ત્રિકાળ-૪૮

ઉત્સવ

‘હરિભાઇ કા સિર્ફ ફોટો દેખા થા… અબ રિયાલિટી મેં અસલી હૈ યા નકલી દેખના હૈ,’ ઇન્સ્પેક્ટર બોલ્યો

અનિલ રાવલ

હરિ પાછો આવ્યો ત્યારથી તેના સ્વીકાર અને અસ્વીકારને મુદ્દે ઘરના ડહોળાઇ ગયેલા વાતાવરણથી તંગ આવી ગયેલા બાબાશેઠે ઘણા વખતે મોઢું ખોલ્યું. બધા હરિને લઇને જે ચર્ચા કરતા એ સમયે બાબાશેઠ મૌન ધારણ કરી લેતા. હરિની બાબતે લાગણી કે વ્યવહારું અભિગમ અપનાવવો એની ગડમથલમાં રહેતા. જીવનમાં ઘણી થપાટો ખાઇને પણ ઊભા થયેલા બાબાશેઠને માટે હરિનું જવું અને પાછા આવવું એકસરખું પીડાદાયક રહ્યું છે અને એક બાપની પીડામાંથી અવાજ નથી આવતો. અંદર ઘૂંટાઇ રહેલા દર્દને ચૂપચાપ સહી લેવા સિવાય એની પાસે બીજો કોઇ ઉપાય હોતો નથી. એ પોતાના દુ:ખને વાગોળી નથી શકતો કે કોઇની પાસે હૈયું હળવું નથી કરી શકતો. એમ કરવામાં ઘરનાઓનું દિલ દુભાય. બાપ સામેવાળાની તકલીફનો વઘુ ખયાલ રાખે છે. પણ આજે એણે વિચાર્યું કે હરિ વિના સાત વર્ષ દિલ પર પથ્થર મૂકીને કાઢી નાખ્યા. હવે દિલ પથ્થરના બોજથી ટેવાઇ ગયું છે. આમેય માળો વિખેરાઇ જ ગયો છે તો એને વઘુ છિન્નભિન્ન થવા નથી દેવો. હર્ષા જશે તો રાહુલ પણ એની સાથે જશે. બીજા બે જણને ગુમાવવા નથી. કદાચ આવા જ વિચારે બાબાશેઠે કહી દીધું કે ઘરમાંથી જશે તો હરિ જશે અને એકવાર બાબાશેઠ બોલે પછી ઘરમાં કોઇ એનો સામે જવાબ આપવાની હિંમત ન કરે. મંગુબાપણ નહીં. એમને કાંઇ કહેવું હોય તો બાબાશેઠ એકલા હોય ત્યારે કહે અને બાજી સંભાળી., પણ આજે તો મંગુબા પણ ચૂપ રહ્યાં. એણે વલ્લભની સામે જોયું. વલ્લભથી ન રહેવાયું.
‘બાપુજી, કોઇએ ઘરમાંથી જવાની જરૂર નહીં પડે. અંજલિ આપણે ન્યુરો સર્જન અને સાઇકોલોજિસ્ટને બતાવવાની તૈયારી કરીએ.’
‘મારે કોઇને બતાવવું નથી. હું ક્યાંય આવવાનો નથી.’ હરિ ઊભો થઇ ગયો.
‘ઓકે હરિભાઇ, તમારે ક્યાંય આવવાની જરૂર નહીં પડે એ લોકો અહીં આવશે.’
‘જો તમે લોકો મને ફોર્સ કરશો તો પરિણામ સારું નહીં આવે કહી દઉં છું.’ હરિએ કહ્યું અને બધા ડરી ગયા કે હરિ કોઇ અંતિમ પગલું ભરી લેશે તો મુશ્કેલી ઊભી થશે.
‘ના, ના, તને કોઇ જાતનું દબાણ નથી. તારે ટ્રિટમેન્ટ ન કરાવવી હોય તો ભલે.’ મંગુબાથી બોલ્યા વિના ન રહેવાયું. માનું દિલ છેને. હરિ એના રૂમમાં જવા લાગ્યો. મંગુબા એની પાછળ જવા ઊભા થયા. હરિએ અંદર જતા પહેલા હર્ષા પર તીરછી નજર ફેંકી. હરિ અને મંગુબા ગયાં પછી બાબાશેઠ પણ અંદર જતા રહ્યા. અંજલિએ કહ્યું: ‘આ રીતે એણે હર્ષાની સામે જોયું તે સમજાયું નહીં. વિચિત્ર હતું એનું જોવું.’
‘એ જ તો કહું છું કે હરિ આવો નહતો. પણ મારી વાત તમે નથી માનતા.’ હર્ષાએ અકળાઇને કહ્યું.
‘એટલે જ મને ટ્રિટમેન્ટની જરૂર લાગે છે.’ વલ્લભ બોલ્યો.
‘કોની ટ્રિટમેન્ટ કરાવવી છે?’ બોલતો હેમંત દાખલ થયો. અંજલિ જવાબ આપવામાંથી બચી ગઇ.
‘હરિને ન્યુરો સર્જન અને સાઇકોલોજિસ્ટને બતાવવાનું નક્કી કરીએ છીએ. પણ હરિ તૈયાર નથી.’ વલ્લભે કહ્યું.
હરિ તૈયાર ન હોવા પાછળનું એક કારણ પોતે ખોટો હોય અને કોઇ ઇરાદે ઘરમાં ઘૂસ્યો હોય અને બીજું એને ખરેખર સારવારમાં રસ ન હોય. કેમકે ઘણા લોકોને ડૉક્ટર પાસે જવું ગમતું નથી હોતું.
‘હર્ષા, હરિને અગાઉ ડૉક્ટરની સારવાર સામે પ્રોબ્લેમ હતો.?’ હેમંતે કહ્યું.
‘ના, ઉલ્ટુ ઘરમાં કોઇને જરા સરખી ય જો તકલીફ હોય તો ડૉક્ટર પાસે પોતે લઇ જતો.’ હર્ષાએ કહ્યું. અશોકે પણ આ સહમતી બતાવતા કહ્યું કે હરિ ડૉક્ટર પાસે લઇ જતો અને ઘરે આવીને સારવાર પણ કરતો.’
હર્ષા અને અશોક સાચા હોય તો શું કોઈ હરિનો હમસકલ માણસ બદઇરાદે ઘરમાં આવ્યો છે. આ માણસે હજી સુધી ચોરી નથી કરી, લૂંટ ચલાવી નથી. કોઇની હત્યા કરી નથી. એ પણ હકીકત છે. કદાચ એ બધાનો વિશ્ર્વાસ જીતવા માગતો હોય. બીજો એક પાયાનો સવાલ એ છે કે એ બધા વિશે બધું જાણે છે કંઇ રીતે. હરીફરીને સોઇ હરિના ખરાપણા પર જઇને અટકે છે.
‘સો વાતની એક વાત. તબીબી સારવાર લઇ જોઇએ. અંજલિ મને લાગે છે કે તેં લાસ્ટ ટાઇમ કોઇ ડોક્ટર માટે ફોન કર્યો હતો.’ વલ્લભ બોલ્યો.
‘ફોન કર્યો હતો પણ મનોચિકિત્સક માટે નહીં. પણ હરિભાઈના ડીએનએ ટેસ્ટ માટે. કોઇ ચોક્કસ કારણસર આ ટેસ્ટ કરાવી શકાય છે. આ ટેસ્ટ સાબિત કરી આપશે કે હરિભાઇ બાબાશેઠના પુત્ર અને રાહુલના પિતા છે કે નહીં. હું આની કોશિષમાં જ છું. આ ટેસ્ટથી આપણા મનની તમામ શંકાઓનો નિવેડો આવી જશે. હેમંત મદદ કરી રહ્યો છે. કદાચ કોઇ કાનૂની અડચણ આવે તો હેંમત સંભાળી શકે….પછી ટેસ્ટ કરાવવી સરળ પડશે.’ હર્ષાએ અંજલિનો હાથ પકડી લીધો. એ કાંઇ બોલી નહીં પણ એની આંખમાં અંજલિ પ્રત્યે ઊભરાયો. કૃતધ્નતા છલકી આવી. આ ઘરને ફરી સમુ કરવા, ઠીકઠાક કરવા કે ફરી ધબકતું કરવા અંજલિ કેટલું બધું કરી રહી છે. એના પ્રયાસથી કદાચ રાહુલને પિતા મળી જશે અને પોતાના સેંથામાં અકારણ-સકારણ પુરાતા સિંદૂરની લાલાશ ઘેરી બનશે. બધા અંજલિની આસપાસ કુંડાળુ વળીને ઊભા રહી ગયાં.
‘હું તમને યોગ્ય સમયે કહેવાની હતી પણ વલ્લભભાઇનો ફોન આવ્યો એટલે મને અને હેમંતને થયું કે હવે સસ્પેન્સ રાખ્યા વિના આ ટેસ્ટ વિશે જણાવી દઇએ. કોર્ટમાં પણ આ ટેસ્ટના રિપોર્ટને કોઇ પડકારી નહીં શકે. બધાને જ એ સ્વીકાર્ય અને બંધનકર્તા રહેશે. હરિભાઇ સાચા છે કે ખોટા એ પુરવાર કરવાનો આ એકમાત્ર રસ્તો છે.’ અંજલિ અખબારી અહેવાલ વાંચતી હોય એમ બોલી ગઇ.
‘ટેસ્ટ પૉઝિટિવ આવે કે એ હરિ જ છે… પણ એના આવા વિચિત્ર સ્વભાવનું શું..? આ વર્તન, આ ગાંડપણનું શું.?’ હર્ષાએ પૂછ્યું. આપણે સૌથી પહેલાં તો હરિભાઈ કોઇ બહુરૂપિયો નથીને એ જાણવું છે.
