ત્રિકાળ-૫૧

ઉત્સવ

ચિંતા ક્યારેક માણસની ઉંઘ ઉડાડી દેતી હોય છે તો ક્યારેક બહુ ચિંતાથી થાકેલું મગજ જલદી ઉંઘાડી દે છે’

અનિલ રાવલ

હરિને જોઇને ઘરમાં ભૂકંપ આવ્યો. સૌ ધ્રુજી ઉઠ્યા. હરિને આમ બાવડેથી ઝાલેલો જોઇને ઓર આંચકો લાગ્યો. રવિએ બધાના ચહેરાને જોયા. ચહેરા પરના સવાલોને સમજતા વાર ન લાગી. એણે હરિને ધક્કો મારીને આગળ ધકેલતા કહ્યું: ‘ભાઇ સાહેબ મારી પાસે આવ્યો. ફેક્ટરીએ પહોંચ્યો ત્યાં સુધી બધું યાદ હતું. પછી કાંઇ યાદ ન રહ્યું. અહીં ઉપર આવતા મને કહે કે મારે આ ઘરમાં નથી જવું. અહીં મારું કોઇ નથી. મને કાંઇ સમજાતું નથી.’ રવિએ થોડામાં ઘણું કહેવાની કોશિશ કરી. હરિ ડિટેક્ટીવને જોઇને રવિની પાછળ લપાઇ ગયો. ઘરના સૌની કફોડી સ્થિતિ છે. થોડીવાર પહેલાં જેના માટે જાતજાતની વાતો થઇ, ભેદી રીતે ભાગી જવા માટે જેના પર પસ્તાળ પડી એ માણસ ફરી પાછો ઘરમાં આવ્યો છે. શું કરવું? અને શું કહેવું? એ કોઇને સમજાતું નથી. પણ બધા માટે ડિટેક્ટીવનો સધિયારો હતો. કમ સે કમ અત્યારે એ હરિને અને રવિને પૂછીને કાંઇક તોડ કાઢી શકશે.
હરિભાઇ, આમ છુપાઇ ન જાઓ. બહાર આવો. કેમ આ રીતે બાથરૂમની બારીમાંથી છટકી ગયા.?’ ડિટેક્ટીવે માનવાચક વાક્યથી શરૂઆત કરી.
‘મારે નથી રહેવું અહીં. એટલે જાણ કર્યા વગર જતો રહ્યો.’ હરિએ રવિની પાછળથી ડોકિયું કરતા કહ્યું.
‘તમને અહીં રહેવાનો કોઇનો ફોર્સ નથી. તમે જ્યાંથી આવ્યા એ હિમાચલ પ્રદેશના આશ્રમમાં જવું છે.?’
‘ના, મારું કોઇ ઠેકાણું નથી.’ હરિ બહાર આવીને ઊભો રહ્યો.
‘અચાનક રવિની પાસે શા માટે પહોંચી ગયા.?’
‘મારે એની પાસેથી ફેક્ટરીનો હિસાબ માગવો હતો. હું ભાગીદાર છું એનો.’
ડિટેક્ટીવે રવિની સામે જોયું. ‘રવિકાન્ત, એણે હિસાબ માગ્યો.?’
‘એણે હિસાબ માગ્યો નથી. ફેક્ટરીમાં આવ્યો ત્યાં સુધી જ યાદ હતું પછી કાંઇ યાદ ન હતું.’
‘તેં એને યાદ અપાવવાની કોશિશ તો કરી હશેને.?’
‘હા, બહુ કોશિશ કરી, પણ ભળતી જ વાતો કરતો હતો. એટલે મને થયું કે એને અહીં લાવું.’
રવિને નવાઇ લાગી કે કોઇએ કહ્યું નહીં કે સારું કર્યું હરિને પાછો લાવ્યો. એણે વારાફરતી બધાના ચહેરા પર નજર ફેરવી.
