ત્રિકાળ-૪૪

ઉત્સવ

અંજલિએ કહ્યું: ‘મેં હજી ડર્મેટોલોજિસ્ટનો ઓપિનિયન લીધો છે. હરિભાઇની અસલિયત સાબિત કરવા મારી પાસે બીજો પણ એક ઉપાય છે’

અનિલ રાવલ

અંજલિએ અશોકના રૂમમાંથી ફોનનું ચકરડું ઘુમાવ્યું. બહાર સંભળાય નહીં એમ વાત શરૂ કરી. બહાર વિચારોમાં અટવાયેલો હેમંત અંજલિ કોને ફોન કરવા ગઇ હશે એની અટકળ કરવા લાગ્યો. બધા જ લોકો હેમંત અને અંજલિ હવે શું કરશે કે શું કહેશે એનો વિચાર કરવામાં પડી ગયાં.
હરિએ મૌન તોડ્યું ને સામે ઊભેલી હર્ષાની આંખમાં આંખ પરોવીને કહ્યું. ‘તું એટલા માટે જુઠ્ઠું બોલે છે કેમ કે તારે કોઇપણ ભોગે મારી સાથે રહેવું નથી. એટલે તેં એક એવું કારણ શોધી કાઢ્યું કે જેની ખબર માત્ર તને જ હોય અને આ બધાના ગળે સહેલાઇથી વાત ઊતરી જાય.’
‘મારે તારી સાથે ન રહેવું હોત તો રાતે તારી પાસે આવી ન હોત. તને ખબર છે કે હું મનને મારીને કોઇ કામ ક્યારેય કરતી નહોતી.’
‘પણ આખી વાતમાં મસો ક્યાંથી આવ્યો?’ હરિએ પૂછ્યું.
હેમંતને લાગ્યું કે હરિ એના જ મનની વાત કરી રહ્યો છે. એને એક તબક્કે તો થયું કે પોતે જ હર્ષાને સાચું શું છે એ પૂછી લે, પણ અત્યારે બંને વચ્ચે ચાલી રહેલી દલીલોમાંથી જજમેન્ટ બહાર આવી જશે એમ વિચારીને અંજલિ જે રૂમમાં ગઇ એ તરફ જોવા લાગ્યો, પણ એનું ધ્યાન હર્ષા અને હરિની વાતોમાં હતું.
‘મસાની વાત તેં ઊપજાવી કાઢી છે’ હરિએ કહ્યું. એ સાથે જ અંજલિ બહાર આવીને બોલી: ના, હરિભાઇ, હર્ષાએ આ વાત ઊપજાવી નથી કાઢી.’
બધા ચોંકી ઊઠ્યાં. પહેલેથી જ હર્ષાના પક્ષે રહેલી અંજલિ શું કહેવા માગે છે એ જાણવામાં હેમંતને ખાસ રસ છે.
‘મેં હમણાં જ જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડો. મેસ્વાની સાથે વાત કરી. મસાના ઘણા પ્રકાર હોય છે. એમાંનો એક પ્રકાર એવો હોય છે જે સમય જતા ખરી જાય. એટલે હરિભાઇને મસો હશે, પણ આટલા વખતમાં ધીમે ધીમે ઘસાઇને નીકળી ગયો હોય એવું બને. કોઇ કેસમાં મસાની જગ્યાએ ડાઘ રહી જતો હોય છે. ક્યારેક ઉપર ચામડી આવી જાય તો ડાઘ પણ દેખાતો નથી. છતાં ડોક્ટરે એકવાર ચેકઅપ માટે બોલાવ્યા છે. ત્યારે તેઓ વધુ કહી શકશે.’
હેમંત હરિ પાસે ગયો. એનો ઝભ્ભો ઊંચો કરીને ક્યાંય ડાઘ દેખાય છે કે નહીં એ ચેક કર્યું. એણે અંજલિ અને હર્ષાની સામે જોઇને માથું નકારમાં ધુણાવ્યું.
બહારનું તોફાન તો શમી જવા આવ્યું હતું પણ અંદર હજી કેટલાકના દિમાગમાં ચકરાવો લઇ રહેલો ચક્રાવાત ઝંપવાનું નામ નથી લેતો. કદાચ અંજલિનું આ સંશોધન હર્ષાને ગળે ઊતર્યું નથી. બધા પોતપોતાના રૂમમાં જવા માંડ્યા એટલે એણે મંગુબાને કહ્યું: ‘બા, હું તમારી સાથે સૂઇશ.’
‘મંગુબાએ એનો હાથ ઝાલતા કહ્યું: હું પણ તને એ જ કહેવાની હતી.’
સવાર સુધીમાં વરસાદ થંભી ગયો હતો. બધા એક પછી એક ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તા માટે આવ્યા. હર્ષાએ રામજીના હાથમાંથી ઇડલીનો ડબ્બો લઇ લેતા કહ્યું: ‘હું પીરસું છું.’ એણે હરિની પ્લેટમાં ઇડલી મૂકતાં પૂછ્યું: ‘તને બધું યાદ આવી ગયુ ને પીઠ પર મસો છે એ જ ભૂલી ગયો?’
