ત્રિકાળ-૫૦

ઉત્સવ

‘હરિએ તમને લોકોને વિશ્ર્વાસમાં લેવા કે તમારો વિશ્ર્વાસ જીતવા માટે શું કર્યું? કોઈ કહી શકશે?’ ડિટેક્ટિવના આ પ્રશ્ર્નએ બધાને મૂંઝવી નાખ્યા

અનિલ રાવલ

‘હરિ રૂમમાં નથી’ મંગુબાનો અવાજ સાંભળીને સૌથી પહેલાં ડિટેક્ટિવ માઇકલ રૂમમાં ગયો એની પાછળ વલ્લભ અને અશોક ગયા. ત્યારબાદ હેમંત, અંજલિ, રામજી, હર્ષા, બાબાશેઠ અંદર ગયાં. એક મંગુબા જબહાર બેસી રહ્યાં. ડિટેક્ટિવે રૂમમાં નજર ફેરવી. બાથરૂમમાં ગયો. બાથરૂમની બારીના નીચે મૂકી દેવાયેલા કાચ જોયા. ઊભા કમોડ પર ચડીને એણે બહાર નજર કરી. પહેલાં ડાબી બાજુ અને પછી જમણી તરફ. જમણી બાજુ નીચે સુધી જતી સિમેન્ટની પાઇપ જોઇ….છેક નીચે સુધી નજર કરી. બહાર આવીને કહ્યું. ‘હરિ અહીંથી ફરાર થઇ ગયો છે.’ જોકે બારીના નીચે પડેલા કાચની થપ્પી જોઇને બધાને અંદાજ તો આવી જ ગયો હતો. બધા ધીમે ધીમે બહાર આવ્યા. ડિટેક્ટિવે બહાર આવતા પહેલાં રૂમમાં બધું ચેક કર્યું. કબાટ ખોલ્યો. પલંગની ચાદર કાઢીને જોયું. ઓશીકા ઊથલાવ્યાં. બધું જેમનું તેમ પડ્યું હતું. કાંઇજ ગયું ન હતું. પણ બધા પોતપોતાની રીતે વિચારતા હતા.
‘એના મનમાં ચોર હતો એટલે જ ભાગી ગયો.’ હર્ષા બોલી.
‘કોઇ બહુ મોટા ચક્કરમાં આવ્યો હતો.’ વલ્લભે કહ્યું.
‘એને નાસી જવું હોત તો રાતે ચૂપચાપ નીકળી ગયો હોત…અથવા દિવસમાં બહાર જવાને બહાને ક્યાંક ચાલ્યો ગયો હોત…પણ બારીના કાચ કાઢીને, પાઈપ પરથી ઊતરીને આ રીતે ભાગ્યો એટલે શંકા વધુ મજબૂત થાય છે.’ હેમંતે કહ્યું.
અંજલિને ઇન્સ્પેક્ટરે કહેલી ઇન્દોરના હમશકલની વાત યાદ આવી ગઇ. એણે હર્ષા પાસે જઇને કહ્યું: ‘પહેલી રાતે જ તું બહાર આવી ગઇ. ભગવાને બચાવી લીધી.’ આ બધામાં હેમંત, અશોક અને ડિટેક્ટિવના મનમાં હવે શુંનો વિચાર ઘૂમરાતો હતો.
‘એણે ટ્રીટમૅન્ટ કરાવવાની ના પાડી દીધી. ટ્રીટમૅન્ટમાં સાચે જ ગાંડો છે કે ઢોંગ કરે છે એ પકડાઇ જાય. ઇન્સ્પેક્ટરને જાણ તો કરવી પડે.’ અશોકે કહ્યું.
‘શેના માટે.? આપણે બચી ગયા એટલે બસ. હવે પોલીસની ઝંઝટમાં પડવાની કોઇ જરૂર નથી.’ વલ્લભે કહ્યું.