કોઇનો ચહેરો કહેતો હતો કે આ બલા પાછી ક્યાંથી આવી. કોઇના ચહેરા પર ભય હતો લૂંટાઇ જવાનો તો કોઇનો ચહેરો ગુસ્સાથી લાલઘુમ હતો. કોઇનો ચહરો કહેતો હતો કે હવે શું કરવું. હવે શું કરવું એવો પ્રશ્ર્ન જેના ચહેરા પર લટકતો હતો એ હર્ષાનો ચહરો હતો. એણે બધાની સામે જોઇને પૂછ્યું. ‘હવે શું કરવું.?’ આના જવાબમાં કોઇએ એમ ન કહ્યું કે હરિને કાઢી મૂકો. શક્ય છે કે કદાચ એના પર દયા આવી કે વચ્ચે વચ્ચે યાદદાસ્ત ગુમાવી બેસનાર આ ખરેખર હરિ જ હશે અને યાદદાસ્ત ગુમાવી બેઠેલા કે પાગલ થઇ ગયેલા ઘરના સભ્યને કાઢી તો ન જ મૂકાયને. શક્ય હોય તો એનો ઇલાજ પણ કરાવી શકાય. અને સૌથી મહત્વની વાત એ છે કે ડીએનએ ટેસ્ટમાંથી અસલિયત બહાર આવી જશે.
‘અંજલિ, હરિનો ડીએનએ ટેસ્ટ કેટલા ઝડપથી થઇ શકે.?’ અંજલિએ હેમંતની સામે પ્રશ્નાર્થ ભરી આંખે જોયું.
‘હમણાં જ જાણીને કહું.’ હેમંત ફોન લગાડવા અંદરની રૂમમાં ગયો. થોડીવારે બહાર આવીને કહ્યું: ‘કાલે સવારે લેબમાંથી માણસો બ્લડ અને મોઢાની લાળના સેમ્પલો લેવા માટે આવશે. આમ તો અંજલિ હાજર રહેશે એ વખતે, પણ હર્ષા તને કહી રાખું છું કે તારા, રાહુલના અને બાબાશેઠ અને હરિના સેમ્પલો લેશે. ડીએનએ ટેસ્ટ સાબિત કરી આપશે કે હરિ રાહુલનો પિતા છે, રાહુલ તારું અને હરિનું સંતાન છે અને હરિ બાબાશેઠનો પુત્ર છે. રિપોર્ટ આવતા બે દિવસ લાગશે.’ ‘હું કોઇ સેમ્પલ બેમ્પલ નહીં આપું.’ હરિએ કહ્યું.
‘જો હરિભાઇ, તમે કહો છો ને કે તમે હરિ જ છો તો તમારે સાબિત તો કરવું પડશેને….અને આ એક જ ટેસ્ટથી બધાની શંકા દૂર થશે અને આ ઘરમાં પિતા, પતિ, ભાઇ અને પુત્ર તરીકે રહેવાનો તમારો માર્ગ મોકળો થશે અને તમે આ ટેસ્ટ કરાવવા ન માગતા હો તો તમારે માટે અહીં રહેવું શક્ય નહીં બને. તમે નક્કી કરી લો કે તમારે શું કરવું છે.?’ ડિટેક્ટીવે સ્પષ્ટ શબ્દો કહી દીધું. હરિ શું કદમ ઉઠાવે છે એના પરથી એના દિમાગમાં રમતા સાપોલિયાની ખબર પડી જશે એવું ડિટેક્ટીવ માને છે. સાંભળીને હરિએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ડિટેક્ટીવ માટે આ પણ એક પ્રતિભાવ જ હતો. એણે હર્ષા પાસે જઇને કહ્યું.
‘હરિભાઇ ઇઝ રેડી ફોર ધી ટેસ્ટ. આઇ શુડ ટેઇક યોર લીવ. અરજન્ટ હોય તો હું કોલાબાની એજ હૉટેલમાં ઉતર્યો છું. તારી પાસે નંબર છે’ એણે અશોકને કહ્યું.
‘અશોકે હા પાડી.’ ડિટેક્ટીવે વિદાય લીધી. ડિટેક્ટીવના ગયા પછી થોડીવારે રવિકાન્ત પણ ગયો. જતાજતા એ હરિને ભેટ્યો: તું મારો પાર્ટનર હતો અને છો. મારી પાસે બધો હિસાબ છે. અને બાબાશેઠને એની ખબર છે.’ હરિ અંદર ગયો. હેમંતે વલ્લભને સાઇડમાં બોલાવીને કહ્યું: ‘હરિ ભલે એની રૂમમાં રહે. તમે છો એટલે ચિંતા નથી.’
