ત્રિકાળ-૪૬

ઉત્સવ

ક્રાઈમ સીન-અનિલ રાવલ

ઘરમાં ભરાતી અદાલતમાં સંવેદના ફોરેન્સિક લેબમાંથી નીકળતા પુરાવાથી કમ
નથી હોતી
——————
રાહુલનું ‘આઇ હેટ યુ’ સાંભળીને બધા બહાર આવી ગયા. રાહુલ દોડીને હર્ષાની સોડમાં ભરાઇ ગયો.
‘રાહુલ, કોઇની સાથે ખરાબ ભાષામાં વાત નહીં કરવાની મેં તને કેટલીવાર સમજાવ્યો છે.?’ હર્ષા યંત્રવત બોલી ગઇ પણ એનું મન ડૉક્ટરનું નિદાન જાણવામાં હતું. એણે અંજલિની સામે જોયું. અંજલિ વાતની શરૂઆત ક્યાંથી કરવી એ વિચારે છે. કારણ સ્પષ્ટ છે કે મસો હતો જ નહીં તો હર્ષાએ શા માટે હંગામો મચાવ્યો.? અને હરિભાઇએ પણ કહ્યું કે મસો હતો… એણે શા માટે હામાં હા મિલાવી. અંજલિની આ મૂંઝવણ કદાચ અશોક જ સમજી ગયો. બંનેએ એકબીજાની સામે જોયું. અંજલિ પત્રકારનો જીવ છે. વાતના મૂળ સુધી નહીં પહોંચે ત્યાં સુધી એને ચેન નહીં પડે.
‘હર્ષા તને પાકી ખાતરી છે કે હરિભાઇની પીઠ પાછળ મસો હતો.?’ હર્ષા થોડીક ઝંખવાણી પડી ગઇ. પણ પછી કહ્યું: હા, મને પાકી ખાતરી છે કે મસો હતો. કેમ શું થયું.?’
‘હરિભાઇ તમને પણ પાકી ખાતરી છે કે મસો હતો.?’ અંજલિએ હરિભાઇને પૂછ્યું. તેઓ ચીડાઇ ગયા: ‘મેં તને ત્યાં જ જવાબ આપી દીધો છે.. હવે વારેવારે એકના એક સવાલ પૂછીને શા માટે મને ઉશ્કેરે છે.?’હરિભાઇના ચીડાવાની અંજલિ પર કોઇ અસર ન પડી ઉલ્ટું એણે એકદમ સ્વસ્થ થઇને મક્કમપણે કહ્યું:
‘હર્ષા, હરિભાઇ, તમે બંને જુઠ્ઠું બોલો છો. હર્ષા અને હરિભાઇ એકબીજાને જોતા રહ્યાં. કારણ કે ડૉ. મેસ્વાનીના કહેવા મુજબ મસો ક્યારે ય હતો જ નહીં.’
ઘરમાં સન્નાટો છવાઇ ગયો. સંચારબંધી લાદી દેવાયા જેવો સોપો પડી ગયો. “હર્ષા ખોટું બોલી.? મંગુબા માની શકતા નથી. હર્ષા ધૂંધવાઇને બેસી રહી. હરિ સમસમી ઉઠ્યો. એને થયું કે પોતે પોતાના જ ગાલ પર બે-ચાર તમાચા મારી દે કે દિવાલ પર માથું પછાડે. એની આંખો લાલચોળ થઇ ગઇ. ગુસ્સાથી શરીર તમતમી ઉઠ્યું. અશોક વલ્લભ, બાબાશેઠ, મંગુબા અને શકુંતલા બધાએ આ નોંધ્યું.
હર્ષા સાચી કે ડૉક્ટર મેસ્વાની.? આ પ્રશ્ર્ન જો કોર્ટમાં પુરવાર કરવાનો આવે તો જજસાહેબ ડૉ. મેસ્વાનીના નિદાનને જ માન્ય રાખે, પણ આ સવાલ ઘરની અદાલતમાં આવ્યો છે. ઘરમાં ભરાતી અદાલતમાં સંવેદના ફોરેન્સિક લેબમાંથી નીકળતા પુરાવાથી કમ નથી હોતી.