‘આપણા પરનો મોટો ખતરો ટળ્યો. ભગવાનનો ઉપકાર માનો.’ શ્રીજી પર શ્રદ્ધા રાખનારાં મંગુબા પણ બોલ્યાં.
‘પણ એને પોલીસ પાસે પકડાવીને એનો ઇરાદો શું હતો એ તો જાણવું પડે.’ અંજલિનો પત્રકારજીવ બોલ્યો.
‘એ હમશકલ મારી હડફેટે ચડ્યો તો હું એને છોડવાની નથી. પોલીસને કહીને એને પકડાવી દો.’ બોલતી શકુંતલા બહાર આવી. એને બહાર આવતા જોઇને રામજી રાહુલને સાચવવા અંદર ગયો.
‘જેમને અનુભવ છે એ ડિટેક્ટિવ માઇકલને આપણે પૂછવું જોઇએ. આ કેસમાં હવે શું કરવું જોઇએ.? તમે શું સજેસ્ટ કરો છો.?’ હેમંતે પૂછ્યું.
‘તમે કોઇપણ પગલાં નહીં લો. મારી સલાહ છે. વેઇટ એન્ડ વોચ.’ ડિટેક્ટિવે કહ્યું.
‘રાહ શાના માટે જોવાની ડિટેક્ટિવ.? એક માણસ ઘરમાં ઘૂસી આવ્યો. જેનું વર્તન બેહૂદું હતું. જે ગાંડાઘેલાં કાઢતો હતો. જે કદાચ હરિનો હમશકલ પણ હતો એને શા માટે આમ જવા દેવો.?’ અંજલિએ દલીલ શરૂ કરી.
‘તમે મારી સલાહ ધ્યાનથી સાંભળી નહીં, મેડમ. મારો કહેવાનો મતલબ છે કે તમે કોઇપણ જાતનું પગલું ભરતાં નહીં. ન પોલીસમાં જાઓ, ન એને શોધીને ફટકારો. હું છુંને. આ બધું તમે મારી પર છોડી દો.’ ડિટેક્ટિવે કહ્યું.
‘અને તમે એક્ઝેટલી શું કરશો.?’ હેમંતે પૂછ્યું.
‘હું હિમાચલ પ્રદેશના આશ્રમમાંથી હરિની બીજી કેટલીક વિગતો મેળવીશ. આશ્રમમાંથી એ ક્યારે ભાગ્યો.? શા માટે ભાગ્યો.? એની વેયઝ…આવી બધી બાબતો મારે અત્યારે શૅર કરવી નથી…પણ એટલું યાદ રાખો કે આ બધું કરવા પાછળનો મારો આશય એ ખરેખર હરિ છે કે એનો હમશકલ છે એ જાણવાનો છે.’
‘મને એ ડર છે કે એ મારો પુત્ર હરિ છે એવું કહીને કોઇની પાસેથી રૂપિયા લાવે કે મોટી છેતરપિંડી કરે તો મારી વરસોની આબરૂ પર પાણી ફરી વળે.’ બાબાશેઠે પોતાને મુંઝવતી વાત કહી.
‘એને એવું કરવું હોત તો અત્યાર સુધીમાં કરી નાખ્યું હોત.’ ડિટેક્ટિવે બાબાશેઠની શંકાને ઉડાવી દેવાના પ્રયાસમાં કહ્યું.
‘કદાચ પહેલાં બધાને વિશ્ર્વાસમાં લેવા માગતો હોય’ બાબાશેઠે તર્ક આગળ ચલાવ્યો.
‘એવું પણ તો બની શકે ને કે એ તમને બધાને વિશ્ર્વાસમાં લેવા માગતો હોય કે એ પોતે ખરેખર હરિ જ છે, પણ યાદદાસ્ત વચ્ચે નડતરરૂપ હોય.’ ડિટેક્ટિવે અલગ મુદ્દો આપ્યો.
‘યુ મીન, તમને લાગે છે કે એ હરિ જ છે.?’ અંજલિએ પૂછ્યું.
