મિસિંગ લિંકનું કામકાજ પાર પાડતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ
મુંબઈઃ રજાઓ કે વીકએન્ડમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકની વધતી ભીડ અને ટ્રાફિકજામની બાબત સતત માથાનો દુખાવો બની ગઈ છે. હવે આ ટ્રાફિક જામનો ઉકેલ લાવવા માટે હાઇ-વે પોલીસ એક યુક્તિ અપનાવી છે. છેલ્લા બે સપ્તાહથી હાઇવે પોલીસ દ્વારા એક યુક્તિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવી શકે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ટ્રાફિક જામની સમસ્યા મુખ્યત્વે શનિ-રવિ કે સળંગ રજાઓમાં ઉભી થાય છે. તેના ઉકેલ તરીકે હાઈવે પોલીસે હવે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બ્લોક લેવાનું શરૂ કર્યું છે. ઉપરાંત, હાઈવે પર મિસિંગ લિંક બનાવવામાં આવ્યા પછી ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે, જ્યારે અકસ્માતનું પ્રમાણ પણ ઘટી શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખાસ કરીને શુક્રવાર-શનિવાર અને જાહેર રજાના દિવસે ખંડાલા ટનલ નજીક 15 મિનિટનો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, તેથી મુંબઈ તરફ આવતા માર્ગને બ્લોક કરવામાં આવ્યા હતા, જ્યારે પુણે તરફ જતા વાહનો માટે એક્સપ્રેસ વે પર છ લેન (લેન) ખોલવામાં આવી હતી, તેથી 15 મિનિટમાં લગભગ 1,500 વાહન માટે માર્ગ મોકળો થઈ ગયો હતો. આ વાહનો થોડી વારમાં જ નીકળી જતાં ટ્રાફિક જામની સમસ્યાનો હલ આવ્યો હતો. આ પગલાંને અમલમાં મૂકવા માટે એક્સપ્રેસ વેનું સૌપ્રથમ ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ખંડાલા ઘાટ પર મુંબઈ જતી લેન પર 15 મિનિટના બ્લોક સાથે પુણે જતા વાહનો માટે રસ્તો સાફ કરવામાં આવ્યો હતો. આ બ્લોક લેવા માટે 300 લોખંડના બેરિકેડની જરૂર પડશે. MSRDCએ આ બેરીકેટ્સ આપવા માંગ કરી છે.
પહેલા ડ્રોન દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 10 દિવસ પહેલા પ્રાયોગિક ધોરણે ખંડાલા ઘાટ પર બ્લોક લેવામાં આવ્યો હતો અને મુંબઈ જતો માર્ગ બંધ કરી પુણે જવાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ગયા શનિવારે પણ પાંચ વખત આવો જ 15 મિનિટનો બ્લોક લેવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે એક્સપ્રેસ વે પર ઘાટ સેક્શન પાર કરવામાં ઘણો સમય લાગે છે. તેથી, ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટનું 72 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આઠ કિમીની બે ટનલ અને વિશાળ વેલી બ્રિજ આ પ્રોજેક્ટની ખાસિયત છે, જેમાં ખાલાપુરથી 1.6 કિમી અને લોનાવાલા તરફ 8.9 કિમી દૂર એક્સપ્રેસવે પર બે ટનલનો સમાવેશ થાય છે. ખપોલીથી લોનાવાલાનું અંતર 22 કિમી છે. ઘાટ પર ભીડ ન થાય તે માટે એક ‘મિસિંગ લિંક’ બનાવવામાં આવી રહી છે, જેથી 8 થી 10 કિલોમીટરનું અંતર અને 45 મિનિટનો સમય બચશે.