હર્ષાએ અંજલિને રોકાઇ જવા કહ્યું. ‘તું રહી જા. હર્ષાને પણ સારું રહેશે.’ હેમંત કહીને નીકળી ગયો. બધા ચૂપ છે. દરેકના ચહેરા પર કોઇ ચિંતાના વાદળો છવાયેલાં છે. કદાચ બીજા દિવસની ટેસ્ટનો વિચાર સતાવતો હોય. એના રિર્પોર્ટસની ચિંતા હોય. હરિ આજે રાતે કોઇ પગલું તો નહીં ભરેને એની ચિંતા પણ હોઈ શકે. હરિ અંદર ગયો ત્યારે એનો ચહેરો પથ્થર જેવો લાગતો હતો. આંખો નિસ્તેજ હતી. મંગુબાએ સંધ્યાટાણે દિવાબત્તી કર્યા. સૌ સુવા ગયાં. દરેકના રૂમની લાઇટો બંધ થઈ. ચિંતા ક્યારેક માણસની ઉંઘ ઉડાડી દેતી હોય છે તો ક્યારેક બહું ચિંતાથી થાકેલું મગજ જલદી ઉંઘાડી દે છે.
અચાનક બંદુકની ગોળીના અવાજે બધાને સફાળા બેઠાં કરી દીધા. બધી રૂમોની લાઇટો થઇ. સૌથી પહેલો વલ્લભ બહાર આવ્યો. બાબાશેઠ, મંગુબા, અશોક, હર્ષા, અંજલિ, શકુંતલા, રામજી ડ્રોઇંગરૂમમાં ધસી આવ્યાં. સોફાની બાજુમાં પડેલી હરિની લાશ જોઇને સૌ સ્તબ્ધ થઇ ગયાં. હરિના જમણા લમણામાંથી લોહી વહી રહ્યું હતું. અચાનક કોઇને યાદ આવ્યું ‘રાહુલ ક્યાં છે.?’ ત્યાં જ રાહુલ હરિના રૂમમાંથી બહાર આવીને ઊભો રહ્યો. એના હાથમાં રિવોલ્વર જોઇને હર્ષાની ચીસ નીકળી ગઇ. વલ્લભ રાહુલ પાસે ગયો. રૂમાલ કાઢીને હળવેકથી એના હાથમાંથી રિવોલ્વર લઇને લૂછી નાખી. લૂછતી વખતે રિવોલ્વર પોતાની જ છે એની ખાતરી કરી લીધી. ઓશિકા નીચેથી રાહુલ ક્યારે રિવોલ્વર લઇ ગયો ખયાલ જ ન રહ્યો. હરિની લાશ પાસે જઇને એના હાથમાં રિવોલ્વર પકડાવીને પહેલી આંગળી ટ્રિગર પર મૂકી દીધી. દરમિયાન હર્ષા રાહુલને લઇને અંદર ગઇ. હર્ષાને રાહુલનો અવાજ સંભળાતો લાગ્યો: ‘તું ગંદો છે. મારી મમ્મીને હેરાન કરે છે. આઇ હેઇટ યુ…હેઇટ યુ..’ વલ્લભના કહેવાથી અશોકે ઇન્સ્પેક્ટરને ફોન કર્યો. થોડીવારમાં બહાર સાયરન સંભળાયું. હર્ષાએ રાહુલને છાતી સરસો ચાંપી લીધો. અંજલિ એમની બાજુમાં બેસી રહી. ઇન્સ્પેક્ટર શિંદેએ ક્રાઇમ સીનને બારીકીથી જોયો.
‘સા’બ આપને બતાયા થા…યહ આદમી અસલી હૈ યા નકલી બરાબર ખાતરી કર લેના….કલ ઉસકા ડીએનએ ટેસ્ટ કરને કા થા…સૂન કે ઉસને સુસાઇડ કર લિયા.’ વલ્લભે એકદમ આત્મવિશ્ર્વાસ સાથે કહ્યું. વલ્લભના છેલ્લા વાક્ય પર જ ડિટેક્ટીવ માઇકલ દાખલ થયો. અશોકે એમને પણ ફોન કરી દીધો હતો.
‘આઇએ આપકી ઝરૂરત હૈ….આપકો ક્યા લગતા હૈ. હરિ અસલી થા યા નકલી.?’ ડિટેક્ટીવ ચૂપ રહ્યો. ઇન્સ્પેક્ટરના સવાલનો જવાબ ઘરમાં બધા જ સભ્યો શોધી રહ્યા હતા ‘હરિ અસલી હતો કે નકલી.?’
———
ઇન્ટરનેશનલ સ્પાય થ્રીલર
તૈયાર થઇ જાઓ રહસ્ય, રોમાંચ અને આંચકા અનુભવવા.

આવતા રવિવારથી ક્રાઇમ સીન ઇન્ટરનેશનલ ફલક પર એક નવી દિલધડક નવલકથા સાથે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.