Homeઉત્સવગુજરાતમાં બાવીસ વર્ષે ત્રિપાંખિયો જંગ

ગુજરાતમાં બાવીસ વર્ષે ત્રિપાંખિયો જંગ

ત્રણેય પાર્ટીએ પૂરી તાકાત લગાવી હોવાથી રસાકસી થવાનાં એંધાણ

*આમ આદમી પાર્ટીએ પહેલી વખત ગુજરાતમાં પૂરી તાકાત લગાવી દિલ્હી મોડેલનો આધાર, મફતમાં સેવા આપવાનો વાયદો, નવજાગૃત હિંદુત્વનો પ્રકાર, મોદી વિરોધનો વિકલ્પનો વાયદો

*ભાજપ અને અમિત શાહની પ્રતિષ્ઠા દાવ પર૨૭ વર્ષના ‘સુશાસન’, હિંદુત્વ અને નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણીનો જંગ લડવાની તૈયારી

*ગુજરાતના જંગમાં કૉંગ્રેસના મરણિયા પ્રયાસ પરંપરાગત ૩૫ ટકા મતદારો પર મદાર, ભાજપ અને આમ આદમી પાર્ટીની લડાઈમાં સફળતા મેળવવાનો પ્લાન, રાહુલની ભારત જોડો યાત્રાનો લાભ થવાની શક્યતા
———
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અત્યારે આખા દેશમાં સૌથી મોટું રણમેદાન બની રહ્યું છે, એક તરફ ભાજપ પોતાના ૨૭ વર્ષના શાસનકાળમાં કરવામાં આવેલા કામ, હિંદુત્વ અને મોદીના ઈમોશનલ મુદ્દાઓ આગળ કરીને તેમ જ કેજરીવાલને હિંદુ વિરોધી ચિતરીને જીતવાની યોજના ઘડવામાં આવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ પછી ગુજરાતમાં પગપેસારો કરવાનું લક્ષ્યાંક લઈને મેદાનમાં ઉતરી છે. આને માટે દિલ્હી મોડેલ અને ‘મફત’ યોજનાના વાયદા આપ્યા છે. આ ઉપરાંત કેજરીવાલે ગુજરાતમાં મંદિરોમાં જઈને નવા હિંદુત્વનો પ્રયોગ કર્યો છે. છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપને સીધી લડાઈમાં હરાવવામાં નિષ્ફળ ગયેલી કૉંગ્રેસ પોતાના પરંપરાગત ૩૫ ટકા મતદારો પર મુસ્તાક છે. તેમને એવી આશા છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીને નકારનારા બધા લોકો કૉંગ્રેસની તરફેણમાં આવશે. આટલું જ નહીં, ત્રિપાંખિયા જંગને કારણે મતોનું જે વિભાજન થશે તેનો લાભ પણ કૉંગ્રેસને થવાની આશા છે. કેમ કે આટલા વર્ષોમાં કૉંગ્રેસના પરંપરાગત મતો ઘટ્યા નથી તો આ વખતે પણ નહીં ઘટે એવું મનાઈ રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણીજંગમાં શું થાય છે તે જોવાનું રહેશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન છે અને ૮ ડિસેમ્બરે મતગણતરી થશે. ગુજરાતમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો એ પહેલાંથી જ રાજકીય ગરમીનો માહોલ જામી ગયેલો ને હવે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં આખું ગુજરાત ચૂંટણીમય થઈ ગયું છે.
ગુજરાતની ચૂંટણી પર અત્યારે આખા દેશની નજર છે કેમ કે વરસો પછી ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થઈ રહ્યો છે. ગુજરાતમાં વરસોથી કૉંગ્રેસ અને ભાજપ એ બે પક્ષો લડ્યા કરતા ને તેમાં ભાજપ સરળતાથી જીતી જતો. ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણોનાં પગલે ગુજરાત હિંદુમય બન ગયું પછી ગુજરાતની મોટા ભાગની ચૂંટણીઓમાં જંગ એકતરફી એટલે કે ભાજપ તરફી રહ્યો છે.
૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે થોડીક ઉત્તેજના હતી અને ભાજપ હારી જશે એવું લાગતું હતું પણ છેવટે પરિણામ ભાજપની તરફેણમાં રહ્યું હતું. ભાજપે ૯૯ બેઠકો જીતીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. આ વખતે અલગ માહોલ છે અને ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણ બળિયા ગુજરાતના જંગમાં ઉતર્યા છે તેથી જંગ રસપ્રદ બની ગયો છે.
ગુજરાતમાં લગભગ અઢી દાયકા પછી ત્રિપાંખિયો ચૂંટણી જંગ થઈ રહ્યો છે. છેલ્લે ૧૯૯૮ની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ એ બે મુખ્ય પક્ષો ઉપરાંત શંકરસિંહ વાઘેલાની ઓલ ઈન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી (એઆઈઆરજેપી) એટલે કે આરજેપી મેદાનમાં હતી ત્યારે ત્રિપાંખિયો જંગ થયેલો. આરજેપીને ૧૮૨ બેઠકો પર ઉભા રાખવા ૧૮૨ ઉમેદવારો પણ નહોતા મળ્યા તેથી ૧૭૪ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખેલા પણ ત્રણેય પાર્ટી એકલા હાથે લડેલી તેથી એ ત્રિપાંખિયો જંગ હતો. આ ચૂંટણીમાં હાર પછી વાધેલા કૉંગ્રેસમાં જતા રહ્યા ને તેમની આરજેપી પણ કૉંગ્રેસમાં જતી રહી તેથી ગુજરાતમાં ત્રીજો પક્ષ જ ન રહ્યો. ૨૦૦૨થી ૨૦૧૭ સુધીની ચારેય ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ બે વચ્ચે જ જંગ થયો.
આ વખતે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી કૂદી છે. કૉંગ્રેસે એનસીપી સાથે નાના પાયે ત્રણ બેઠકો પર જોડાણ કર્યું એ સિવાય બાકીની બેઠકો પર લડશે. ભાજપ અને આપ બધી બેઠકો પર લડી રહ્યો છે તેથી ત્રિપાંખિયો જંગ છે. આ ત્રિપાંખિયા જંગમાં ત્રણેય પક્ષની પ્રતિષ્ઠા દાવ પર છે.
ભાજપ ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસનમાં છે. ગુજરાતમાં ૧૯૯૫માં પહેલી વાર ભાજપ જીત્યો પછી કદી હાર્યો નથી પણ કેશુભાઈના સમયમાં ભાજપનાં વળતાં પાણી થયેલાં. ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના પગલે નરેન્દ્ર મોદી હિંદુઓમાં હીરો બની ગયા ને ભાજપ અજેય બની ગયો. ગુજરાતના રાજકારણમાં હિંદુત્વ
અને મોદી એ બે જ મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા. ગુજરાતીઓ પણ મોદી પર એળઘોળ હતા તેથી દરેક ચૂંટણીમાં મોદીના નામે ભાજપ તરી ગયો.
મોદી દેશના વડા પ્રધાન બન્યા પછી પણ ગુજરાતમાં ભાજપ એટલે મોદી એ જ સમીકરણ ચાલે છે. ગુજરાતમાં મોદીના ગયા પછી ભાજપે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ એમ ત્રણ મુખ્યમંત્રી બનાવ્યા પણ આ મુખ્યમંત્રીઓના નામે ભાજપને મત નથી મળતા, મોદીના નામે મળે છે.
