મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર સોમવારે સવારના એક કન્ટેનર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને દસ પ્રવાસીને ઈજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સોમવારે સવારના થયેલા અકસ્માત વખતે બસમાં 35થી વધુ પ્રવાસી હતા. આ બધા પ્રવાસી લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બસ સિંધુદુર્ગથી શાહપુર જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ટ્રકે બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, તેનાથી બસનો ડ્રાઈવર નીચે પડી ગયો હતો. ડ્રાઈવર નીચે પડતા વ્હિલમાં આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં દસ જણ ઘાયલ થયા હતા. અકસ્માત પછી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં દોષી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.