ત્રિકાળ-૪૫

ઉત્સવ

‘રહી વાત ભેગા મળીને કમાવાની તો… હવે ભેગા નહીં થવામાં જ મજા છે, ભેગા થશું તો ભડાકો થશે’

અનિલ રાવલ

‘મેં તો તને….મેં તને શું…બોલો બોલો અગરવાલ શેઠ.’ હરિના અવાજમાં આક્રોશ હતો.
‘મતલબ કે મેં તો તને મરેલો માની લીધો હતો.’ અગરવાલ ખચકાતો ખચકાતો બોલ્યો.
ચાલો સારું થયું તમે મને કમસેકમ મરેલો તો મરેલો, પણ હરિ તો માની લીધો બાકી મને તો લોકો હરિ માનતા નથી.’
પહેલી નજરે હરિને જોઇને ગભરાઇ ગયેલો અગરવાલ બોલ્યો: ‘જો કે મને ય તું હરિ નથી લાગતો..કારણ હરિ ક્યારેય દરવાજાને લાત મારીને અંદર ધસી નથી આવ્યો.’ અગરવાલના હરિના હાવભાવ, વાણી, વર્તન જોતો રહ્યો.
હરિ ખડખડાટ હસી પડ્યો. ‘હું હરિ જ છું. બોલો, હું તમને આપણી વચ્ચે કેટલા સોદા થયા, મેં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને કર્યું એની યાદ અપાવું.?’
સાંભળીને અગરવાલના પેટમાં ફાળ પડી. એ અવાચક થઇ ગયો. આર્થિક સૂનમૂન બેસી રહ્યો. એને હરિ સાથેના આર્થિક વહેવારો યાદ આવી ગયા પોતે કરેલી દગાબાજી યાદ આવી ગઇ. આથિર્ક ગોટાળા સાંભર્યા. હરિ હવે પોતે કરેલા અને કરાવેલા નાણાં પાછા માગશે…જૂનો ચોપડો ખોલશે. જોકે, ચોપડો તો નહીં ખોલી શકે કારણ લખાણમાં કાંઇ જ નથી, પણ મોંઢું જરૂર ખોલશે. ચાલાક અગરવાલે વિચારી લીધું.
‘અને છેલ્લે આપણી વચ્ચે થયેલા ઝઘડાના શબ્દો બોલું?’ એમ કહીને હરિએ ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. અવાજ સાંભળીને બહાર બેઠેલી જુલી ફફડી ગઇ ને અગરવાલ ધ્રુજી ઉઠ્યો.
આ પહેલાનો હરિ તો નથી જ. હરિએ અગાઉ આવું વર્તન ક્યારેય નથી કર્યું. આ ખરેખર હરિ જ હોય તો પણ ઘણો બદલાઇ ગયો છે. અગરવાલ ફફડતા હૈયે વિચારી રહ્યો છે ત્યાં હરિ મોટેથી બોલ્યો: ‘તમારે મારો હિસાબ કરવાનો છે યાદ છે કે નહીં.?’ એક સેક્ધડ માટે તો અગરવાલને ટેબલના ખાનામાંથી રિવોલ્વર કાઢી લેવાનો વિચાર આવ્યો, પણ સમસમીને બેસી ગયો.
‘જો સાંભળ, મેં પચાસ હજાર તો ઓલરેડી વલ્લભને આપી દીધા છે. સિવાયનો હિસાબ તને એક જ લાઇનમાં ગણાવું તો તું હવે પાછો નહીં જ આવે એવું ધારીને મેં તારા ભાઇ વલ્લભને કામ આપ્યું….તારી જગ્યાએ. એ ખૂબ કમાયો છે. એ કમાય કે તું કમાય બંને એક જ છેને.. ઘી ઢોળાય તો ખીચડીમાં જ છેને.?’
‘મારા ભાઇએ તમારે આપવાની દલાલી પણ મારી પાસે માગી અને એ પણ તમારા ભાગની દલાલી..ત્યારે અમે બંને ભાઇઓ તમને એક નહીં લાગ્યા હવે આજે તમને એ કમાય કે હું કમાઉં.. બંને એક જ લાગે છે.? વાહ આવો હિસાબ તો મારવાડી જ કરી શકે અગરવાલ શેઠ.’
બોલાવ વલ્લભને આપણે સાથે બેસીને બધી ચોખવટ કરી લઇએ.. હવે તું આવી ગયો છે તો આપણે ભેગા મળીને ખૂબ કમાશું.’