કૉંગ્રેસ મોદીને પછાડવા બનતી બધી મથામણ કરીને હાંફી ગઈ છે તેથી કૉંગ્રેસ અને ભાજપ બે જ પક્ષ ચૂંટણીના મેદાનમાં હોત તો કદાચ આ વખતે પણ જંગ એકતરફી જ હોત પણ આમ આદમી પાર્ટી કૂદતાં ચિત્ર બદલાઈ ગયું છે. ગુજરાતમાં જીત મોદી માટે અંગત પ્રતિષ્ઠાનો મુદ્દો છે. કેજરીવાલે આ વખતે ભાજપને પડકારતાં મોદીની પ્રતિષ્ઠા સામે સવાલ છે.
કેજરીવાલે દિલ્હી મોડલ અને ગેરંટી કાર્ડના નામે ગુજરાતમાં ભાજપને પડકાર્યો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે અપનાવેલા શિક્ષણ અને આરોગ્યના મોડલનો ગુજરાતમાં અમલ કરીને શિક્ષણ અને આરોગ્યની સેવા લોકોને મફતમાં આપવાની ગેરંટી કેજરીવાલ આપી રહ્યા છે. મહિલાઓને દર મહિને ચોક્કસ રકમ, બેરોજગારી ભથ્થું સહિતની બીજી પણ ગેરંટીની કેજરીવાલ લહાણી કરી રહ્યા છે.
કેજરીવાલ પાટીદાર કાર્ડ પણ રમી રહ્યા છે ને હિંદુત્વના નામે પણ લોકોને આકર્ષવા મથી રહ્યા છે. આ સિવાય કેજરીવાલે યુવા ચહેરાઓને આગળ કર્યા છે. પત્રકારમાંથી રાજકારણી બનેલી ઇસુદાન ગઢવીને ગુજરાતમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરાયા છે. આક્રમક યુવા પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા, સરકારી કર્મચારીઓ અને બેરોજગારો માટે આંદોલન ચલાવનારા પ્રવિણ રામ અને યુવરાજસિંહ, મહિપતસિંહ સહિતના ઘણા યુવા નેતાઓને મેદાનમાં ઉતારીને કેજરીવાલે જોરદાર માહોલ ઊભો કરી દીધો છે.
ભાજપે જેમને જેલમાં ધકેલ્યા છે એ ચૌધરી સમાજના વિપુલ ચૌધરીને વિસનગરમાં કેજરીવાલે ટિકિટ આપી છે. ઉત્તર ગુજરાતમાં આંજણા પટેલ એટલે કે ચૌધરી સમાજ પાસે નોંધપાત્ર મતબૅંક હોવાથી આ જંગ રસપ્રદ બની ગયો છે. કેજરીવાલ આ બધું કર્યા પછી હારી જાય કે પચ્ચીસ-ત્રીસ બેઠકો ના જીતે તો રાષ્ટ્રીય પાર્ટી બનવાનું તેમનું સપનું રોળાઈ જશે.
કેજરીવાલના આક્રમક પ્રચારના કારણે ભાજપ ભીંસમાં છે તેથી ડીફેન્સિવ બની ગયો છે. ભાજપે વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે આખું મંત્રીમંડળ બદલી નાખેલું. નવા પ્રદેશ પ્રમુખ બનેલા સી.આર. પાટિલની એ ફોર્મ્યુલા હતી ને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એ જ ફોર્મ્યુલા અપનાવશે એવું લાગતું હતું પણ ભાજપે પીછેહઠ કરવી પડી છે. ભાજપે મોટા ભાગના ધારાસભ્યોને ફરી ટિકિટ આપી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી વગેરેને ટિકિટ નથી અપાઈ પણ મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કરાયા છે.
ભાજપમાં ત્રણેક મહિના પહેલાં લગી પાટિલનો દબદબો હતો પણ મોદીએ બદલાયેલી સ્થિતિને કારણે ચૂંટણી મેદાનના ચેમ્પિયન ગણાતા અમિત શાહને મેદાનમાં ઉતારવા પડ્યા છે. ભાજપ ભીંસમાં છે તેનો આ પુરાવો છે. શાહે કોઈ પ્રયોગો કરવાના બદલે મોટા ભાગના જૂના જોગીઓને રિપીટ કરીને સેઇફ ગેઈમ રમવાની રણનીતિ અપનાવી છે. શાહે પોતાના જૂના સ્કોર સેટલ કરીને આનંદીબેન પટેલના જૂથને સાફ કરી નાખ્યું છે ને પાટિલને પણ કદ પ્રમાણે વેતરી નાખ્યા છે. શાહે પોતાની રીતે બાજી ગોઠવી છે તેથી આ ચૂંટણીમાં શાહની અંગત પ્રતિષ્ઠા પણ દાવ પર છે.
