ત્રિકાળ-૪૨

ઉત્સવ

‘અશોક, નદીને પાછી વાળવાની કોશિશ ન કર. એ મનથી વરી ચૂકી છે દરિયાને. તોફાન સર્જાઇ જશે’

અનિલ રાવલ

હેમંતે કાનૂની મુદ્દો ઉઠાવીને સૌને ચોંકાવી નાખ્યા છે. હરિના પાછા ફરવાની બાબતે સર્જેલી સમસ્યા કરતા પણ આ સમસ્યા વધુ ઘેરી છે. શું હર્ષા અશોક સાથે લગ્ન કરવા હરિ સાથે છૂટાછેડા લેશે? અગર એવો નિર્ણય લે તો પણ એને મંગુબા અને બાબાશેઠનો ટેકો મળશે.? એક દીકરા સાથે લગ્ન કરાવવા બીજા દીકરા સાથે છૂટાછેડા લેવડાવવાનું કયા માબાપ પસંદ કરે? છૂટાછેડા મેળવવાનું આસાન હોતું નથી..કદાચ મ્યુચ્યુઅલ ડિવોર્સ મળી જાય તો હરિ આ ઘરમાં કયા મોઢે રહે? શું એણે પોતાની પત્નીના પોતાના સગ્ગા ભાઇ સાથેના લગ્ન અને સંસાર જોયા કરવાનો? હેમંતની કાનૂની રજૂઆત બાદ આ અને આવા સંખ્યાબંધ પ્રશ્ર્નો બધાના મગજમાં વીજળીની માફક ચમકી અને મેઘની જેમ ગર્જી રહ્યા છે. પત્રકાર અંજલિનાં દિમાગમાંથી પણ આ મુદ્દો નીકળી ગયો હતો. હેમંતે એની સામે જોઇને કહ્યું: “લાગણીમાં આવીને કે ભાવુક બનીને ટેકો આપવો એક વાત છે અને કાનૂની રીતે વિચારીને પ્રેક્ટિકલ-વ્યવહારૂ રસ્તો અપનાવવો અલગ બાબત છે. હરિએ ઘરના સૌને ખાતરી કરાવી આપી છે કે એ હરિ જ છે. આપણે પૂછેલા દરેક સવાલના જવાબ એણે સંતોષકારક રીતે આપ્યા છે. એટલે એ હરિ નથી હવે એ વાતની તો કોઇ શંકા રહી નથી. આપણી પાસે હવે બે વિકલ્પ રહે છે. એક હરિને છૂટાછેડા આપી હર્ષા અશોક સાથે લગ્ન કરે. જોકે એને પગલે સર્જાનારી સમસ્યાઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડે. અને બે, હર્ષા હરિને અપનાવી લે. અને જે બની ગયું એ એક દુ:સ્વપ્ન હતું એમ માનીને ભૂલી જવા પ્રયાસ કરે.
હરિ ઊભો થઇને અશોક પાસે ગયો. ‘અશોક, તેં આપેલા બલિદાનનો બદલો વાળી દેવાનો આજે મને અવસર મળ્યો છે. હું મારો રસ્તો કરી લઇશ. તું અને હર્ષા ખુશીથી સંસાર માંડો. રાહુલને બાપ તરીકેનો પ્રેમ તેં જ આપ્યો છે. તેં જ આ ઘરનો ગઢ સંભાળ્યો છે. મારી હવે કોઇ ઇચ્છા બાકી નથી રહી. હું પાછો આવ્યો એ જ મારી મોટી ભૂલ થઇ ગઇ. હવે હું અહીં રહેવાની ભૂલ નહીં કરું. હું જાઉં છું.’
‘નહીં હરિ. તું ક્યાં નહીં જાય. અને તારું સ્થાન હું નહીં લઇ શકું. હરિ, તારા વિનાનું ઘર સૂનું હતું. તારા આવવા સાથે ફરી આનંદના દિવસો શરૂ થયા છે. એની ખુશી મનાવ.’ અશોક આટલું બોલીને હરિને હર્ષાની પાસે લઇ ગયો.
‘હર્ષા, દુનિયામાં બધું આપણે ધાર્યા મુજબ નથી થતું. હવે બધું હરિ પર છોડી દે. તું મારી ખાતર, મારા પ્રેમ ખાતર હરિની થઇ જા. આપણી બેઉની, ઘરની, સૌની ખુશી આમાં જ છે.’
