વર્ષા અડાલજા
ધીરુબહેન ખૂબ બીમાર છે એવી ખબર પડતા જ અમદાવાદની બહેનપણીઓને કહ્યું, ‘ધીરુબહેનને ત્યાં જઈને મને તેમની સાથે ઝૂમ પર મેળવી દો.’ બન્ને બહેનપણીઓ તરત ત્યાં પહોંચી ગઈ. ઝૂમ પર હું ધીરુબહેનને આંસુની આરપાર જોઈ રહી. તેઓ બોલી ન શક્યા પણ મને ઓળખ્યા અને રાજી થયાનો સંકેત કર્યો. આ ઝૂમ કોલ કર્યો ત્યારે હું જાણતી હતી કે આ અંતિમ દર્શન છે. જેઓ શૈશવમાં ગાંધીજીના ખોળે રમ્યા હોય, માતા ફ્રીડમ ફાઇટર હોય તેમણે અંતિમ શ્ર્વાસ સુધી સાદું, સંયમી અને પ્રામાણિકતા તથા નિષ્ઠાપૂર્વકનું જીવન સભર રીતે જીવ્યાં. સદા ખાદીધારી અને આભૂષણો વિનાનો તેમનો ચહેરો (તેમના પિતાએ કાન નહોતા વીંધાવ્યા. દીકરી મોટી થઈને નક્કી કરશે) તેમની આસપાસ એક આભા રચી દેતો જે ક્યારેય માન માગે નહીં પણ સામેથી મળે એવી વિરલ વ્યક્તિ સાથેનો મારો સ્નેહતંતુ ૫૩-૫૪ વર્ષનો. તેમના પ્રેમના, નોબિલિટીના મારા કેટકેટલાં સંભારણા! મારો અંગત ખજાનો.
જન્મભૂમિ ગ્રૂપના મહિલા સાપ્તાહિકનું તંત્રીપદ ધીરુબહેને સંભાળ્યું ત્યારે તેમને પહેલી વાર મળી. એ સ્નેહસંબંધ આજીવન સચવાયો. તેઓ સાચા અર્થમાં મારા મિત્ર ગુરુ બની રહ્યાં. લેખન કે પત્રકારત્વનો સહેજ પણ અનુભવ ન હોય એવી અનેક મહિલાઓને જુદાં-જુદાં સાહિત્યસ્વરૂપો લખવા પ્રેરતાં. લેખન સ્પર્ધાઓ યોજતાં. તેમણે સુધા સાપ્તાહિકમાં એક નવલિકા સ્પર્ધા યોજી હતી. એ વખતે મને નવલિકા હજુ હાથવગી નહોતી. મેં તો લાંબી-લાંબી સત્યઘટના જેમની તેમ લખી. એ એક સનસની સત્ય ઘટનાનું યથાતથ વર્ણન. ઈનામ તો ક્યાંથી મળે! ધીરુબહેને મને બોલાવી પૂરો એક કલાક વાર્તાસ્વરૂપનો પાઠ એક નવીસવી લેખિકાને ધીરજથી ભણાવ્યો હતો.
‘સુધા’ એ રીતે પાઠશાળા હતી. ધીરુબહેન બહેનોને સામેથી અવનવા કામ સોંપે. મને જે કામ ચીંધે તે ઉત્સાહથી કરું. તેઓ ચારેબાજુ દોડાવે અને હું હોંશથી દોડાદોડી કરતી જાઉં. એ રીતે સાહિત્યના બધા સ્વરૂપ લખી શકું એવું મારું ઘડતર કરતાં હતાં એ મોડેથી સમજાયું. આઠ જ દિવસમાં નાની નવલકથા લખવાનું અઘરું કામ સોંપ્યું. મેં ચેલેન્જ સ્વીકારી. મારે પણ એક ઘર હોય નવલકથા લખી. એ નવલકથાનું શીર્ષક પણ તેમણે જ આપેલું. એ નવલકથાએ મારું જીવન બદલ્યું એમ કહું તો એ સાચું જ છે. એ નવલકથાને પુરસ્કારો ઉપરાંત વાચકોનો અપાર સ્નેહ મળ્યો. એની સિરીયલ અને ફિલ્મ બની, અનુવાદો થયા પણ સૌથી મહત્ત્વની વાત આત્મવિશ્ર્વાસ અને લેખિકા તરીકેની આઇડેન્ટિટી મળી. પછી તો અમે સાથે ઘણા પ્રયોગો કર્યા હતાં.
એક વાતથી ઘણા લોકો અજાણ હશે કે તેમણે ઘણા લોકોના અંગત પર્સનલ પ્રોબ્લેમ્સમાં ખૂબ મદદ કરી હતી. કેટલાયના હાથમાં કલમ પકડાવતા રહ્યા. ગુરુ, મેન્ટોર, મિત્ર, રાહબર. લેખિકા સિવાય પણ તેમની કેટકેટલી ઓળખાણ!
તેઓ લેખિની મંડળની બહેનોને કહે, ‘તમે વર્ષા પાસેથી પ્રેરણા લો. તે નિયમિત શિસ્તથી લખે છે તેમ તમે લખો. હું તો મનમૌજી છું.’ મને સંકોચ થાય અને હું તેમને
આવું કહેવાની ના પાડું પણ તેઓ તો તેમનુ ધાર્યું જ
બોલે અને વર્તે પણ તેમણે ધાર્યું હોય એમ જ. કોઈની
શેહ નહીં, કશી અપેક્ષા નહીં. એક યુગ આથમી ગયો. હવે ગમે ત્યારે અચાનક મને કોણ ફોન કરીને પૂછશે કે વર્ષા, તું કેમ છે?