અનિલ રાવલ

ઇન્સ્પેક્ટર શિંદેએ બધાના હોશકોશ ઉડાવી નાખ્યા. ઇન્દોરમાં ગુમ થયેલા કોઇ માણસનો હમસકલ ઘરમાં ઘુસ્યો. પછી શું કર્યું હશે? એણે. હત્યા?, લૂટ?, બળાત્કાર? સૌ પોતપોતાની રીતે અંદાજ લગાવીને ફફડવા માંડ્યા. એકમાત્ર હરિ ઇન્સ્પેક્ટરને અજીબ રીતે જોઇ રહ્યો હતો. એના જોવામાં પોતે પકડાઇ જવાના કોઇ ભાવ ન હતા કે કોઇ માસૂમિયત પણ ન હતી. એનું આમ શૂન્યમનસ્ક બનીને જોયા કરવું પણ ઇન્સ્પક્ટરે જોઇ લીધું. શક્ય છે કે ઇન્સ્પેક્ટર શિંદે બાબાશેઠના ઘરનું હિત ઇચ્છીને સાવચેત કરવા આવ્યો હોય. પણ એણે તો સીધું સૂના હૈ, હરિ વાપિસ આયા હૈ એવું પૂછ્યુ. એની પાસે હરિના પાછા આવવાની ચોક્કસ માહિતી છે. શક્ય છે કે ઇન્સ્પેક્ટરે હરિને પગથી માથા સુધી જોઇને ચેતવ્યા હોય.
‘ચલતા હું. લેકિન યે આદમી અસલી હૈ યા નકલી બરાબર ખાતરી કર લેના.’ ઇન્સ્પેક્ટરના ગયા પછી બધી આંખો હરિ પર મંડાઇ. ફરી એકવાર હરિ પર મંડરાયેલા શંકાના વાદળો કાળા ડિબાંગ બની ગયા. હરિ ઉઠીને એના રૂમમાં ગયો.
‘ઇન્સ્પેકટરને કોણે માહિતી આપી એમાં પડવું નથી. ડીએનએ રિપોર્ટ બધું ક્લીઅર કરી આપશે,’ અંજલિએ દરેકના મનમાં ઉઠેલા ભયને ઉડાવવાની કોશિશ કરી.
‘એ તો ઠીક છે, પણ હરિનું અહીં રહેવું મને જોખમી લાગે છે.’ અશોકે કહ્યું.
‘એની ફિકર કરવાની જરૂર નથી. હું એના પર નજર રાખીશ. રાતે તમે બધા પોતપોતાના રૂમમાં દરવાજા અંદરથી બંધ કરીને સૂઇ જજો.’ વલ્લભે કહ્યું.
‘હું હર્ષાના રૂમમાં સૂઇશ. હું, હર્ષા અને રાહુલ.’ શકુંતલા બોલી.
બાપુજી, બધું જોખમ….રોકડ..દાગીનો તમારા રૂમમાં છે. રામજીને તમારા રૂમમાં સુવડાવીએ તો.?’ હર્ષાએ કહ્યું.
‘તમે નકામી ચિંતા કરો છો. આપણા બધા જોખમની ઉપર ઠાકોરજીની છબિ પણ છે એ કેમ ભૂલી જાઓ છો. અને મારું મન કહે છે એ આપણો હરિ જ છે.’
‘બા, હું રાહુલને અમદાવાદ મારા મમ્મી-પપ્પા પાસે મોકલી દઉં.? વાતાવરણમાં મને લાગે છે, એનું અહીં રહેવું ઠીક નથી.’ હર્ષાએ પ્રસ્તાવ મૂક્યો.
‘તું નાહકની ચિંતા કરે છે. બઘું બરાબર થઇ જશે.’ મંગુબા બોલ્યા એની સાથે અશોકે પણ કહ્યું કે ના, બિલકુલ નહીં. એને ક્યાંય મોકલવો નથી. થોડા દિવસનો
સવાલ છે.’
‘પણ તમે લોકોએ એની હરિ પ્રત્યેની નફરત જોઇને.? એને ખરાબ શબ્દોમાં કાંઇપણ કહી દે છે. એના મગજ પર ખોટી અસર પડી રહી છે.’
‘તારા વિના બિલકુલ રહેતો નથી એનું શું.? અત્યારે રામજી એને ગાર્ડનમાં લઇ ગયો છે એટલે બાકી તારા વિના એક મિનિટ રહેતો નથી તમે કેમ કાંઇ કહેતા નથી?’ મંગુબાએ બાબાશેઠની સામે જોતાં કહ્યું.
‘ના, એને અહીં જ રહેવા દો.’ બાબાશેઠનો આ છેલ્લો શબ્દ સાંભળીને કોઇએ કાંઇ બોલવાની હિંમત ન કરી. ડોરબેલ વાગી.
‘રાહુલ અને રામજી હશે..’ બોલતી શકુંતલા દરવાજો ખોલવા ગઇ. રાહુલ અંદર આવ્યો. એનું મોઢું ચડેલું જોઇને હર્ષા બોલી: ‘શું થયું.?’ રાહુલે જવાબ ન આપ્યો એટલે રામજીને પૂછ્યું.
‘કહું પછી.’ રામજી મૂંઝવણમાં લાગ્યો. એણ શકુંતલાને ઇશારો કરીને રાહુલને અંદર લઇ જવા કહ્યું.
‘ચાલ, હું તને પાણી આપું અને પછી તારી ફેવરીટ ચોકલેટ.’ શકુંતલા એને લઇને અદર ગઇ.
‘શું થયું રામજી.? જલદી બોલ.’ હર્ષાથી રહેવાયું નહીં.