‘હા, બેનિફિટ ઓફ ડાઉટ.’ ડિટેક્ટિવે કહ્યું.
‘એક્ચ્યુઅલી થોડા દિવસમાં એની ડીએનએ ટેસ્ટ કરાવવાની હતી. બધી તૈયારી થઇ ચૂકી હતી, પણ એનો અસલી ચહેરો સામે આવી જાય તે પહેલાં જ એ પલાયન થઇ ગયો.’ હર્ષા બોલી.
‘તમે હરિને ડીએનએ ટેસ્ટની કરાવવાની વાત કરી હતી.?’ ડિટેક્ટિવે પૂછ્યું.
‘ના, પણ મનોચિકિત્સક અને ન્યુરોસર્જન પાસે ટ્રીટમૅન્ટ કરાવવાનું કહ્યું હતું.’ અશોકે કહ્યું.
‘તો એનો રિસ્પૉન્સ કેવો હતો.’
‘એણે ચોખ્ખી ના પાડી. પેટમાં પાપ હશે તો જ ના પાડેને.?’ હર્ષાએ કહ્યું.
‘ઇન્સ્પેક્ટરને જોઇને એના હાવભાવ કેવા થઇ ગયા હતા.?’ ડિટેક્ટિવે પૂછ્યું.
‘એના ચહેરા પર કોઇ ભાવ ન હતા.’ અશોકે કહ્યું.
‘હરિએ તમને લોકોને વિશ્ર્વાસમાં લેવા કે તમારો વિશ્ર્વાસ જીતવા માટે શું કર્યું.? કોઇ કહી શકશે.?’ ડિટેક્ટિવના આ પ્રશ્ર્નએ બધાને મુંઝવી નાખ્યા. બધાને એકબીજાની સામે જોતા કરી દીધા. હરિએ અંગત રીતે કોઇને વિશ્ર્વાસમાં લેવાના પ્રયાસ કર્યા નથી. એ નથી મંગુબા સાથે શાંતિથી બેઠો કે નથી બાબાશેઠ સાથે દીકરા તરીકે કોઇ વાત કરી. જે સૌથી વહાલો છે એ અશોક સાથે પણ એક દોસ્ત તરીકે ક્યાં વાતચીત કરી છે. વલ્લભ સાથે રાતે દિલ ખોલીને કહ્યું કે મને ગોળી મારી દો… એટલે વાત પૂરી થાય.’ પહેલી રાતે હર્ષા સાથેના એના વર્તનથી બધા સાવચેત થઇ ગયા હતા, પોતાને પુછાયેલા સવાલોના સાચા જવાબો આપ્યા છે. એણે આવું પુરવાર કરવાની જરૂર ત્યારે પડી જ્યારે એની પર શંકા કરવામાં આવી.
‘મને લાગે છે કે એ ખોટો માણસ હોય અને કોઇપણ કારણસર આ ઘરમાં રહેવું હોય તો ટ્રીટમૅન્ટ કરાવવાથી ભાગે નહીં. હા, ડીએનએ ટેસ્ટની ખબર પડી ગઇ હોય તો ભાગી જવાના ચાન્સ ખરા. આપણા બેડ લક કે ડીએનએ ટેસ્ટ પહેલાં જ એ રફુચક્કર થઇ ગયો. હું એ જ શોધી કાઢવા માગું છું. હરિ સાચો હોય કે ખોટો, આ રીતે ફરાર થવાનું કારણ શું.?’
દરવાજે એકધારી બેત્રણ બેલ વાગી. કોઇએ ક્યારેય આમ ઉપરાઉપરી બેલ વગાડી નથી. સૌના જીવ અધ્ધર થઇ ગયા. રામજી અંદરથી દોડી આવ્યો. એણે દોડતા જઇને દરવાજો ખોલ્યો. સામે રવિકાન્ત હરિનું બાવડું ઝાલીને ઊભો હતો. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.