ પાકિસ્તાન દ્વારા પૂર્વ પાકિસ્તાન પર કરવામાં આવતો અત્યાચાર જવાબદાર હતો. આ અત્યાચારનો સામનો કરવા માટે પૂર્વ પાકિસ્તાનમાં મુક્ત વાહિની સેનાની રચના કરવામાં આવી હતી, જેને ભારતીય સેનાનો ટેકો મળ્યો હતો. આ યુદ્ધમાં ભારતીય સેનાના તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ સામ માણેકશો, તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી, ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાની બહાદૂરીએ રચેલ ઈતિહાસને આજે પણ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે.
અહીં એ નોંધવું પણ જરૂરી છે કે કેટલાય એવા દેશવાસીઓ હતા જેમણે પણ યથાશક્તિ મુજબ દેશને અડીખમ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ દેશવાસીઓ તેમ જ સેનાધ્યક્ષ, વડા પ્રધાન, ભારતીય સેનાની ત્રણેય પાંખ: ‘આ તમામ ઉપર દિલધડક ફિલ્મ કે સિરીઝ બની શકે તેવી આ ઘટના’ છે. અને અગાઉ ’૭૧ના યુદ્ધના બેકડ્રોપ પર ફિલ્મો બની પણ છે, તેની અત્રે વાત કરી છે.
૧૯૭૧, રાઝી, શોન્ગ્રામ અને મેહરજાન
૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘૧૯૭૧’ હિન્દી વોર ડ્રામા હતી, જેનું નિર્દેશન અમૃત સાગરે કર્યું હતું અને પિયુષ મિશ્રાએ ફિલ્મની વાર્તા લખી હતી. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં એવા છ કેદીઓની વાત છે જેમને ભારત-પાક ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન આર્મી બંદી બનાવી લે છે અને છ વર્ષના અત્યાચારો બાદ તેઓ ભાગી છૂટે છે. નેશનલ અવૉર્ડ જીતી ચૂકેલી આ ફિલ્મમાં મનોજ બાજપેયી, દીપક ડોબ્રિયાલ, માનવ કુલ, કુમુદ મિશ્રા, રવી કિશન, ચિત્તરંજન ગિરી, પિયુષ મિશ્રા જેવા કલાકારો હતા.
આલિયા ભટ્ટ અભિનિત અને મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ રાઝી’ (૨૦૧૮) કોલિંગ સેહમત’ નામના પુસ્તક પર આધારિત હતી. આ ફિલ્મમાં જાસૂસ એવી કાશ્મીરી યુવતીની વાત હતી જેના પિતાએ તેને પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે પરણાવી હોય છે. સેહમત લગ્ન કરીને આવનારા ૧૯૭૧ના યુદ્ધ માટે ભારતની ઇન્ટેલીજન્સ એજન્સીને મહત્વની જાણકારી આપે છે.
જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે માણસો એકબીજા સામે લડે છે, પણ આ યુદ્ધમાં સૌથી મોટી વિક્ટિમ મહિલાઓ બને છે. તેમની સાથેની ગેરવર્તણૂક કે બળાત્કાર માત્ર વાસનાને લીધે નથી થતો, પણ તેમની ઓળખ મીટાવવા, લોકોનું મનોબળ તોડવા માટે પણ થાય છે. બાંગ્લાદેશમાં ૧૯૭૧માં બનેલી સત્ય ઘટનાઓને ભારતની પૃષ્ઠભૂમિમાં ઢાળીને બનાવવામાં આવેલી ફિલ્મ ‘ચિલ્ડ્રન ઓફ વોર’ (૨૦૧૪) પણ નોંધનીય છે. આ ફિલ્મમાં બંગલાદેશ સ્વતંત્રતાના યુદ્ધમાં થયેલા નરસંહાર બતાવવામાં આવ્યો છે. પવન મલ્હોત્રા, તિલોતમા શોમ, રાઈમા સેન, ફારુખ શેખ જેવા કલાકારોએ પોતાના પાત્રમાં જીવ રેડ્યો છે.
અન્ય એક બ્રિટિશ રોમેન્ટિક ડ્રામા ‘શોન્ગ્રામ’માં અનુપમ ખેર કરિમુદ્દીનના રોલમાં છે, જે વર્તમાનમાં બીજા દેશમાં રહે છે, પણ બંગલાદેશમાં થયેલા અત્યાચાર-હિંસાને નથી ભૂલી શકતો. ખાસ કરીને એ હિંદુ છોકરી જેને તે પ્રેમ કરે છે અને તેને બચાવવાનું વચન આપ્યું હોય છે. બ્રિટિશ પત્રકાર સાથેના ઇન્ટરવ્યુમાં કરિમુદ્દીન જણાવે છે કે તેની નજર સામે ૬૦૦,૦૦૦ લોકોને મારી નાખવામાં આવ્યા હતા, જેઓ પાકિસ્તાની નહીં, પણ બંગાળી થવા ઇચ્છતા હતા. અન્ય એક બંગાળી ફિલ્મ ‘મેહરજાન’માં યુદ્ધનો સમય એક સ્ત્રીની નજરે બતાવવામાં આવ્યો છે. ૨૦૧૧માં રિલીઝ થયેલી આ ફિલ્મે વિવાદ ઊભો કર્યો હતો અને વિરોધને કારણે તેને સિનેમાઘરોમાંથી હટાવી નાખવામાં આવી હતી. આ ફિલ્મમાં જયા બચ્ચન ‘મેહર’ના લીડ રોલમાં હતા.
તો ૨૦૨૧માં આવેલી ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’માં એવી બહાદુર કચ્છી મહિલાઓની વાત હતી, જેમણે ભારત પાક યુદ્ધ વખતે રાતોરાત રનવે ઊભો કરી નાખ્યો હતો. જોકે, આ ફિલ્મ અત્યંત નબળી હતી.
સામ માણેકશૉ અને બલરામ સિંહ મહેતા
ભારત-પાકના ૧૯૭૧ના યુદ્ધમાં જેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી એવા ફીલ્ડ માર્શલ શૉમ માણેકસાના જીવન પરથી પ્રેરિત ફિલ્મ મેઘના ગુલઝાર બનાવી રહ્યા છે. સેમ બહાદુર’ નામની આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલ ભજવતો જોવા મળશે. આ ઉપરાંત બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાના પુસ્તક ‘ધ બર્નિંગ ચાફીસ’ ઉપર ‘પિપ્પા’ નામક ફિલ્મ બની છે. ફિલ્મમાં સીતા રામમ’ ફેમ મૃણાલ ઠાકુર અને ઇશાન ખટ્ટર છે.
ઇશાન ખટ્ટર પિપ્પા ફિલ્મમાં ૪૫માં કૈવલરી ટેન્ક સ્ક્વાડ્રનના બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાનું પાત્ર ભજવી રહ્યો છે, તેમણે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ભાગ લીધો હતો. રાજા ક્રિશ્નન મેન દિગ્દર્શિત ‘પિપ્પા’ ફિલ્મની રિલીઝ ડેટ કોઈ કારણસર ખેંચાઈ રહી છે. આ ફિલ્મ પહેલા ૨જી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, જે કેન્સલ થઈ. હવે આવતા વર્ષે રિલીઝ થશે તેવા સમાચાર છે. (શિર્ષક પંક્તિ: ગુલઝાર)