ભાજપે કેજરીવાલને ખાળવા હિંદુત્વનું કાર્ડ રમવું પડ્યું છે. મોદી નહીં હોય તો મુસ્લિમો હિંદુઓની હાલત બગાડી નાખશે એવા મેસેજનો મારો ચાલી રહ્યો છે. કેજરીવાલ હિંદુ વિરોધી છે એવું સાબિત કરવા કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવીને બતાવાય છે. કેજરીવાલ મુલ્લા-મૌલવીઓને પેન્શન આપે છે ત્યાંથી માંડીને રોહિંગ્યાઓને પોષે છે ત્યાં સુધીના મેસેજ ફરતા કરાયા છે.
કેજરીવાલને કેજરૂદ્દીન તરીકે સંબોધતા મેસેજિસ જ જંગી પ્રમાણમાં ફરી રહ્યા છે. ભાજપે ૨૭ વર્ષના શાસન પછી પોતે કરેલાં વિકાસનાં કામોના જોરે ચૂંટણી લડવાના બદલે આ બધું કરવું પડે છે તેનો અર્થ એ કે કેજરીવાલથી ખતરો છે એવું ભાજપને લાગે છે.
કૉંગ્રેસ માટે તો આ કરો યા મરોનો જંગ છે. અત્યાર લગી કૉંગ્રેસે ભાજપ સામે જ લડવાનું હતું પણ હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. છેલ્લાં ૨૭ વર્ષથી સત્તાથી વંચિત કૉંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી તેમણે આક્રમકતા બતાવી છે પણ કૉંગ્રેસ ભાજપને પડકારી શકે એવી સ્થિતિમાં જ નથી. કૉંગ્રેસે પણ કેજરીવાલના રસ્તે ચાલીને વચનોની લહાણી કરી છે. શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ જેવા જૂના જોગીને પણ પાછા લઈ આવ્યા છે. આ બધું કર્યા પછી પણ કૉંગ્રેસ ભાજપને ના હરાવી શકે ને આમ આદમી પાર્ટી તેનાથી વધારે બેઠકો લઈ જશે તો ગુજરાતમાં કૉંગ્રેસનું અસ્તિત્વ મટી જશે.
ગુજરાતમાં હાલના તબક્કે કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે પણ ભાજપનું પલ્લુ ભારે છે એ કબૂલવું પડે. ચૂંટણી પહેલાંના ઓપિનિયન પોલ ગુજરાતમાં ભાજપને ૧૪૦ બેઠકો મળશે એવો દાવો કરે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને મહત્તમ ૧૨૭ બેઠકો મળી હતી. આ વખતે મોદીનો રેકોર્ડ તૂટશે એવી આગાહી થઈ રહી છે. આ આગાહી સાચી પડશે કે નહીં એ ખબર નથી પણ ભાજપનું પલ્લુ ભારે છે જ.
મીડિયા પહેલાં આમ આદમી પાર્ટીને બહુ ગંભીરતાથી નહોતું લેતું. બે મહિના પહેલાંના ઓપિનિયન પોલમાં આમ આદમી પાર્ટીને એક-બે બેઠકો મળશે એવી આગાહીઓ થતી હતી. હવેઆ આંકડો ૧૦-૧૨ પર પહોંચ્યો છે ટાઈમ્સ નાઉના પોલમાં પચ્ચીસેક બેઠકો મળવાની આગાહી કરાઈ છે એ જોતાં કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહેશે એવું લાગે છે. કૉંગ્રેસને મહત્તમ ૪૦ બેઠકો મળશે એવી આગાહીઓ થઈ રહી છે એ જોતાં કૉંગ્રેસની હાલત વધારે બગડશે.
ઓપિનિયન પોલ સાચા પડશે કે નહીં તેની ખબર પચ્ચીસ દિવસ પછી પડી જ જવાની છે પણ આ પચ્ચીસ દિવસ દરમિયાન ગુજરાતમાં કદી ના જોવા મળ્યો હોય એવો ચૂંટણી જંગ ખેલાશે તેમાં બેમત નથી.

RELATED ARTICLES

Most Popular