અંજલિએ હર્ષા પાસે જઇને ધીમેથી કહ્યું: ‘મને તારામાં પુરો વિશ્ર્વાસ છે. કોઇપણ હાલતમાં હું તારી પડખે ઊભી રહીશ. તું સાચી હકીકતની બધાને ખબર પડવા દે ‘હર્ષા ભાંગી પડી. ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી. અંજલિ પામી ગઇ કે હર્ષાને જરૂર કઇંક ડંખ છે જે એ કહી નથી શકતી.
‘બોલી નાખ હર્ષા… કોઇનાથી પણ ડર્યા વિના. મનને હળવું થઇ જવા દે.’ એણે કહ્યું.
‘એ રાતે એણે જંગલીની જેમ મારી સાથે…. મારો હરિ આવું નહોતો કરતો, હરિ આવો ન હોય. હરિ આવો ક્યારેય ન હોઇ શકે… એ જંગાલિયતની હદ વટાવી જાય એ પહેલાં જ હું ચીસ પાડીને બહાર આવી ગઇ અને આ માણસથી છુટવા મસાની ખોટી વાત કરી. આ માણસ મને હરિ નથી લાગતો.’ હર્ષાના હિબકા આખાય ઘરમાં ફરી વળ્યા.
‘આઇ હેટ યુ… તું મારી માને રડાવે છે, હેરાન કરે છે.. જતો રહે અહીંથી.’ રાહુલ હરિની સામે ધસી ગયો. હર્ષાએ આવેશમાં આવીને બધાની વચ્ચે હકીકત જણાવી દીધી પણ એ ભૂલી ગઇ કે નાનકડો રાહુલ ત્યાં જ ઊભો છે. શકુંતલા એને અંદર લઇ ગઇ. હર્ષાના ખુલાસાએ સૌને હચમચાવી મૂક્યા. હવે કોઇની પાસે કશું બોલવા જેવું નહતું. ઘરની અદાલતમાં હર્ષા અને ડૉ. મેસ્વાની બેઉં સાચા પુરવાર થયા. પરંતુ હવે ચુકાદો શું આવશે? અને ચુકાદો આપશે કોણ? એ સવાલ આવીને ઊભો રહ્યો છે. હર્ષાની જુબાની સૌ માની લેશે તો હવે હરિનું શું થશે.?
ઘરમાં સૌથી વધુ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતા વલ્લભે શાંતિથી રજૂઆત કરી
‘આ માણસ આવ્યો ત્યારથી હું જોઉં છું કે વાતેવાતે ગરમ થઇ જાય છે. હરિ નરમ હતો. હરિ અને આ માણસના મૂળભૂત સ્વભાવમાં તમને ફરક નથી દેખાતો.? એ હરિ પાસે ગયો.
‘હર્ષા પાસે તો ખોટું બોલવાનું કારણ હતું, પણ તું શા માટે ખોટું બોલ્યો ને હર્ષાની હામાં હા મિલાવી.?’ વલ્લભે પૂછ્યું. ‘ખબર નહીં, પણ હર્ષાએ કહ્યું એટલે મેં પણ હા પાડી દીધી.’ હરિની કેફિયત વલ્લભ સહિત કોઇને ગળે ન ઉતરી. અત્યાર સુધી શાંત રહેલા વલ્લભે પોતાના અસલી મિજાજનો પરચો બતાવ્યો.
‘હજી કહું છું તું જે હોય તે સાચું ભસી માર તો બચી જઇશ.’ હરિ ચૂપ રહ્યો.
‘મારે મારા હાથ લોહીથી ખરડવા નથી. એટલે તને તો પોલીસને હવાલે જ કરવો પડશે.’ વલ્લભ ફોન કરવા લાગ્યો.
‘નહીં વલ્લભભાઇ નહીં… પોલીસને વચ્ચે લાવવાની જરૂર નહીં પડે. હું એ પહેલાં જ પુરવાર કરી બતાવીશ કે આ કોણ છે.’ અંજલિએ ફોન હાથમાં લીધો ને એક ફોન જોડ્યો.
‘હેલો, મેં તને પેલી તપાસ કરવાનું કહેલુંને…. તપાસ કરી.?’
સામેથી શું જવાબ આવ્યો એ સમજાયું કે સંભળાયું નહીં અને અંજલિએ કોને શેની તપાસ કરવાનું કહ્યું એ સસ્પેન્સ અકબંધ રહ્યું. અંજલિ ફોન પતાવીને હરિ પાસે ગઇ.