‘મને યાદ હતું.’ હરિ મોટેથી હસવા માંડ્યો. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા બધા જ એને જોઇ રહ્યા. મસા વિશે જાણતો હોવા છતાં આટલીવાર સુધી જુઠ્ઠુ બોલવાનું કારણ અને ફાયદો શું. કદાચ સૌના મનમાં આ એક જ વિચાર હતો.
‘હરિ, આટલી મોટી ગંભીર બાબતને તેં મજાકમાં લીધી? સાત સાત વર્ષ અમે અધ્ધર શ્વાસે રહ્યાં અને તને મજાક સૂઝે છે. તું તો પહેલાં ક્યારેય મજાક કરતો નહીં. તારો સ્વભાવ કેટલો ગંભીર છે એ હું નથી જાણતી? તું લાખ છૂપાવવાની કોશિશ કરે, તારી અસિલયત બહાર આવ્યા વિના નહીં રહે.’ એટલામાં મંગુબા રાહુલને લઇને આવ્યા. હરિને જોઇને રાહુલ મોટેથી બોલ્યો: ‘ગંદો માણસ…મારે આની સાથે બેસીને નાસ્તો નથી કરવો. આઇ હેટ હીમ..આઇ હેટ હીમ.’
અંજલિએ ડોક્ટરનો ઓપિનિયન સૌની સામે મૂક્યો હોવાછતાં હર્ષાના મનમાં હજી કોઇ શંકા સળવળ્યા કરે છે. રાહુલને લઇને રસોડામાં જતી રહેલી હર્ષાની પાછળ જઇને અંજલિએ કહ્યું: ‘મેં હજી ડર્મેટોલોજિસ્ટનો ઓપિનિયન લીધો છે. હરિભાઇની અસલિયત સાબિત કરવા મારી પાસે બીજો પણ એક ઉપાય છે.’
અંજલિની સામે એકીટસે જોઇ રહેલી હર્ષાએ કયો ઉપાય એવું પૂછ્યું નહીં, પણ એની આંખમાં રમતા સવાલને પામીને અંજલિએ એના કાનમાં કાંઇક કહ્યું.
અંજલિ અંદર ગઇ ત્યારે હેમંત હરિના ચહેરાના હાવભાવ જોવા લાગ્યો. એણે એક બાબતની નોંધ લીધી હતી કે જ્યારે રાહુલે હરિ વિશે આઇ હેટ યુ કહ્યું છે ત્યારે હરિએ કોઇ રોષ કે ગુસ્સો બતાવ્યો નહીં એની આંખમાં એક બાપ તરીકેની કરૂણા પણ જોવા નથી મળી. એક પુત્ર જ્યારે બાપને ઓળખવા કે સ્વીકારવાનો ઇન્કાર કરી દે ત્યારે બાપના ચેહાર પર દેખાવી જોઇતી વેદનાની કોઇ ઝલક એના ચહેરા પર સમ ખાવા પુરતી પણ દેખાઇ નહીં. હર્ષા અને અશોકની મંગનીની સાંજે ટપકી પડેલા હરિની દરેક વાત, પુરાવાને માનવા લાગેલા હેમંતને આ એક જ ખટકી રહી છે.
‘હરિએ અચાનક જ રવિને પૂછ્યું: આપણું રેડીમેડ કપડાનું કામકાજ કેમ ચાલે છે.?’
‘સારું ચાલે છે.’ રવિએ જવાબ આપ્યો.
‘કાંઇ કમાણી થાય છે કે પછી…ખોટના ધંધા.’
‘ના, ના નફા-નુકસાનના બધા જ હિસાબ અને આંકડા હું બાબાશેઠને આપું છું પૂછી જો એમને.’
‘રવિએ હિસાબ ચોખ્ખો રાખ્યો છે.’ બાબાશેઠે કહ્યું.
‘વલ્લભભાઇ, અગરવાલ શું કરે છે?’
‘શું કરે છે એટલે તું શું પૂછવા માગે છે?’ વલ્લભે કહ્યું.
‘એ જ કે એની સાથે દલાલી-બલાલીનું કામ ચાલે છે નહીં.’
વલ્લભ ઝંખવાણો પડી ગયો. એ શું કહે કે એક તકવાદીએ બીજા તકવાદીનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે અને લાખો રૂપિયા કમાય છે. એ ચૂપ રહ્યો એટલે હરિએ જ સામેથી કહ્યું: ‘મારે એની સાથે ઘણો જૂનો હિસાબ કરવાનો છે.’
‘મારે તારી સાથે પણ એક જૂનો હિસાબ કરવાનો છે.’ આટલું બોલીને વલ્લભે બાબાશેઠને ચોંકાવી દીધા. બાબા શેઠને સમજતા વાર ન લાગી કે વલ્લભે પચાસ હજાર રૂપિયાની વાતે છેડી છે.
હરિ પાછો આવ્યો છે. એની સાથે ઊભી થયેલી કેટલીક સમસ્યાનો હિસાબ થવા દે પછી તું તારો હિસાબ કાઢજે.’ બાબાશેઠે વલ્લભને રોકવાના ઇરાદે ટોક્યો.
‘હા, મને ક્યાં ઉતાવળ છે. આતો વાતમાંથી વાત નીકળી એટલે કહ્યું.’ વલ્લભે પણ વાતના વહેણને વાળી લીધું.

