દેશનું સૌથી ધનિક ધાર્મિક ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) હાલમાં એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યા વિશે તમે સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો. આ ટ્રસ્ટ પાસે રોકડના રૂપમાં કરોડો રૂપિયાનું વિદેશી મુદ્રા ભંડાર છે પરંતુ આ ટ્રસ્ટ આ પૈસા બેંકમાં જમા કરાવવા માટે અસમર્થ છે. આ પાછળનું કારણ એવું છે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ પૈસા હુંડી કલેક્શનના રૂપમાં આવ્યા છે. પરંતુ તે બેંક ખાતામાં જમા કરાવી શકાય એમ નથી. TTDનું હેડ ક્વાર્ટર તિરુપતિ, આંધ્ર પ્રદેશમાં છે. આ ટ્રસ્ટ તિરુમાલા વેંકટેશ્વર મંદિર અને અન્ય 70 ધાર્મિક સ્થળોનું સંચાલન કરે છે. એક અહેવાલ અનુસાર, ટ્રસ્ટે આ મામલે સરકાર પાસે મદદ પણ માંગી હતી, પરંતુ તેના જવાબમાં તેને દંડની નોટિસ આપવામાં આવી હતી.
ટ્રસ્ટની નોંધણી છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવી હોવાને કારણે SBIએ ખાતામાં હુંડી જમા કરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે ટ્રસ્ટ પાસે એક વર્ષથી વધુ સમયથી વિદેશી ચલણના રૂપમાં રૂ. 26.86 કરોડની થાપણો છે, તે જેમની તેમ પડી રહી છે. ટ્રસ્ટે તાજેતરમાં ગૃહ મંત્રાલયને ઓફર તરીકે કયા દેશમાંથી કેટલી રકમ મળી છે તેની સંપૂર્ણ વિગતો મોકલી હતી. ટ્રસ્ટ પાસે યુએસ ડૉલરમાં 11.50 કરોડ રૂપિયા, મલેશિયન રિંગિટમાં રૂપિયા 5.93 કરોડ અને સિંગાપોર ડૉલરમાં રૂપિયા 4.06 કરોડની થાપણો છે. આ ઉપરાંત ટ્રસ્ટ પાસે દિરહામ, પાઉન્ડ, યુરો, ઓસ્ટ્રેલિયન ડોલર અને કેનેડિયન ડોલરમાં પણ થાપણો છે.
ગયા વર્ષે ટ્રસ્ટને હુંડી કલેક્શન તરીકે 1450 કરોડ રૂપિયા મળ્યા હતા. જો સત્તાવાર સૂત્રો દ્વારા આપવામાં આવેલા આંકડા પર વિશ્વાસ કરવામાં આવે તો 5મી માર્ચે, ગૃહ મંત્રાલયના FCRA વિભાગે TTDના મુખ્ય કાર્યકારીને એક પત્ર લખ્યો હતો. જેમાં ટ્રસ્ટને જણાવવામાં આવ્યું હતું કે તેનું વાર્ષિક રિટર્ન ખોટા ફોર્મેટમાં હતું. વિભાગે ટ્રસ્ટ પર 3.19 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અગાઉ પણ ટ્રસ્ટ પર 1.14 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો, જે તેણે ચૂકવ્યો હતો. આ દંડ વર્ષ 2019ના અંતમાં FCR નોંધણીનું નવીકરણ ન કરવા બદલ ફટકારવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, ટેકનિકલ ખામીને કારણે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.ટ્રસ્ટે ગયા વર્ષે સરકારને નોંધમાં દલીલ કરી હતી કે આંધ્ર પ્રદેશના નિયમો અને FCRA નિયમો વચ્ચે તફાવત છે. ટીટીડીએ જણાવ્યું હતું કે રોગચાળાને કારણે ખાતા ફાઈલ કરવામાં વિલંબ થયો હતો. તેમાં સુપ્રીમ કોર્ટના આદેશોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં અરજી દાખલ કરવા માટે અરજદારોને મર્યાદાના સમયગાળાની મંજૂરી આપવામાં આવી હતી. સમસ્યા એ છે કે 2020માં FCRA એક્ટમાં કરાયેલા ફેરફારો અનુસાર કોઈપણ NGOએ SBIમાં ખાતું ખોલાવવું પડશે. પરંતુ SBI વિદેશી ચલણ જમા કરાવવા તૈયાર નથી કારણ કે ઓફર કરનારાઓની ઓળખ જાણી શકાતી નથી.
સરકારને લખેલા પત્રમાં TTDએ કહ્યું છે કે FCRA એક્ટમાં અજાણ્યા વ્યક્તિ પાસેથી હુંડીમાં મળેલી રકમ અંગેની પ્રક્રિયાનો ઉલ્લેખ નથી. વિદેશમાંથી મળેલા દાન પર મળતા વ્યાજના ઉપયોગ સામે પણ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો છે. આ બાબતે મંત્રાલયનું એવું કહેવું છે કે FCRAમાં આની મંજૂરી નથી. પરંતુ TTD દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે આંધ્ર પ્રદેશના કાયદા મુજબ, હુંડીમાં જમા કરવામાં આવેલી રકમ TTDના કોર્પસનો ભાગ છે. આથી તેણે તેને એફસી રિટર્નમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે દર્શાવ્યું હતું. ટ્રસ્ટનું કહેવું છે કે તેણે સરકારના કહેવા પર સુધારેલા નિવેદનો સબમિટ કર્યા હતા. પરંતુ મંત્રાલયે તેને ખોટું ગણાવીને ટ્રસ્ટ પર 3.19 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.