ત્રિકાળ-૪૩

ઉત્સવ

‘આટઆટલી કસોટીમાંથી પાસ થયેલો આ માણસ આપણો હરિ નથી તો કોણ છે બહુરૂપિયો?’

અનિલ રાવલ

બધા જ હર્ષાની ચીસ સાંભળીને બહાર આવ્યા. “શું થયું હર્ષાને.? કેમ ચીસ પાડી.? સૌના મનમાં વીજળીની જેમ એક જ પ્રશ્ર્ન ઝબક્યો. હર્ષાનું આમ ચીસ પાડીને બહાર આવી જવાનું કારણ કોઇને સમજાયું નહીં. હર્ષા પોતાની અસ્તવ્યસ્ત સાડીનો પલ્લું ઉપર તાણતા મંગુબા પાસે દોડી ગઇ. ભેટીને રડવા લાગી. હરિ બહાર આવીને ઊભો રહી ગયો. એટલામાં લાઇટ પાછી આવી ગઇ. હવે બધાના ચહેરા સાફ જોઇ શકાય છે.
‘શું થયું કહે મને?’ મંગુબાએ હરિની સામે જોતા પૂછ્યું. સૌની નજર હરિ પર ખોડાઇ ગઇ.
‘બા, એ હરિ નથી.’ સાંભળીને સૌ સ્તબ્ધ થઇ ગયા. ઘરમાં ભયાનક મેઘગર્જના સિવાય કોઇ અવાજ સંભળાયો નહીં. વીજળીનો એક તેજ લીસોટો સૌના મૌનને ચીરતો નીકળી ગયો. હરિને જોઇ રહેલી દરેકની આંખોમાં પોતે છેતરાઇ ગયા હોવાનો ભાવ હતો.
મંગુબાએ હર્ષાનો પલ્લું ઠીક કર્યો. સ્વસ્થતાથી એના આંસુ લૂછ્યાં. આ દરમિયાન અંજલિ અને શકુંતલા એમની પાસે જઇને ઊભાં રહી ગયાં. એક સ્ત્રી એના પતિને દિવસ કરતા રાતે વધુ સારી રીતે જાણી-પીછાણી શકે છે એની ખાતરી હર્ષાની બાજુમાં ઊભેલી આ ત્રણેય સ્ત્રીઓને હતી. આ હરિ નથી એનું ખરું કારણ જાણવામાં એમને રસ હતો. અથવા તો જાણવું અનિવાર્ય થઇ પડ્યું હતું.
‘શું આ આપણો હરિ નથી.? આટઆટલી કસોટીમાંથી પાસ થયેલો આ માણસ આપણો હરિ નથી. તો કોણ છે આ બહુરપિયો.?’ બાબાશેઠ મનોમન બબડી ઊઠ્યા. વલ્લભ ધૂંઆપૂંઆ થઇ ગયેલો વલ્લભ રૂમમાં ગયો. સામાન્ય રીતે શાંત રહેતો અશોક હરિ પર હાથ ઊપાડવા ધસી ગયો, પણ રવિએ એને રોક્યો. હેમંત હરિના ચહેરાને કળવાની કોશિશ કરતા વિચારી રહ્યો છે કે આ માણસે પોતે હરિ હોવાના બધા જ પુરાવા આપ્યા, પણ હર્ષા, એની પત્ની…આ હરિ એનો પતિ નથી એ કઇ રીતે ઓળખી ગઇ. મંગુબા, શકુંતલા અને અંજલિ હર્ષાને એકબાજુ લઇ ગયાં.
‘તને કેમ લાગ્યું કે આ હરિ નથી.?’ મંગુબાએ ધીમેથી પૂછ્યું.
‘બા, હરિની પીઠ પર એક મોટો મસો હતો…આની પીઠ પર નથી.’ બોલીને હર્ષા નીચું જોઇ ગઇ.
વલ્લભ રિવોલ્વર સાથે સીધો હરિ પાસે ધસી ગયો અને કોલર પકડીને હોલમાં વચ્ચોવચ્ચ ઊભો કરીને લમણે રિવોલ્વર તાકી. ‘બોલ, કોણ છે તું.? સાચેસાચું ભસી મર નહીં નહીંતર મર્યો સમજ.’ હેમંતે દોડીને વલ્લભનો હાથ પકડી લીધો.
‘વલ્લભભાઇ, આ શું કરો છો તમે. કાયદો હાથમાં નહીં લેવાનો. એ જો હરિ નથી તો એને પોલીસને હવાલે કરી શકાય છે. પોલીસ બધું ઓકાવશે.’
‘હું પહેલાથી જ કહું છું કે આ કોઇ ગઠિયો છે. હરિની બધી વાતો જાણીને ઘરમાં કોઇ ચોક્કસ ઇરાદે ઘૂસ્યો છે, પણ મારી વાત કોઇ માનતું નથી.’ એમ કહીને એણે બાબાશેઠ સામે જોયું.
‘પણ એણે બધા પુરાવા આપ્યા પછી તો માનવું જ પડેને.’ બાબાશેઠે પોતાની નિર્દોષતા બતાડી.
‘વલ્લભભાઇ, તમે રિવોલ્વર મને આપી દો’ એમ કહીને હેમંતે રિવોલ્વર પોતાના કબજામાં લઇ લીધી. બાબાશેઠની બાજુમાં ઊભો રહીને તમાશો જોઇ રહેલો રાહુલ અચાનક બોલ્યો: ‘ગંદો માણસ. આ મારા પપ્પા નથી. આઇ હેટ હીમ…આઇ હેટ હીમ.’ રામજીએ દોડતા જઇને એને રૂમમાં લઇ ગયો. રાહુલ હેમંતના હાથમાં રહેલી રિવોલ્વર જોતો જતો રામજી સાથે અંદર ગયો.
