Homeઉત્સવડઝનથી વધુ સુપરહિટ પુસ્તકો લખનાર અરુણ શૌરી આજે પણ દેશના શ્રેષ્ઠ લેખકોમા...

ડઝનથી વધુ સુપરહિટ પુસ્તકો લખનાર અરુણ શૌરી આજે પણ દેશના શ્રેષ્ઠ લેખકોમા એક છે

ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ

કોરોના વાઇરસના આક્રમણ પછી આપણામાંથી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે આ વાઇરસને કારણે, કોઈ નજીકનું કુટુંબી કે મિત્ર ગુમાવ્યા નહીં હોય. કોરોનાકાળ પહેલા પણ આપણે યેનકેન કારણોસર મૃત્યુને નજીકથી જોયું જ છે. ફિલસૂફોથી માંડીને આધ્યાત્મિક ગુરુઓ સુધીનાઓએ મૃત્યુ વિશે અઢળક લખ્યું છે, પરંતુ અરૂણ શૌરી જેવા લેખક મૃત્યુની તૈયારી વિશે લખે ત્યારે એમાં અલગ જ ફ્લેવર હોય. અરૂણ શૌરીએ લખેલું છેલ્લુ પુસ્તક ‘પ્રિપેરિંગ ફોર ડેથ’ પ્રકાશિત થઈ ચૂક્યું છે. લગભગ ૬૦૦ પાનાં અને ૬૦૦ રૂપિયાની કિંમતના આ પુસ્તકમાં ઢગલાબંધ ક્વોટેશન્સ, ઉદાહરણો અને જાત અનુભવનો ઉપયોગ શૌરીએ કર્યો છે. રામકૃષ્ણ પરમહંસથી માંડીને ગૌતમ બુદ્ધ જેવા મહાનુભાવો મૃત્યુ માટે કઈ રીતે તૈયાર હતા એની વાતો પણ શૌરીએ કરી છે. મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી થતી યાત્રાઓ અને ધાર્મિક વિધિ કઈ રીતે મૃત્યુને સમજવામાં મદદ કરે છે ? આપણાં ધાર્મિક પુસ્તકોથી માંડીને યોગ પુરુષો પાસેથી શું જાણવું જોઈએ ? સંથારા જેવી મૃત્યુ સ્વીકારી લેવાની જૈનોની પરંપરા કેવી છે? જેવા હજારો સવાલોના જવાબો આ પુસ્તકમાંથી મળે છે. આજે આપણને આ પ્રસંગે અરૂણ શૌરી જેવી હસ્તિને જાણવા-સમજવાનો મોકો પણ મળ્યો છે.
હાલનું જનરેશન તો કદાચ અરૂણ શૌરીને નરેન્દ્ર મોદીના વિરોધી અને યશવંતસિંહા તેમજ વકીલ પ્રશાંત ભૂષણના સાથીદાર તરીકે જ ઓળખતા હશે. ૨૦૧૪માં એનડીએ કેન્દ્રમાં સત્તા પર આવ્યું ત્યાર પછી અરૂણ શૌરી નરેન્દ્ર મોદીના ટીકાકાર થઈ ગયા એ હકીકત છે. કેટલાક એમ માને છે કે એનડીએ સરકારમાં અરૂણ શૌરીને નાણાપ્રધાન નહીં બનાવ્યા એટલે નારાજ થઈને એમણે ભાજપ છોડી દીધું. જોકે અરૂણ શૌરીની જિંદગીને નજીકથી ઓળખનારાઓ આ વાત નહીં માને. અરૂણ શૌરી વાજપેયી સરકાર વખતે ડીસ ઇન્વેસ્ટમેન્ટ મંત્રી રહી ચૂક્યા છે. એક જમાનામાં તેઓ દેશના સૌથી નામાંકિત પત્રકાર પણ હતા. ઇન્દીરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે અરૂણ શૌરી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી હતા અને કટોકટી સામે લડનાર પત્રકારોમાં અગ્રેસર હતા.
૧૯૪૧ની બીજી નવેમ્બરે જન્મેલા અરૂણ શૌરીએ કારકિર્દીની શરૂઆત અર્થશાસ્ત્રી તરીકે કરી હતી. શરૂઆતમાં તેમણે વર્લ્ડ બૅન્કમાં કામ કર્યું હતું અને ત્યાર પછી ભારત આવીને ‘પ્લાનિંગ કમિશનર ઓફ ઇન્ડિયા’ના સલાહકાર તરીકે કાર્યરત રહ્યા હતા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોયંકાએ છાપાની સંપૂર્ણ જવાબદારી અરૂણ શૌરીને સોંપી દીધી હતી. શૌરીને તેઓ પોતાનો દીકરો જ માનતા હતા. ૭૦ના દાયકાના અંત અને ૮૦ના દાયકાની શરૂઆતમાં પત્રકાર તરીકે અરૂણ શૌરીએ ભલભાલને ભૂ પીતા કરી દીધા હતા. પક્ષ માટે ભંડોળ ઉઘરાવવા