ચૂંટણી પંચે આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે મતદાન થશે.
ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ આવશે. ત્રિપુરામાં ભાજપનું શાસન છે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ શાસક ગઠબંધનનો ભાગ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણેય રાજ્યોમાં મતદાન થયું હતું. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60 બેઠકો છે. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે બહુમત માટે 31નો આંકડો જરૂરી છે. આ ત્રણેય રાજ્યોમાં મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધુ રહી છે.
2018માં ત્રણેય રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 27 ફેબ્રુઆરીએ મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ 3 માર્ચ 2018 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્રણે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓએ ત્રણેય રાજ્યોની મુલાકાત લીધી હતી. તેઓ ત્યાંના વહીવટી અધિકારીઓને મળ્યા હતા. દેશમાં થોડાં જ રાજ્યો એવા છે જ્યાં ચૂંટણી પહેલા અને પછી હિંસાની ઘટનાઓ જોવા મળે છે. હાલમાં જ દેશના બે રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ચૂંટણી દરમિયાન કોઈ હિંસા થઈ નથી. લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. અમને આશા છે કે આ ચૂંટણીઓમાં પણ હિંસા જોવા નહીં મળે.
ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર
RELATED ARTICLES