‘હું પોલીસ નહીં, પત્રકાર છું. બંને મની મોડસ ઑપરેન્ડી અને તપાસમાં બહું ફરક છે. હું આ ભેદ પરથી પરદો ઉઠાવીને જ રહીશ.’
***
બાબાશેઠના ઘરમાં દિવસ સૂમસામ અને રાત કાળોતરી લાગે છે. હરિનું સસ્પેન્સ કોચલામાં પડ્યું છે. આ ભેદી લાગતો માણસ રાતે શું કરી નાખે કાંઇ કહેવાય નહીં એટલે બાબાશેઠની તિજોરીથી લઇને રાહુલના જીવ સુધીની બધી બાબતોની સલામતી જાળવવાનું કામ વલ્લભ કરે છે. એ પોતાના તકિયા નીચે રિવૉલ્વર રાખવાનું ભૂલતો નથી. રામજી વચ્ચે વચ્ચે જાગીને બધે ચક્કર લગાવી લે છે. મધરાતે હરિ રૂમમાંથી બહાર આવીને સોફા પર બેઠો. વલ્લભને અવાજ આપતા એ બહાર આવ્યો. એણે રિવૉલ્વર ટિપોઇ પર મૂકી.
‘આની કોઇ જરૂર નથી.’ હરિએ કહ્યું.
‘તને નહીં હોય, પણ મને જરૂર લાગે છે.’ વલ્લભ બોલ્યો.
‘તું અગરવાલને મળવા ગયો હતો.?’
‘હા, મારે એની સાથે જૂનો હિસાબ પતાવવાનો છે.’
અગરવાલે વલ્લભને હરિ ઑફિસમાં પગલાં પાડી ગયો એવી માહિતી ફોન પર આપી દીધેલી જોકે વલ્લભે હરિની ખરાઇ પારખવા આ પત્તુ સિક્રેટ રાખેલું.
‘શેનો હિસાબ.?’ હરિ કેટલું જાણે છે અને જે જાણે છે એમાં સચ્ચાઇ કેટલી છે એ જાણી લેવાના ઇરાદે વલ્લભે પૂછ્યું.
‘વાહ મોટાભાઇ, રોકાણ મેં કર્યું. બજારમાંથી પણ કરાવ્યું… અને મલાઇ તમે ખાધી. હવે તમે મને પૂછો છો શેનો હિસાબ.?’ ઓહ, આ માણસ આ બધું પણ જાણે છે., પણ કઇ રીતે.? એ વલ્લભની સમજની બહાર છે.
‘એમ તો તારે પણ મને પૈસા આપવાના નીકળે છે.?’ હરિ બીજું શું જાણે છે એ જાણવા વલ્લભે વધુ ફોડ પાડ્યા વિના કહ્યું અને હરિના પ્રતિભાવની રાહ જોવા લાગ્યો.
‘શેના પૈસા.?’ હરિએ પણ કોઇ ચોખવટ કર્યા વિના કહ્યું.
“દલાલીના… પચાસ હજાર. વલ્લભે હવે ફોડ પાડ્યો.
‘તમને અગરવાલે ચૂકવી દીધા છેને.’ વલ્લભ સાંભળીને આંચકો ખાઇ ગયો. હવે એ કેમ કરીને આખી રામાયણ કરે કે ઇન્સ્પેક્ટર શિંદેએ એમાંથી અડધો ભાગ પડાવી લીધો અને પછી બાકીના રૂપિયા પણ એના મોં પર ફેંકી દીધા હતા.
આ માણસ અગરવાલને ઓળખે છે, એને જૂના હિસાબની ખબર છે, મારી સાથેના વહેવારની પણ ખબર છે. એવી કંઇ વાત પૂછું જેની એને ખબર નહોય અને પકડાઇ જાય. વલ્લભે દિમાગ દોડાવ્યું. અચાનક એને મનમાં ઝબકારો થયો.
‘હરિ, તને યાદ છે તેં હર્ષાને પચાસ હજાર રૂપિયા આપેલા.?’
‘પચાસ હજાર.? મેં ક્યારેય હર્ષાને પચાસ હજાર રૂપિયા નથી આપ્યા.?’ વલ્લભના ચહેરા પર એક રમતિયાળ સ્મિત ફરક્યું. એણે ટિપોઇ પરથી રિવૉલ્વર ઉઠાવીને હરિના લમણે મૂકી. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.