***
બીજે દિવસે શહેરનું જનજીવન તો પાટે ચડી ગયું, પણ બાબાશેઠના ઘરનું જનજીવન હજી અસ્તવ્યસ્ત છે. રવિ અને હેમંત-અંજલિ પોતપોતાનાં ઘરે ગયાં. વલ્લભ અને શકુંતલા એમનાં રૂમમાં હરિની ચર્ચા કરતા બેઠા છે.
‘તને શું લાગે છે હરિનું?’ વલ્લભે પૂછ્યું.
સાચું કહું.. મને એનું વર્તન પણ થોડું ગાંડા જેવું લાગે છે. જોયું નહીં…સાબિત કરતી વખતે આંખોના ડોળા કેવા કાઢતા હતા. અને આજે અચાનક કહે કે હું તો મજાક કરતો હતો. આવી મજાક હોય. હું તો કહું છું કે એને કોઇ સાઇકોલોજિસ્ટને બતાવો. એટલે બધું આપોઆપ બહાર આવી જશે.’
‘મારી પાસે હજી એક રસ્તો છે એ હરિ છે કે નહીં એ સાબિત કરવાનો.’
હરિનો ઉતારો ગેસ્ટ રૂમમાં કરવામાં આવ્યો જેથી એ ગુસ્સામાં છે. એણે આ અંગે મંગુબા અને બાબાશેઠ પાસે બળાપો પણ કાઢ્યો.
‘હજી મારે કેટલા પુરાવા આપવાના છે તે કહો. મેં એકસાથે બધું તમને કહી દીધું જેથી કોઇને મારા પર શંકા ન રહે, પણ હજી તમને હું તમારો હરિ નથી લાગતો.’ એના બોલવામાં લાગણી અને રોષ બંને હતા, પણ શંકા એક એવી ચીજ છે જેનું નિવારણ થાય તો એ નિવારણ પર પણ થોડી શંકા રહી જાય. મંગુબા અને બાબાશેઠ પાસે એના જવાબમાં બસ એક મૌન હતું. હરિ નહાઇ ધોઇને વહેલો તૈયાર થઇને બહાર નીકળી ગયો. બાબાશેઠે એને આંતરી લઇને પૂછ્યું: ક્યાં જાય છે. જવાબમાં હરિએ કહ્યું: ‘હું હરિ છું એવું મારે બીજે પણ કયાંક પુરવાર કરવાનું છે.’
***
બિલ્ડર અગરવાલની ઓફિસનો દરવાજો ધડામ દઇને ખુલ્યો. રિસેપ્શન્સ્ટિ જુલી લગભગ ઊભી થઇ ગઇ. કેબીનના દરવાજાને એક લાત પડી. અંદરથી ગભરાયેલા અગરવાલનો અવાજ આવ્યો: ‘તું…તું પાછો આવ્યો. મેં તો તને…’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.