‘ના, એની સાથે હું ફોડી લઇશ. રહી વાત ભેગા મળીને કમાવાની તો…એટલું જ કહું કે હવે ભેગા નહીં થવામાં જ મજા છે, ભેગા થશું તો ભડાકો થશે. અરે હા, તમે તમારી રિવોલ્વર હજી ટેબલ પર મૂકી નથી.?’ હરિ ટેબલ પર હળવી ટપલી મારીને બહાર નીકળી ગયો.
***
અશોક, હરિ અને અંજલિ ડો. મેસ્વાનીની ક્લિનિકમાં બેઠા છે. અકળાયેલો હરિ વારેવારે ઊભો થઇ જાય છે. એને કોઇપણ જાતના પરીક્ષણમાં રસ નથી. અંજલિએ ડોક્ટરની અપોઇન્ટેમન્ટ લીધી પછી પણ એણે આવવાની ના પાડેલી. પણ અંતે અંજલિએ ફોન પર એને એમ કહીને મનાવ્યો કે ઘરમાં જેના પણ મનમાં તમે હરિ નથી એવી શંકા છે એના નિવારણ પરીક્ષણ જરૂરી છે. ફોન પર એણે ખાસ કરીને હર્ષાની શંકાની વાત છેડી હતી….
‘કમસે કમ તમે હર્ષાને માટે તો ડૉક્ટરને મળી લો.’ પછી હરિ ચૂપચાપ ડોક્ટર પાસે આવવા તૈયાર થઇ ગયો હતો, પણ અહીં એમનો વારો આવે અને ડૉક્ટર બોલાવે ત્યાં સુધીમાં એના મનમાં સણકા ઊપડવા લાગ્યા હતા.
‘ઘરે બધાને સંતોષકારક જવાબ આપ્યા..પછી ય જો મારે ડૉક્ટરોના સિર્ટિફકેટોની જરૂર પડતી હોય તો એના કરતા મરી જવું બહેતર છે.’
ભાઇ, ‘આ બધું અમે હર્ષા અને તારો સંસાર ફરી પહેલા જેવો થઇ જાય અને રાહુલ તને પિતા તરીકે સ્વીકારે એટલા ખાતર કરીએ છીએ.’
કેબીનમાંથી પેશન્ટ બહાર નીકળ્યો એટલે એમને અંદર બોલાવાયાં. અંજલિ અને ડો. મેસ્વાનીના ખૂબ સારા સંબંધોને લઇને અપોઇન્ટમેન્ટ મળી હતી. ડૉ. મેસ્વાની પાસે હરિની હિસ્ટરી હતી જ. અશોક હરિને લઇને અંદર ગયો. અંજલિ બહાર બેસી રહી.
‘શર્ટ ઊતારો.’ ડો. મેસ્વાનીએ કહ્યું. હરિએ શર્ટ કાઢ્યો
‘બોલો કઇ તરફ મસો હતો.?’
‘જમણી બાજુ પીઠ ઉપર. હરિએ જવાબ આપ્યો અહીં.?’ ડૉક્ટરે આંગળી મૂકીને બતાવ્યું. હરિએ પોતાનો હાથ પાછળ લઇને તર્જની મૂકીને કહ્યું: લગભગ આ જ જગ્યાએ..
ડૉક્ટરે મેગ્નીફાઇંગ ગ્લાસથી જોવાનું શરૂ કર્યું. હરિએ દર્શાવેલી જગ્યાએ અને એની આસપાસ અંગૂઠો દબાવ્યો. એક શીશીમાંથી લોશન કાઢીને લગાવ્યું. પછી થોડીવારે ફરી એની પર મેગ્નીફાઇંગ ગ્લાસ મૂક્યો. વચ્ચે એ અશોક પર નજર ફેરવવાનું ચૂકતા નહીં. આ જ પ્રક્રિયા એમણે પીઠની ડાબી બાજુએ કરી. ડોક્ટરે આમ શા માટે કર્યું એ હરિ કે અશોકને સમજાયું નહીં.
‘ઓકેકેકેકે..’ એક ઊંડો શ્ર્વાસ લઇને બોલ્યા. ‘હરિભાઇ તમે બહાર બેસો હું અશોક સાથે વાત કરી લઉં.’
‘નહીં…ડૉક્ટર જે હોય તે મારી સામે કહો.’ ડૉક્ટરે અશોકની સામે જોયું. એણે મૂક સંમતિ દર્શાવી.
