આપણામાંથી ઘણા લોકો એવા હોય છે કે જેઓ એમના દિવસની શરૂઆત ચાથી કરતાં હોય છે, તો ઘણા લોકો કોફીથી શરૂ કરતાં હોય છે. ચા પછી કોફી એ બીજા નંબરનું સૌથી લોકપ્રિય પીણું માનવામાં આવે છે. કોફી માત્ર તમારા મૂડને સુધારવાનું કામ નથી કરતું, પણ તમને તાજગીનો અહેસાસ પણ કરાવે છે. કોફીમાં પણ હવે તો બ્લેક કોફી, કોલ્ડ કોફી, કેપુચીનો, ટર્કીશ કોફી, આઇરીશ કોફી વગેરે વગેરે જાત જાતના પ્રકાર આવતા હોય છે. પણ શું તમે આ બધી કોફી વચ્ચે ક્યારેય બનાના કોફીનું નામ સાંભળ્યું છે? આજકાલ આ બનાના કોફી ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે સોશિયલ મીડિયા પર. આજે આપણે અહીં આ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહેલી આ બનાના કોફી વિશે વાત કરીશું અને કઈ રીતે આ સ્વાદિષ્ટ કોફી બનાવી શકાય છે એની રેસિપી જાણીશું…
બનાના કોફી એવી કોફી છે, જેને બનાવવામાં દૂધનો ઉપયોગ થતો નથી. આ ખાસ કોફી બનાવવા માટે તમારે માત્ર બે વસ્તુઓની જરૂર પડશે. જેમાંથી એક એટલે ફ્રોઝન કેળા અને બીજું એટલુ તાજી ગ્રાઉન્ડ બ્લેક કોફી. ‘બનાના કોફી’ માત્ર ટેસ્ટી જ નથી પણ પોષણથી ભરપૂર છે. ડાયેટિશિયન દ્વારા કેળાને ફાઈબર તેમજ અનેક મહત્ત્વના મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર ફળ માનવામાં આવે છે. બનાના કોફી બનાવવા માટે તમારે 2 ફ્રોઝન કેળા અને એક કપ કોલ્ડ ડ્રીપ કોફીની જરૂર પડશે. કેળાને કોલ્ડ ડ્રિપ કોફી સાથે બ્લેન્ડ કરીને જ્યાં સુધી તે સ્મુધ ના બને ત્યાં સુધી બ્લેન્ડ કરવાનું છે. પાકેલા કેળામાં મીઠાશનું પ્રમાણ વધુ હોય છે, એટલે આ કોફીમાં સાકર કે અન્ય કોઈ સ્વીટનર ઉમેરવાની જરૂર નથી.
જો તમે આ બનાના કોફીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગો છો તો તેમાં વેનીલા, તજ, નટ બટર, કોકો પાવડર અને જાયફળ વગેરે ઉમેરી શકો છો. આ ઉપરાંત જો તમને ચોકલેટનો ફ્લેવર પસંદ હોય તો તમે આ કોફીમાં ચોકલેટ પણ ઉમેરી શકો છો. જે કોફીપ્રેમી છે એમને 100 ટકા ‘બનાના કોફી’ લોકોને પસંદ પડશે. આ સિવાય જો રૂટિન કોફી પીને કંટાળી ગયા હોવ તો એકાદ વખત તો આ બનાના કોફી ટ્રાય કરી જ શકાય છે, કારણ કે આ કોફી તમને એક્ટિવ રાખવાની સાથે સાથે પોષણ પણ આપશે.