‘નહીં અશોક, નદીને પાછી વાળવાની કોશિશ ન કર. એ મનથી વરી ચૂકી છે દરિયાને. તોફાન સર્જાઇ જશે. પ્રલય થશે. બધું વેરાન થઇ જશે.’ હર્ષા અશોકનો હાથ છોડાવતા બોલી.
‘આ ઊભો છે એ જ તારો સાચો દરિયો છે. તું મને ખરેખર ચાહતી હો તો મારી આખરી વાત સ્વીકારી લે. સમાઇ જા આ સમંદરમાં ભેટી પડ એને.’
હર્ષા દોડીને મંગુબાને વળગી પડી. ‘બા, શું કરું. કાંઇ સમજ નથી પડતી. ભગવાન મારી કેવી કસોટી લઇ રહ્યો છે.’
‘મન કહે એમ કર.’ મંગુબાએ ખૂબ ધીરજપૂર્વક શબ્દો કહ્યા.
‘બા, મન ના પાડે છે અને અશોકનો પ્રેમ મજબૂર કરે છે.’ હર્ષાની નજર બાબાશેઠ, વલ્લભ, શકુંતલા, અંજલિ, હેમંત, રવિ પર ફરીને અશોક પર મંડાણી. અશોકની આંખમાં ભીની વિનંતી હતી. હર્ષાએ મંગુબાની સામે જોઇને કહ્યું. ‘બા, આખરે પ્રેમ જ જીતે છે.’ એ ધીમે પગેલ ચાલીને હરિની સામે જઇને ઊભી રહી ગઇ. હરિની ઊંડી ઊતરી ગયેલી લાલાશ પડતી આંખોમાં સહેજ ચમક આવી અને બહાર આભ ફાટ્યું. છેલ્લાં દાયકામાં ન પડ્યો હોય એવો વરસાદ બાબાશેઠના ઘરમાં બની રહેલી અકલ્પ્ય ઘટનાનો સાક્ષી બની રહ્યો છે.
રામજીની સાથે અંદર રમી રહેલો રાહુલ બહાર દોડી આવ્યો. અશોક પાસે જઇને બોલ્યો: ‘પપ્પા, મારે કેક ખાવી છે.’
‘હા, તારે એકલાએ નહીં બધાને કેક ખાવી છે, પણ એ પહેલા આપણે ફરીથી કેક કટિંગ કરીશું.’ અશોકે એને તેડી લેતાં કહ્યું.
‘ચાલો, ચાલો બધા. ગોળકુંડાળું વળી જાઓ.’ કહીને રાહુલ કેક કટિંગ કરવા લાગ્યો.
એક મિનિટ રાહુલ,’ કહીને અશોકે હરિને બોલાવીને રાહુલની સાથે મળીને કેક કાપવાનું કહ્યું. હરિને જોઇને રાહુલ બોલી ઊઠ્યો: પપ્પા, આ કોણ છે?’
‘આ તારા પપ્પા છે.’ અશોકે કહ્યું.
‘ના, મારા પપ્પા તો તમે છો.’
‘ના, બેટા, આ જ તારા પપ્પા છે..’ અશોકે જરા ભારપૂર્વક કહ્યું.
‘રહેવા દે અશોક. તું તારું મન વાળી શક્યો, હર્ષાનું મન વાળી શક્યો. રાહુલ બાળક છે એનું મન વાળવાનું શક્ય નથી. એના માટે તું જ પપ્પા છો. અને એમ જ રહેવા દે.’ રાહુલ કેક કાપવાનું છોડીને મંગુબા પાસે ગયો.
‘દાદી, આવા ગંદા મારા પપ્પા હોય?’ મંગુબા પાસે કયાં આનો કોઇ જવાબ હતો. એ કેમ કરીને સમજાવે કે હા, આ જ તારો બાપ છે. કોઇ શનિ કે રાહુ-કેતુની કાળમુખી છાયાએ એને તારાથી અળગો કરી દીધો. તમે બાપ દીકરો હોવા છતાં આ ઘરમાં તું એને પપ્પા નહીં કહી શકે અને એ તને બેટા કહી શકશે. મંગુબાની આંખોમાં છલકાયેલા આંસૂએ જવાબ આપ્યો જેને રાહુલ સમજી ન શક્યો. એ દોડીને રામજી પાસે ગયો.