‘મારો અનુભવ અને તપાસ એમ કહે છે કે પીઠ પર કોઇ મસો ન હતો.’
‘એનો મતલબ કે હું ખોટું બોલું છું ડૉક્ટર.?’ હરિના તાડૂકવાનો અવાજ કેબીનની બહાર બેઠેલી અંજલિ સુધી પહોંચ્યો. એ અંદર ધસી ગઇ.
‘શું થયું.?’ એણે પૂછ્યું.
‘અંજલિ, મારું તારણ છે કે કોઇ મસો નહતો.’
‘અને હું કહું છું કે…આનો મતલબ એમ થયો કે હું ખોટું બોલું છું.?’
‘ચાલો હરિભાઇ, અહીં આ જગ્યાએ એની ચર્ચા કરવાનું આપણને શોભે નહીં….ઘરે વાત કરીએ.. તમે લોકો બહાર જાઓ હું ડૉક્ટર સાથે વાત કરીને આવું.’ અંજલિએ કહ્યું. ડૉક્ટર અંજલિને કારણે મદદ કરી રહ્યા હતા. એમની પર ગુસ્સો કાઢવાનો હરિને કોઇ અધિકાર નથી. અશોકને ખૂબ ખરાબ લાગ્યું છે, પણ હાલ એ મસાનો વિચાર કરવા લાગ્યો.
‘ડૉક્ટર, મને આશ્ર્ચર્ય થાય છે કે હરિભાઇની પીઠ પર મસો હતો. હર્ષાને તો ખબર જ હતી. હરિભાઇએ પણ કબુલ્યું હતું. હવે તમારું નિદાન કહે છે કે મસો હતો જ નહીં. તો શું કોઇ ચમત્કાર થયો હશે.?’ અંજલિ બોલી.
‘અંજલિ, હું તો મેડિકલ સાયન્સમાં માનું છું, પણ તું પત્રકાર થઇને આવા ચમત્કારમાં માને છે.?’
‘સવાલ મેડિકલ સાયન્સ કે ચમત્કારનો નહીં કોઇના જીવનનો છે ડોક્ટર.’
***
મસાની વાતે ઘરનું વાતાવરણ મસાણ જેવું થઇ ગયું છે. વરસાદ થંભી ગયો, તોફાન શમી ગયું, પણ હરિની ઘરવાપસીને લીધે ખડા થયેલા સવાલો થંભવાનું નામ નથી લેતા. ઊલટું નવા નવા પ્રશ્ર્નો ઊભા થતા જાય છે. હર્ષા અને હરિના લગ્નજીવન માટે પ્રાણરૂપ બની ગયેલા પ્રશ્નએ ડો.મેસ્વાનીના નિદાને એક વિકરાળ સ્વરૂપ આપી દીધું. હર્ષાના કહેવા મુજબ અને હરિના કબૂલ્યા મુજબ મસો હતો તો પછી ડૉક્ટરે કરેલા નિદાનનું શું.? ડૉક્ટરે બંનેને ખોટા સાબિત કરી દીધા. શું હર્ષા હરિને પતિ તરીકે સ્વીકારવા રાજી નથી એટલે એણે મસાની વાત ઉપજાવી કાઢી હતી. તો પછી હરિએ એની હામાં હા કેમ મેળવી. જેણે ઘરમાં રજેરજની માહિતી આપીને પુરાવા આપ્યા એ માણસ પાસે મસા વિશે ખોટું બોલવાનું કારણ શું હોઇ શકે.? શું હરિ કોઇ મોટી ગેમ ખેલી રહ્યો છે.
ડૉક્ટર પાસેથી પાછાં વળતા કારમાં અંજલિ, અશોક અને હરિ પોતપોતાના વિચારોમાં હતા. ઘર આવ્યું ત્યાં સુધી કોઇએ એકપણ શબ્દ ઉચ્ચાર્યો નહીં એટલું જ નહીં કોઇએ એકબીજાની સામે સુધ્ધાં જોયું નહીં. અશોકે ડોરબેલ પર આંગળી મૂકી. રાહુલે દોડતા આવીને દરવાજો ખોલ્યો. પહેલાં અશોક પછી અંજલિ પ્રવેશ્યાં. સૌથી છેલ્લે દાખલ થયેલા હરિને જોઇને રાહુલ બોલ્યો:
‘તમે મારા પપ્પા નથી. તમે ગંદા છો. જતા રહો ઘરમાંથી…આઇ હેટ યુ…આઇ હેટ યુ.’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.