મંગુબા ધીમા પગે હરિ પાસે આવ્યા. હરિની આંખમાં આંખ મિલાવીને એક તમાચો ચોડી દીધો.
‘ઝભ્ભો ઊતાર તારો.’ બાએ ગર્જના કરી. અશોક, વલ્લભ, હેમંત, રવિ અને બાબાશેઠને કાંઇ સમજાયું નહીં. જોકે, હરિને ખુદને સમજાતું નથી કે હર્ષા ચીસ પાડીને શા માટે બહાર દોડી આવી. વલ્લભે રિવોલ્વર કેમ તાંકી, અશોક શા માટે મારવા દોડ્યો. અને હવે બા શા માટે ઝભ્ભો ઉતારવાનું કહે છે.
‘અરે કોઇ મને તો કહો કે શું થયું.?’ હરિ બોલ્યો.
‘બહુ હોંશિયાર બનવાની જરૂર નથી. ઝભ્ભો ઉતાર કીધુંને.’ બા ફરી તાડુક્યા.
હરિએ ડરતા, ખચકાતા, અચકાતા ઝભ્ભો ઉતાર્યો.
‘પીઠ બતાવ તારી.’ હરિ પાછળ ફર્યો.
‘તારી પીઠ પર મોટો મસો હતો. ક્યાં ગયો.?’ બાની વાત સાંભળીને સૌ ચોંકી ઊઠ્યા.
હરિ ગભરાઇ ગયો. એના ચહેરાનો રંગ બદલાઇ ગયો. જાણે કોઇ મોટી ચોરી પકડાઇ ગઇ હોય એમ પોતાની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. ખબર નહીં આવો કોઇ મસો મારી પીઠ પર હતો. મને યાદ નથી.’
‘તને યાદ નથી,પણ તારી પત્નીને તો ખબર જ હોયને..’ બોલતી શકુંતલા આગળ આવી. હરિ ચૂપ રહ્યો.
તને સાત પેઢીના નામ યાદ આવી ગયા, પણ તારી પીઠ પર મસો હતો કે નહીં એ યાદ નથી આવતું.?’ બાબાશેઠ બરાડી ઊઠ્યા.
‘મને ખરેખર આવા કોઇ મસાની ખબર નથી, પણ હું હરિ જ છું.’ હરિ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો.
‘હવે આનું શું કરવું છે? અશોકે હેમંતને પૂછ્યું.’
‘વેઇટ, ઉતાવળ ન કર…હર્ષા આ નવો જ પોઇન્ટ શોધી લાવી છે. હરિએ બોલીને તો ઘણાં પુરાવા આપ્યા હવે આ સજજડ પુરાવામા કેવી દલીલ કરે છે એ જોવા દે મને.’ હેમંતે કહ્યું.
‘તને પોતાને નવાઇ નથી લાગતી કે તારી યાદદાસ્ત પાછી આવી ગઇ.’ જેને સહારે તું ઘર સુધી પહોંચી શક્યો. બધાએ પૂછેલા સવાલોના સાચા જવાબો આપ્યા. બધાની શંકા દૂર કરી…પણ તને આ મસાની જણ નથી કે આવો કોઇ મસો તારા શરીર પર હતો?’ હેમંતે એક વકીલની અદાથી કહ્યું.
‘હું મારી જાતને પુરવાર કરવા બધી જ સત્ય હકીકત જણાવું તો મને આ વાત કહેવામાં સંકોચ શા માટે હોય…હું શા માટે ખોટું બોલું?’ હરિએ વળતી દલીલ કરી.
‘એનો મતલબ એ થયો કે હર્ષા ખોટું બોલે છે?’ હેમંતના સવાલે સૌને ચોંકાવી મૂક્યા.
‘આ સવાલ મને નહીં તું હર્ષાને જ પૂછ.’ હરિએ કહ્યું.
‘શું હું ખોટું બોલું છું. હું શા માટે ખોટું બોલું?’ હર્ષા એકદમ ધસી આવી.
‘હરિએ એને કહ્યું: એ તું તારી જાતને પૂછ.’ ધૂંધવાયેલી હર્ષા બધાની સામે જોઇ રહી. અનાયાસે એની નજર અશોક પર પડી. હેમંત કાંઇક પામી ગયો હોય એમ એ બંનેને જોઇ રહ્યો.
હર્ષા ખોટું કેમ ન બોલી શકે? એને કદાચ બાકીનું જીવન હરિ સાથે ન જીવવું હોય તો ખોટું બોલી શકે. એ અશોક સાથે લગ્નસંબંધે જોડાવા માગતી હોય, પણ એવું પણ બને, પણ એણે જ મંગુબાની વાત માનીને હરિનો સ્વીકાર કરેલો. અને મંગુબાએ જ હર્ષાને એની મરજી વિરુદ્ધ રાતે રૂમમાં હરિ પાસે મોકલેલી. મસો એક જ એવી બાબત છે જેના વિશે એ પોતે જે ધારે એ કહી શકે.અને આ હરિ નથી એવું પુરવાર થઇ શકે. બહાર વરસાદી તોફાન છે અને હેમંતના મનમાં વિચારવંટોળ ઊઠ્યો છે.
હેમંતના મનમાં ચાલતા વિચારોને કાયમ પકડી પાડનારી અંજલિએ અશોકના રૂમમાંથી એક ફોન જોડ્યો. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.