‘રામજીકાકા આવા મારા પપ્પા હોય તમે જ કહો?’ રામજી મનોમન બબડ્યો. ‘આનો જવાબ ખુદ ભગવાન રામ પાસે પણ નહીં હોય તો રામજી પાસે ક્યાંથી હોય.’
ચાલ રાહુલ, આપણે કેક કાપવાની છે.’ બાબાશેઠના એક જ અવાજે રાહુલ દોડી ગયો.
***
એ દિવસે આખી રાત વરસાદે પડ્યો. હરિના આવવાની ખુશીમાં કે ગમમાં…ખબર નહીં, પણ આખા શહેરને દરિયો તાણી જશે કે જળસમાધિ લેવડાવશે એવો માહોલ સર્જાયો હતો. બાબાશેઠે રાહુલની સાથે મળીને કેક કાપીને વાતાવરણ હળવું બનાવ્યું પછી ઘરના તમામે તમામને વરસાદના કહેરનો અંદાજ આવ્યો. હેમંત, અંજલિ અને રવિ રાત રોકાઇ ગયાં હતાં અને બીજા ચોવીસ કલાક સુધી શહેરનું અસ્તવ્યસ્ત જનજીવન પાટે ચડે એવા એંધાણ નહતા. મંગુબાએ યાદ દેવડાવ્યું કે ‘આને હેલી કહેવાય. દસેક વરસ પહેલાં પાંચ દિ આવો વરસાદ ખાબક્યો હતો.’ બધાએ બીજો આખો દિવસ પાછલી રાતની વાતોમાં વીતાવ્યો. રાત થવા આવી.
મંગુબાના રૂમમાં એમની બાજુમાં બેઠેલી હર્ષા કોઇ જુદી જ અકળામણ અનુભવી રહી છે. એ કાંઇક કહેવા માગે છે, પણ બોલતી નથી. અંતે મંગુબાએ પહેલ કરી: ‘જે કહેવું હોય તે કહી દે. મનમાં ન રાખ.’
‘બા, હરિની સાથે એક રૂમમાં રહેવાનું મારું મન નથી માનતું. કોઇ અકળ તાણમાં છું. લાગે છે કે હું હજી માનસિક રીતે પુરી તૈયાર નથી.’
‘ઘણાં વરસો વીતી ગયા છે એટલે તને એવું લાગે છે. બંને કૉલેજ વખતની થોડી વાતચીત કરો. હળોમળો. એટલે પાછા હૈયાં મળી જશે. સમય વીત્યાની આ વ્યથા છે.’ મંગુબાએ હર્ષાની મૂંઝવણને પારખી લેતાં કહ્યું. મંગુબાની વાત માનીને ખચકાતાં પગલે હર્ષા પોતાના રૂમમાં ગઇ જ્યાં હરિ એની રાહ જોતો હતો.
***
વલ્લભ અને શકુંતલા એમના રૂમમાં હતાં. હેમંત અને અંજલિ ગેસ્ટ રૂમમાં હતાં. બાબાશેઠ રાહુલની સાથે રામજીના રૂમમાં વાતો કરતા હતા. થોડીવારે બાબાશેઠ રાહુલને લઇને અશોકની રૂમમાં ગયા.
‘ચલો રાહુલ…આપણે બંને આજે મારા રૂમમાં સૂઇ જઇએ.’ અશોકે બાબાશેઠ અને રાહુલને જોઇને કહ્યું.
‘ના, હું મમ્મીની સાથે સૂઇશ.’ રાહુલ બોલ્યો.
‘અશોક આજે તો રાહુલ અમારી સાથે સૂઇ જશે. ચાલ, દાદી તને સરસ વાર્તા સંભળાવશે.’
‘ના, હું મમ્મી સાથે જ સૂઇશ.’ રાહુલ બોલ્યો.
‘બહાર વીજળીનો મોટો ઝબકારો થયો અને એ સાથે લાઇટ ગઇ. હર્ષાએ રૂમમાંથી દોડી આવીને ચીસ મારી:
‘બા, આ હરિ નથી.’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.