તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
ત્રિજટાને કોણ નથી ઓળખતું? આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતાની ગાથા એવા મહાગ્રંથ રામાયણમાં રાવણે માતા સીતાનું અપહરણ કર્યું પછી લંકામાં તેમને અશોક વાટિકામાં રાખ્યાં હતાં. અહીં માતાની રક્ષાનું કામ અનેક રાક્ષસીઓ પૈકી ત્રિજટા નામની રાક્ષસીને સોંપવામાં આવ્યું હતું. સામાન્યત: રાક્ષસીઓ ક્રૂર હોય છે અને હેરાન કરવામાં કઈ બાકી રાખતી નથી, પણ ત્રિજટા અલગ છે, એ સંવેદનશીલ છે, વિચારક છે, એ મિત્ર બની શકે છે.
એક લેખકની દ્રષ્ટિએ જોઈએ તો ત્રિજટાએ રામાયણમાં મુખ્યત્વે ત્રણ કામ કર્યા છે. પહેલું અને સૌથી અગત્યનું કામ તો એ કે એણે દુ:ખી અને નિરાશ થયેલાં સીતાજીને સતત સાંત્વના આપી છે અને બધું સારું જ થશે એવી આશા બંધાવી છે. એક રાક્ષસી તરફથી મળતી આ હકારાત્મકતા એ સૂચવે છે કે રાક્ષસો જાતિગત નહિ પણ સ્વભાવગત આસુરી પ્રવૃત્તિ કરતા હતા. બે પાત્રો એવા છે જે રાક્ષસોની જાતિને પણ એક આદરપાત્ર ઊંચાઈએ મૂકી આપે છે. એમાં પ્રથમ વિભીષણ જે રાવણને સમજાવે છે કે બીજાની પત્નીનું અપહરણ કરી અહીં બળજબરીથી રાખવી યોગ્ય નથી, રાવણે સીતાજીને શ્રીરામને પાછા સોંપી દેવા જોઈએ. જો કે રાવણ એમની વાત સાંભળતો નથી અને એમનું અપમાન કરે છે, પરંતુ વિભીષણ પોતાનું કર્મ ચુકતા નથી. ત્રિજટાએ કરેલું બીજું કામ છે કે એણે સીતાજીને સતત બનતી ઘટનાઓથી માહિતીગાર રાખ્યાં છે અને ત્રીજું કામ એ કે અન્ય રાક્ષસીઓ દ્વારા થતી હેરાનગતિથી સીતાજીને એણે બચાવ્યાં છે.
ત્રિજટા અને અન્ય રાક્ષસીઓને રાવણે કામ આપ્યું છે સીતાજીને સામ, દામ, દંડ કે ભેદ એમ કોઈ પણ રીતે મનાવવાનું અને રાવણ સાથે લગ્ન માટે સમજાવવાનું. રાવણના ગયા પછી રાક્ષસીઓ સીતાજીને હેરાન કરે છે ત્યારે ત્રિજટા તેમને પોતાના સ્વપ્નની વાત કહે છે. એક વાનર દ્વારા બળી રહેલી લંકા અને સીતાજી માટે સમુદ્ર પાર કરીને આવી રહેલા શ્રીરામ ત્રિજટાએ સ્વપ્નમાં જોયા છે. અને આ વાતથી ભયભીત થયેલી રાક્ષસીઓ સીતાજીને હેરાન કરવાનું મૂકી દે છે. રાવણ દ્વારા છળથી કરાયેલા અપહરણને લીધે આઘાત પામેલા, એના લગ્નના પ્રસ્તાવથી ચિંતાતુર અને શોકમાં ડૂબેલા સીતાજીને આ વાતથી અત્યંત શાંતિ મળે છે.
ત્રિજટા વૃદ્ધ છે, અનુભવી છે, એને સીતાજીની મનોભાવના સમજાય છે, અને એટલે જ એ કપરા સંજોગોમાં સીતાજીની મિત્ર અને વડીલ બની રહે છે. સીતાજીને ત્રિજટા પર એટલી શ્રદ્ધા અને વિશ્ર્વાસ બેઠા છે કે એને તેઓ માતા કહીને સંબોધિત કરે છે. લંકાકાંડમાં
લખાયું છે, તો સામે પક્ષે ત્રિજટા માતા સીતાને જાનકી, રાજકુમારી
વગેરે સંબોધનો સાથે વ્હાલપૂર્વક બોલાવે છે, સતત આશ્ર્વાસન આપે છે અને રામચંદ્ર યુદ્ધ જીતશે જ એવો વિશ્ર્વાસ જતાવે છે.
मुख मलीन उपजी मन चिंता। त्रिजटा सन बोली तब सीता॥
होडहि कहा कहसि किन माता। केहि बिधि मरिहि बिस्ब दुखदाता॥
बहु बिधि कर बिलाप जानकी। करि करि सुरति कृपानिधान की॥
कह त्रिजटा सुनु राजकुमारी। उर सर लागत मरड सुरारी॥
કંબ, ઉડિયા અને જાવાના રામાયણના કેટલાક પ્રક્ષેપોમાં ત્રિજટા વિભીષણની પુત્રી તરીકે દર્શાવાઈ છે. અમુક ગ્રંથો એને રાવણની છુપી સેવિકા તરીકે પણ દર્શાવે છે જે સીતાજીનો વિશ્ર્વાસ જીતી તેમને મનાવવા માટે મુકાઈ છે પણ ત્રિજટા એમ કરતી નથી. બાલી અને અન્ય પ્રદેશોના રામાયણની કથા આપણાથી ઘણી અલગ પડે છે. કહેવાય છે કે યુદ્ધ પછી શ્રીરામ અને સીતાજીએ તેનું સન્માન કરી અનેક ભેટસોગાદો આપી હતી. દક્ષિણના રામાયણમાં એને હનુમાનજીની પત્ની તરીકે પણ દેખાડાઈ છે જયાં તેમને એક પુત્ર પણ છે.
ત્રિજટા આમ રામાયણનું એક અત્યંત નાનું પણ અગત્યનું પાત્ર છે, એવું પાત્ર જે આપણા માનસ પર પોતાની હૃદયંગમ છાપ છોડી જાય છે.
બીલીપત્ર
एहि के हृदयें बस जानकी जानकी उर मम बास है।
मम उदर भुअन अनेक लागत बान सब कर नास है॥
सुनि बचन हरष विषाद मन अति देखि पुनि त्रिजटाँ कहा।
अब मरिहि रिपु एहि बिधि सुनहि सुंदरि तजहि संसय महा॥
‘એવું વિચારીને તેઓ (શ્રી રામ) અટકી જાય છે કે આના હૃદયમાં જાનકી છે અને જાનકીના હૃદયમાં મારો
નિવાસ છે, મારામાં અનેકો ભુવન છે, એટલે જો રાવણના હૃદયમાં બાણ મારીશ તો બધા ભુવનો નાશ પામશે.’
ત્રિજટાના આ વચન સાંભળી સીતાજીના મનમાં અત્યંત હર્ષ અને વિષાદ થયો એ જાણી ત્રિજટાએ ફરી કહ્યું, ‘હે સુંદરી, આ સંદેહનો ત્યાગ કરો અને સાંભળો, શત્રુ આવી રીતે મરશે.’