મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
મોટાભાગના લોકોને તેમનો ઘરસંસાર સારી રીતે નથી ચાલતો એવી ફરિયાદ હોય છે. ‘પત્નીનો ત્રાસ’ એ હાસ્ય કલાકારથી લઈને સામાન્ય માણસો સુધીનો ફેવરીટ વિષય રહ્યો છે. અમારા એક મિત્રએ આ પરિસ્થિતિના ઇલાજ માટે એક રામબાણ ઇલાજ શોધ્યો છે.એ ઇલાજને નામ આપ્યું છે ‘પત્નીભક્તિ’. એક વાર માટે જો કોઈ માણસ પત્નીભક્ત બની જાય અને નક્કી કરી લે કે મારા જીવનમાં મારુ જો કોઈ સર્વસ્વ હોય તો મારી પત્ની છે.એટલે કોઈ પણ પ્રકારનો ઘરમાં પ્રોબ્લેમ ન જ ઊભો થાય તેની ગેરંટી આપી શકાય. પત્ની કહે કે ‘વાસણ ધોઈ નાખ’ એટલે એમ પણ નહીં પૂછવાનું કે ‘પાવડર ક્યાં પડ્યો છે?’ પત્ની કહે કે ‘મને સમય આપો’ એટલે ગમે તેવી ઇમ્પોર્ટન્ટ જોબ હોય, મીટિંગ હોય, કામ હોય એ બધું જ છોડીને માત્ર અને માત્ર પત્નીને જ સમય આપવો એટલે પછી જૂઓ તમારા પડ્યા બોલ ઉપાડે છે કે નહીં! આ ભક્તિ શીખી જાવ એટલે તમારે ‘પાવડર ક્યાં પડ્યો છે?’ નહીં પૂછવું પડે, એ સામેથી જ વાસણના ઢગલા પાસે મૂકી જશે. હવે જ્યારે આ ભક્તિની વાત થાય છે ત્યારે એ ખુલાસો કરવો ખૂબ જરૂરી છે કે અહિંયા પત્ની એટલે પોતાની જ પત્ની, પાડોશીની નહીં
તમે પૂરી શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરતા હો, દીવો-અગરબત્તી કરતા હો અને એમ છતાં પણ નાની મોટી તકલીફો રહેતી હોય તો મનુષ્યગત સ્વભાવ મુજબ ૯૦ કામ થઈ જતા હોય એ યાદ ન રહે અને ૧૦ ન થતા હોય એ યાદ રાખીને ‘મને કંઈક નડે છે’ આવી શ્રદ્ધા સાથે કોઈને પૂછે એટલે જવાબ મળે કે ‘તું નક્કી હનુમાન ચાલીસા નહીં કરતો હો, શિવસ્તુતિ અને હનુમાન ચાલીસા સાથે શરૂ કરી દે એટલે પછી જો તારા કામ થાય એ’. આ રીતે જ જો તમે પત્નીભક્ત હોવા છતા તમને તકલીફ પડતી હોય તો હનુમાન ચાલીસા અને શિવસ્તુતિની જેમ જ બે ક્રિયાઓ ઉમેરવી સાસુભક્તિ અને સસરા ભક્તિ. આ બે ભક્તિથી પણ કામ ન બને તો સાળાભક્તિ પણ કરવી પડે! જો કે આ બાબતમાં એક ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે કે સાળીભક્તિ ન કરવી નહિતર ઘરસંસાર તૂટી પણ શકે. એ વાત સમજી શકાય કે દરેકને ભક્તિ સાળીની જ ગમે પણ એ સમયે મૂળ વિચાર પર આવી જવું કે ઇષ્ટદેવ એટલે કે પત્નીભક્તિ જ આપણો મુખ્ય ધર્મ છે