માટે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એ વખતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અબ્દુલ રહેમાન અંતુલેએ મહારાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગપતિઓ પર દબાણ લાવીને આ ટ્રસ્ટ માટે નાણાં ઉઘરાવ્યાં હતાં. અરૂણ શૌરીએ પુરાવા સહિત આ કૌભાંડના અહેવાલો પ્રકાશીત કર્યા હતા. દેશભરમાં એટલો મોટો ઊહાપોહ થયો હતો કે અંતુલેએ રાજીનામું આપવું પડ્યું હતું.
રાજીવ ગાંધી જ્યારે સત્તા પર આવ્યા ત્યારે શૌરીના સરકાર વિરોધી સ્ટેન્ડને કારણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની ઓફિસ પર દરોડાઓ પાડવામાં આવ્યા હતા. આજે જે રીતે પત્રકાર અર્ણવ ગોસ્વામીને હેરાન કરવામાં આવે છે એ જ રીતે એ વખતે અરૂણ શૌરીને હેરાન કરવામાં આવ્યા હતા. જોકે શૌરી પણ ડર્યા કે ડગ્યા નહોતા. ત્યાર પછી રામનાથ ગોયંકા સાથે કોઈ બાબતે મનદુ:ખ થતાં અરૂણ શૌરીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ છોડી દીધું હતું. તંત્રીપદ છોડ્યા પછી પણ તેઓ વિવિધ અખબારોમાં નિયમિત કટાર લખતા રહ્યા હતા.
એ વખતે અરૂણ શૌરીની વિચારસરણી જમણેરી અને હિન્દુવાદી હતી. એમનાં લખાણોમાંથી વિદ્વતા ટપકતી હતી. કોઈપણ વિષય પર તેઓ લખે તે પહેલા ખૂબ ઊંડો અભ્યાસ કરતા હતા. અત્યાર સુધીમાં શૌરીએ ૩૦થી વધુ પુસ્તકો લખ્યા છે. એમનું કોઈ પણ પુસ્તક ઉપરછલ્લું લાગે નહીં. ઇસ્લામમાં બહાર પાડવામાં આવતા જાતભાતના ફતવાઓ ઉપર એમણે ‘ધ વર્લ્ડ ઓફ ફતવાઝ’ નામનું પુસ્તક લખ્યું હતું. કોર્ટની અવમાનનાનો ડર રાખ્યા વગર એમણે ‘કોર્ટ્સ એન્ડ ધેર જજમેન્ટ્સ’ નામનું અદ્ભૂત પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની પણ ગંભીર ટીકાઓ કરવામાં આવી છે આમ છતાં તેમણે દરેક ચુકાદાઓને એટલા સરસ રીતે મુલવ્યા છે કે કોર્ટ પણ એમને કઈ કરી શકી નહોતી. એમના બીજા જાણીતા પુસ્તકોમાં ‘વર્સિપિંગ ફોલ્સ ગોડ’, ‘એમીનન્ટ હિસ્ટોરિયન્સ’, ‘અ સેક્યુલર એજન્ડા’ અને ‘ડઝ હી નો અ મધર્સ હાર્ટ ?’ ખૂબ જ વખણાયા હતા.
અરૂણ શૌરીનું અંગત જીવન ખાસ્સું તકલીફવાળું રહ્યું છે. એમનો એક માત્ર પુત્ર બાળપણથી જ ‘સેરીબ્રલ પાલ્સી’ નામની બીમારીથી પીડાય છે. આજે પુત્રની ઉંમર ૪૪ વર્ષ થઈ છે. દરેક રૂટિન પ્રક્રિયા કરવા માટે એણે બીજા પર આધાર રાખવો પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શૌરીના પત્ની અનિતા પાર્કિન્સનથી પિડાઈને પથારીવશ છે. દીકરાની તકલીફોને કેન્દ્રમાં રાખીને એમણે ‘ડઝ હી નો અ મધર્સ હાર્ટ’ નામનું પુસ્તક લખ્યું હતું. તમામ ધર્મનો અભ્યાસ કરીને પોતાની તકલીફોનો જવાબ મેળવવાનો એમણે જે પ્રયત્ન કર્યો હતો એનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. શૌરીના માનવા પ્રમાણે બૌદ્ધ ધર્મની ફિલોસોફી સૌથી શ્રેષ્ઠ ઉત્તર આપી શકે છે.
થોડા સમય પહેલા આજ અરૂણ શૌરી પર સીબીઆઇ કોર્ટે કહેવાતા ભ્રષ્ટાચારના મામલે વોરંટ કાઢ્યું હતું. જોકે અરૂણ શૌરી માટે આવા વાહિયાત આક્ષેપો એમના દુશ્મનો પણ નહીં માને!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular