ત્રિકાળ-૪૭

ઉત્સવ

‘હરિની રાહ જોવામાં વરસો કાઢી નાખ્યાં. અશોક સાથે મન મળ્યું તો…એનું આ પરિણામ આવ્યું. લાગણીઓ સાથે આવી ક્રૂર મજાક ક્યાં સુધી’

અનિલ રાવલ

હરિએ વલ્લભનો હાથ એના લમણા પરથી હટાવ્યો નહીં. કોઇ આક્રમકતા બતાવી નહીં. શાંત ચિત્તે એની સામે જોયા વિના જ બોલ્યો: મારો ગોળી વલ્લભભાઇ, ખતમ કરો આ કિસ્સો. આમેય રોજેરોજ થતા અપમાનથી ત્રાસી ગયો છું. મારો દીકરો ખુદ મને બાપ તરીકે જોવા માગતો નથી. મારી પત્ની મારો સ્વીકાર નથી કરતી. મા-બાપને મન હું સાવ ખોટો છું. મારી યાદદાસ્ત ગઇ શું કામ અને ગઇ તો પાછી આવી શા માટે. મારું જીવવું કે મરવું બેય સરખું છે. દબાવો ‘ટ્રિગર’ બોલીને હરિએ વલ્લભનો હાથ પોતાના હાથમાં લઇને કપાળ પર રિવોલ્વર મૂકી. વલ્લભભાઇ, કહું છું ‘કહાની ખતમ કરી નાખો. નહીંતર મને આપો હું ખુદ ગોળી મારી દઉં.’
હરિની ચકળવકળ થતી આંખોમાં વલ્લભને પાગલપણાની સાથે સાથે વિવશતા અને લાચારી દેખાઇ, પણ એને એની લાચારી કરતા એના પાગલપણામાં વધુ વિશ્ર્વાસ બેસી ગયો. કદાચ રિવોલ્વર આંચકીને આત્મહત્યા કરી લે…અથવા તો મને પણ ગોળી મારી દે. ઘડી ઘડી એનું વર્તન બદલાય છે. વલ્લભે હાથ છોડાવીને રિવોલ્વર પોતાના હાથમાં લઇ લીધી. શું ખરેખર પચાસ હજારની એને ખબર નહીં હોય કે ખોટું બોલતો હશે. કદાચ આ ખરેખર હરિ જ હોય પણ સમય જતા એ સાઇકોલોજિકલ કેસ થઇ ગયો હોય…માનસિક રોગી એટલે ગાંડો માણસ. આવા ઘણા કેસ વિશે સાંભળ્યું છે. ઘડીકમાં આ માણસ લાગણીશીલ થઇ જાય છે તો ઘડીકમાં જડ બની જાય છે. ગુસ્સો કરે છે. પાગલની જેમ બધાને જોયા કરે છે. હર્ષા સાથે પેલી રાતે એણે કરેલું વર્તન..પણ કદાચ એના માનસિક રોગનું જ પરિણામ હોઇ શકે…હરિને સાઇકોલોજિસ્ટ પાસે લઇ જવાનો કોઇને વિચાર કેમ નથી આવતો. અંજલિએ એ દિવસે સાઇકોલોજિસ્ટની અપોઇન્ટમેન્ટ માટે વાત નહીં કરી હોયને…પણ અંજલિએ એમાં છુપાવાનું કારણ શું હતું…બધાને કહી દેવું જોઇએ કે સાઇકોલોજિસ્ટ પાસે તપાસ કરાવીશું જેમ ચામડીના ડોક્ટર પાસે કરાવી એમ. હા, એ કેસમાં તો બંને ખોટું બોલ્યાં. હર્ષાનું ખોટું બોલવું વાજબી હતું પણ આ માણસ શા માટે ખોટું બોલ્યો…એનું કારણ પણ એણે ગોળ ગોળ આપ્યું….આ પચાસ હજારના મામલામાં હર્ષા શું કહે છે એ જોવું રહ્યું. વલ્લભે એકસામટા વિચારો કરી લીધા.
સાચું કહે ‘હર્ષાને તેં પચાસ હજાર નથી આપ્યા.?’ વલ્લભે ખાતરી કરવા ફરી પૂછ્યું.
સાચું કહું… ‘મને કાંઇ યાદ નથી.’
‘તને અગરવાલ સાથેની બધી વાતો યાદ છે…આ વાત જ કેમ ભૂલી ગયો.? યાદ કર.’
હરિએ લમણા પર પોતાની હથેળી પછાડતા કહ્યું: ‘એ જ નથી સમજાતું…સાલ્લું. એ જ નથી સમજાતું. મારી યાદદાસ્તને શું થઇ ગયું છે. મને કોઇ ઓળખો નહીં તો કાંઇ નહીં પણ મને સમજો તો ખરા. મને બધા ધૂતકારો છો. જેના પેટે જનમ લીધો એ મારી સગ્ગી મા મને ઓળખવા તૈયાર નથી. મારો દીકરો એકવાર મને પપ્પા કહી દે બસ, મારે બીજું કાંઇ નથી જોઇતું.’
પાછળ આવીને સાંભળી રહેલાં મંગુબાના રડવાનો અવાજ આવ્યો. ‘હે મારા શ્રીનાથજી બાવા તું અમારી હજી કેટલી કસોટી કરીશ. હરિ દીકરા, તું જરાય ચિંતા ન કર. તારી યાદદાસ્ત પાછી આવી જાય એ માટે તારો ઇલાજ કરાવીશું. જા, શાંતિથી સૂઇ જા. વલ્લભ, તું એની સાથે સૂઇ જા.’ બાકીની વાત મંગુબાએ એને ઇશારેથી સમજાવી કે હરિને એકલો રાખતો નહીં. મંગુબાએ આમ શા માટે કહ્યું એ વલ્લભ સમજી ગયો. હરિ અને વલ્લભ છતને તાંકતા રહીને પોતપોતાના વિચારોમાં બાકીની રાત પસાર કરી.
***
આખી રાત વલ્લભના મનમાં બે વિચારો ઘૂમરાયા કરતા હતા. એક, પચાસ હજારની વાતમાં હર્ષા શું કહે છે અને બે, જો હરિ મનોરોગી હોય તો એનો ઇલાજ કરવો રહ્યો.. સવારે ઉઠીને એણે સૌથી પહેલાં અંજલિને ફોન કર્યો.
સવાર સવારમાં વલ્લભભાઇનો ફોન. અંજલિ માની શકી નહીં. કારણ કે એણે ક્યારેય અંજલિને ફોન કર્યો નથી.
‘બોલો વલ્લભભાઇ’ અંજલિએ કાંઇક અરજન્ટ હોવાનું ધારી લીધું.
ખાસ કામ છે. ‘સમય મળ્યે ઘરે આવીશ.?’
હા, ‘ચોક્કસ, વાત શું છે, વલ્લભભાઇ.?’
‘તું આવ પછી વાત કરીએ.’ કહીને ફોન મૂકી દીધો.
અંજલિ ફોન પકડીને ઊભી રહી. એ વિચારતી કે શું હશે. બાજુમાં આવીને ઊભા રહી ગયેલા હેમંતે કાંઇ પૂછ્યું નહીં છતાં અંજલિએ એને કહ્યું: વલ્લભભાઇનો ફોન સવાર સવારમાં આવ્યો…કહ્યું કે ‘ખાસ કામ છે આવી જા.’
‘હા, હરિકથાનો અંત નહીં આવે ત્યાં સુધી ઘરનું વાતાવરણ ડહોળાયેલું જ રહેશે. વલ્લભભાઇએ તને ફોન કર્યો એટલે નક્કી કાંઇક તો છે. તું પહોંચ..પછી હું પણ આવું છું.’
પચાસ હજારના મામલામાં વલ્લભને ચેન પડતું નથી. દાંતમાં છોતરું ભરાયું હોય એવી એની હાલત છે.. હર્ષા થોડી નવરી પડે એટલે પૂછી લેવા માગે છે એટલે જ એણે અંજલિનો ફોન ટૂંકાવી દીધો હતો..એણે હર્ષાને બોલાવી એની સાથે અશોકને પણ હાજર રહેવા કહ્યું. બંને આવ્યા. વલ્લભ હરિને એના રૂમમાંથી જાતે લઇ આવ્યો. હરિને જોઇને હર્ષા મોં ફેરવી ગઇ.
‘એમ મોઢું ફેરવી લેવાથી નહીં ચાલે. આપણે હથિયાર હેઠા નથી મૂકી દીધા. છેલ્લે સુધી તપાસ કરીશું કે આ હરિ છે કે નહીં..અને એના માટે બધાએ સાથ આપવો જ રહ્યો…અને તારે ખાસ કેમકે એ તારો પતિ છે અને રાહુલનો બાપ…તારું ભવિષ્ય એની સાથે ફરી જોડવાની કોશિશ છે.’ વલ્લભે કહ્યું.
‘શું થયું વલ્લભભાઇ?’ અશોક વચ્ચે જ બોલ્યો.
‘હરિએ અત્યાર સુધી આપણને જે કહ્યું જે સાચું પડ્યું છે. એને અગરવાલની રજેરજની ખબર છે. એને મળીને આવ્યો છે. અત્યાર સુધીના એના વર્તન પરથી લાગે છે કે એ સાઇકોલોજિકલ કેસ છે. મામલો એની યાદદાસ્તનો પણ છે. મારે તને એક જૂની વાત યાદ અપાવવી છે.’
‘કઇ વાત.’ હર્ષાથી રહેવાયું નહીં.
‘હરિએ તને પચાસ હજાર રૂપિયા આપેલા એવું તેં કહેલું.’
‘હા, આપેલા. મેં બાપુજીને તમારી હાજરીમાં જ કહ્યું હતું પણ બાપુજીએ મને એ પૈસા મારી પાસે જ રાખવાનું કહ્યું હતું. કેમ તમને યાદ નથી…વલ્લભભાઇ.?’ હર્ષાએ કહ્યું.
મારી યાદદાસ્ત સાબૂત છે. હરિ કહે છે કે ‘એણે તને પચાસ હજાર રૂપિયા નથી આપ્યા.’
‘તો શું હું ખોટું બોલું છું.?’ બોલીને હર્ષા પૈસાનું વરસો પહેલાંનુ પેકેટ લઇને આવી.
‘આ પેકેટ મેં જેમનુંતેમ સાંચવીને રાખ્યું છે. હરિ શા માટે હવે ફરી ગયો કે સાચો હરિ છે કે નહીં એની મને કેમ ખબર પડે. વલ્લભભાઇ.? મારી યાદદસ્ત બરાબર છે.’
‘હું એ જ કહું છું કે એક મિનિટ માટે ધારી લો કે આ માણસ આપણો હરિ જ છે. પણ એની યાદદાસ્તનો પ્રોબલમ છે….એને સાઇકોલોજિસ્ટને અને ન્યુરોસર્જનને બતાવવાની જરૂર છે.’
‘કોને સાઇકોલોજિસ્ટની જરૂર છે.?’ બોલતી અંજલિ દાખલ થઇ.
‘મને, મને સાઇકોલોજિસ્ટની જરૂર છે..હું ગાંડી થઇ જઇશ.’ છેલ્લા થોડા દિવસથી ત્રાસી ગયેલી હર્ષા બોલી.
હર્ષા, ‘એમ થાકીહારી ગયે નહીં ચાલે. લડવું પડશે તારે.’
‘હવે નહીં લડી શકું. હરિની રાહ જોવામાં વરસો કાઢી નાખ્યા. અશોક સાથે મન મળ્યું તો…એનું આ પરિણામ આવ્યું. લાગણીઓ સાથે આવી ક્રૂર મજાક ક્યાં સુધી કર્યા કરવાની.? હું મારો રસ્તો કરી લઇશ. જતી રહીશ રાહુલને લઇને ક્યાંક.’
‘તારે ક્યાંય જવાની જરૂર નથી.’ બાબાશેઠના અવાજે સૌને ચોંકાવી દીધા. આ ઘરમાંથી જો કોઇ જશે તો એ હરિ હશે…હરિ સાચો હોય કે ખોટો..તારા ભોગે એ મારા ઘરમાં નહીં રહે.’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.