‘એ સાબિત થઇ જાય પછી મનોચિકિત્સકને બતાવીએ..’ અંજલિએ હર્ષાની શંકાનો છેદ ઉડાડ્યો.
‘અને એ હરિભાઇ નથી એવું પુરવાર થયું તો.?’ અશોકે બીજી શંકા વ્યક્ત કરી.
‘પોલીસને સુપરત કરી દેવાનો.?’ વલ્લભે કહ્યું.
‘એની પર સંખ્યાબંધ કલમો લાગુ પડશે અને કાનૂની કારવાઈ થશે.’ હેમંતે અંતિમ કિસ્સામાં શું થઇ શકે એની શક્યતા બતાવી દીધી.
પણ હરિને આ ટેસ્ટ અંગે ભણક પણ ન આવવી જોઇએ નહીંતર ગરબડ થઇ જશે. અશોકે કહ્યું.
ડોરબેલ વાગી. દરવાજે ઊભેલા ઇન્સ્પેક્ટર શિંદેને જોઇને બધા આંચકો ખાઇ ગયા. આ માણસ અહીં ક્યાંથી?.અને એ પણ આટલા વરસે.? સૌની આંખોમાં આ એક જ સવાલ હતો પણ ઇન્સ્પેક્ટરની આંખો કોઇને શોધી રહી હતી.
‘સૂના હૈ… હરિભાઈ વાપિસ આ ગયે હૈ.?’
‘આને કોણે કહ્યું હરિ વિશે.?’ પ્રશ્ર્ન બધાને થયો પણ પૂછ્યું માત્ર અંજલિએ.
‘આપકો કિસને બતાયા.?’
‘પુલીસ ઔર કુત્તે-દોનોં કો સુંઘતે રહેના ચાહિયે, મેડમ. હરિભાઇ કા સિર્ફ ફોટો દેખા થા….અબ રિયાલિટી મે અસલી હૈ યા નકલી દેખના હૈ.’
હેમંત સમજી ગયો કે ઇન્સ્પેક્ટર ઘણુંબધું જાણીને આવ્યો છે. પોલીસ કેસ ઉકેલવામાં મદદ કરતી હોય છે પણ આનો ભરોસો કરાય એમ નથી.
‘હરિ અસલી હૈ કે નકલી હૈ… હમારા હરિ હૈ અબ તુમ્હારા જરૂરત નહી હૈ હો ઇન્સ્પેક્ટરભાઇ.’ મંગુબા હરિને લઇને આવ્યાં.
‘કહાં થે ઇતને સાલ.?’ ઇન્સ્પેક્ટરે હરિને ઉપરથી નીચે સુધી જોતા કહ્યું.
‘ઇન્સ્પેક્ટર આપકો સિર્ફ હરિ કો દેખના હૈ., ઇન્ટરોગેશન નહીં કરના હૈ. ક્યોંકી હમને કેસ વાપિસ ખિંચ લિયા હૈ.’ હેમંતે વકીલાત કરી.
ઇન્સ્પેક્ટરને સમજાઇ ગયું કે સામે એક વકીલ ઊભો છે અને એની બાજુમાં એક પત્રકાર છે જે એની વાઇફ છે. ફરિયાદ પાછી ખેંચી લીધી હોવા છતાં પણ પોલીસ પરેશાન કરે છે એવો રિપોર્ટ છપાઇ જશે તો બેઇજજતી થશે.
‘મૈ ભી ઇન્સાન હૈ… હરિભાઇ વાપિસ આ ગયા… આપકા ઘરમે ખુશી પરત આ ગઇ.. મૈ ખુશ હૈ… સબ ઠીક હૈ કી નહીં યે પૂછનેકા મેરા ડ્યૂટી હૈ.’ ઇન્સ્પેક્ટરના અવાજમાં કડવાસ, કટુતા અને કટાક્ષ હતો.
‘લેકિન હરિ વાપસ આ ગયા યે ન્યુઝ આપકો કિસને બતાઇ.?’ વલ્લભને પણ જાણવામાં રસ છે.
‘અભી મૈને મેડમ કો બતાયાના.. પુલીસ ઔર કુત્તે.’ ઇન્સ્પેક્ટર હસ્યો. પછી સિરિયસ થઇને બોલ્યો: ‘બૌત સાલ પહેલે ઇન્દોર મેં એક આદમી અઇસે હી ઘરમેં ઘૂસ ગયા થા. હમસકલ થા. મેડમ આપ તો પત્રકાર હૈ….જરૂર પઢા હોગા આપને.’
‘પછી શું થયું ઇન્દરોના એ ઘરમાં?’ એવું પૂછવાની કોઇએ હિંમત ન કરી. બધા માત્ર હરિના મોઢા સામે તાકીને
જોતા હતા. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.