નવી દિલ્હીઃ કેરળના ત્રિવેન્દ્રમથી મસ્કત જવા માટે નીકળેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ ફ્લાઈટમાં 105 પ્રવાસી પ્રવાસ કરી રહ્યા હતા અને ટેક ઓફના એક કલાકમાં જ આ ફ્લાઈટને પાછી લેન્ડ કરવામાં આવતા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયો હતો.
એયર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સંબંધિત ફ્લાઈટે સવારે 8.30 કલાકે ત્રિવેન્દ્ર એરપોર્ટથી મસ્કત જવા માટે ટેક ઓફ કર્યું હતું. પરંતુ ટેક ઓફ બાદ પાઈલટને પ્લેનમાં ખરાબી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ તાત્કાલિક ફ્લાઈટને ઈમર્જન્સી લેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો અને ફ્લાઈટ પાછી 9.17 કલાકે ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
એરલાઈન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફ્લાઈટમાં FMS એટલે કે ફ્લાઈટ મેનેજમેન્ટ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય પાઈલટ દ્વારા લેવામાં આવ્યો હતો.
ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી હોવા છતાં તેણે સેફલી લેન્ડ કર્યું હોઈ 105 પ્રવાસીઓ સુરક્ષિત છે અને ત્યાર બાદ પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે બે વાગ્યે આ ફ્લાઈટ મસ્કતમાં ટેક ઓફ કરશે એવી માહિતી પણ એરલાઈન દ્વારા આપવામાં આવી હતી.