‘પહેલાં હું એને ગાર્ડનમાં લઇ ગયો. ત્યાં એક માણસે એને બોલાવ્યો તો રાહુલે એને કહી દીધું..’તું ગંદો માણસ છો. દૂર જતો રહે.’ પેલો માણસ બિચારો ઝંખવાણો પડી ગયો. ‘મેં પેલા ભાઇને સોરી’ કીધું ને હું રાહુલને ચોપાટી પર લઇ ગયો. ત્યાં એક છોકરાને કહે તું મારી સાથે જ રમ. પેલો છોકરો એની માની સાથે રમતો હતો. એણે ના પાડી તો એની સાથે ઝઘડ્યો. તું પણ ગંદો છો. ગેટ આઉટ.’
‘બાપુજી, હું કહેતી હતી ને કે રાહુલના માનસ પર ખોટી અસર પડશે…અસર પડી ગઇ…હવે શું કરશું?. હજી મોડું નથી થયું એને અમદાવાદ મોકલી દઇએ.’ હર્ષા રડવા લાગી.
‘હર્ષા, તું સો ટકા સાચી છો. પણ સમજ કે ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે હરિ જ રાહુલનો પિતા છે, બાબાશેઠનો પુત્ર છે. પછી હરિ લીગલી આ જ ઘરમાં રહેશે. તો શું તું કરીશ.? જરૂર છે રાહુલના બાળમાનસને તૈયાર કરવાની. એને ધીમે ધીમે હરિની, એના પિતાની નિકટ લાવવાની. કુમળા માનસ પર એક ચોક્કસ વાત ઠસી ગઇ છે…એને તાત્કાલિક દૂર કરવાની.’ હેમંતે બાળ મનોચિકિત્સકની જેમ કહ્યું. જેનો સમજીને સ્વીકાર કરવા સિવાય કોઇ પાસે ઉપાય નહતો.
‘અને હવે કદાચ બહુ દિવસો નથી ડીએનએ ટેસ્ટને આડે….થોડું સંભાળી લઇએ અને હેમંતે કહ્યું એ દિશામાં રાહુલને વાળવાની કોશિશ શરૂ કરી દઇએ.’ અંજલિએ હર્ષાને ધીરજ બંધાવી. ફરી ડોરબેલ વાગી. રામજી દોડતો ગયો અને દોડતો આવ્યો.
ડિટેક્ટીવ માઇકલ આવ્યા છે. રામજી બોલીને દૂર ખસી ગયો.
‘હેલ્લો એવરીબડી.’ ડિટેક્ટીવ હેટ ઉતારતા બોલ્યો.
‘આને પણ ખબર પડી ગઇ કે હરિ પાછો આવ્યો છે.?’ સૌના મોંમા આ વાક્ય રહી ગયું.
‘આમ તો મારા બધા જ કેસ ઇન્ટરેસ્ટીંગ હોય છે, પણ હરિનો કેસ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટીંગ. અને એટલે જ મેં આ કેસનો પીછો છોડ્યો નથી….આજ દિવસ સુધી. એક કેસના સિલસિલામાં મારે હિમાચલ પ્રદેશના લાંઝા ગામે જવાનું થયું. ત્યાં એક આશ્રમ છે જેમાં કોઇ હરિ નામનો માણસ રહેતો હતો જે અચાનક રાતોરાત ગાયબ થઇ ગયો. એ માણસ ક્યારેક પોતાને હરિ કહેતો ક્યારેક હેરી કહેતો, ક્યારેક હરિસિંહ કહેતો. હરિ સાંભળીને મારા દિમાગમાં ઝબકારો થયો. મેં આશ્રમના સંચાલકને હરિનો ફોટો બતાવ્યો. મારા અને હવે તમારા બધાના આશ્ર્ચર્યની વચ્ચે કહું તો એ જ હરિ નીકળ્યો. દરમિયાન મારી બુઢ્ઢી માનું અવસાન થયું એટલે હું પાછો ગોવા ગયો. મુંબઈમાં મારો એક નંબર ખબરી હવાલદાર ગણપતરાવ છે. મુંબઈ આવીને મેં એને ફોન કરીને પૂછ્યું કે હરિ વિશેના કોઇ સમાચાર તારી કે ઇન્સ્પેક્ટર શિંદે પાસે છે…એણે મને ચોંકાવી દીધો એમ કહીને કે ઇન્સ્પેક્ટર શિંદેને ખબર છે અને તે બાબાશેઠના ઘરે ગયા છે.’
‘ઇન્સ્પેક્ટરને કોણે કહ્યું?’ અશોકને સહેજ સવાલ થયો.
‘હરિ અગરવાલની ઓફિસે ગયો હતો. અને અગરવાલે ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી.’
‘હવે તાળો મળી ગયો. આનો તો મેં વિચાર જ ન કર્યો.’ વલ્લભે હાશકારો લીધો.
‘ડિટેક્ટીવ, શું તમને લાગે છે કે આ આપણો હરિ જ છે.? કારણ અમે એને જે સવાલ કર્યા એના સચોટ જવાબ આપ્યા છે. પણ એનું વર્તન ગાંડા જેવું છે અને વચ્ચેવચ્ચે કોઇ વસ્તુ ભૂલી જતો હોય એવું લાગે છે.’ બાબાશેઠે કહ્યું.
‘હકીકતમાં હું એને મળવા માગું છું. થોડા સવાલોથી કદાચ કોઇ નક્કર માહિતી કે સચ્ચાઇ બહાર આવી જાય.’
‘હમણાં જ અંદર ગયો. હું બોલાવી લાવું.’ મંગુબા જે ઝડપે અંદર ગયાં એનાથી બમણી ઝડપે બહાર આવ્યાં.
હરિ રૂમમાં નથી.’ બેબાકળા મંગુબા આટલું બોલીને ત્યાં જ બેસી ગયાં.

Google search engine