આમ તો આપણે છપ્પન ભોગ આપણા ઇશ્ર્વરને જ ધરતા હોઈએ છીએ પણ જો તમે છપ્પન ભોગ ધરવા ગયા હો અને આજુબાજુમાં અન્ય ભગવાન કે નાની નાની ડેરીઓ હોય તો છપ્પન ભોગ ન ધરીએ પણ મિષ્ઠાનના બટકા તો ત્યાં મૂકીએ જ છીએ. આ રીતે જ તમે પત્ની ભક્તિમાં સાડી, ઘરેણા, મેકઅપ કીટ જેવી ગમે તે વસ્તુઓ ખરીદતા હો અને ગમે તેટલી ખરીદતા હો પણ ક્યારેય એ ભૂલવું નહીં કે પત્નીની બાજુમાં નાની નાની ડેરીઓમાં અન્ય ભગવાનો એટલે કે સાસુ, સસરા, સાળો છે એટલે એકાદ સાલ, સસરા મોટાભાગે પીતા જ હોય એટલે એકાદ ક્વાટર, સાળા માટે અડધિયું ખરીદી લેવું. હાં પણ અહીં પણ એક ચેતવણી યાદ રાખવી કે સાળી માટે જે ખરીદો એ પત્ની નક્કી કરે એ જ ખરીદવું. કોઈ સારુ મીની સ્કર્ટ જોઈને ‘આમાં એ હોટ લાગશે’ એવા વિચારોને પરાણે દબાવી દેવા અને પત્ની જે કહે એ જ ખરીદીને એના જ હસ્તે અપાવવું. જો ન રહેવાતું હોય અને એમ થાય કે આ સ્કર્ટ તો આપવું જ છે તો તમારી પાસે ગુપ્તદાનનો રસ્તો છે.
તહેવારોમાં જેમ ગણપતિને ૩ દિવસ, ૫ દિવસ, ૯ દિવસના બેસાડવામાં આવે એમ વર્ષ દરમિયાનમાં એક વેકેશન એવું રાખવું જેમાં ફરવા જવાનો વિચાર માંડી વાળી અને શ્ર્વસુર ગૃહેથી ભગવાનોની સ્થાપના કરવી. આ દિવસો દરમિયાન યાદ રાખવું કે જેમ ગણપતિને રોજ લાડુ ધરવા પડે છે એમ આ ભગવાનોને પણ રોજ મિષ્ઠાને અને સારું ભોજન ધરવું. ગણપતિને જેમ જમાડતી વખતે જરા પણ ગુસ્સો નથી આવતો અને સંપૂર્ણ આદરથી શિશ ઝૂકાવીને જમાડો છો એ રીતે જ આ ભગવાનોને પણ જમાડવા. અહીં પણ એક ખાસ સૂચના એ આપવામાં આવે છે કે વિશેષ ભક્તિભાવમાં આવીને અન્ય ભગવાનો કરતાં સાળીને ખાસ આગ્રહ ન થઈ જાય નહીંતર તમે કરેલી ભક્તિનું ફળ મળવાને બદલે કાયમી ઝગડો ઘૂસી જશે અને તમને જે સાળી દર્શનનો લાભ મળે છે એ આગલા વેકેશનમાં નહીં મળે
કોઈ પણ કાર્યની સફળતા અને નિષ્ફળતાનું મુખ્ય કારણ કાર્ય છે. તમે ઘણી વાર કોઈ કાર્ય કરી લો અને પછી સારું પરિણામ આવે તો ખુશી થવાની જ પણ ખરાબ પરિણામ આવે તો એમ થાય કે આ કાર્ય ન કર્યું હોત તો સારું થાત. આ રીતે જ તમને કોઈ પણ પ્રકારની શંકા હોય તો મારી સલાહ એ છે કે લગ્ન જ ન કરવા! મેં આ સલાહ ઘણા કુંવારા યુવાનોને આપી છે. પણ સ્વીકારવાની શક્યતાઓ ઓછી દેખાતા મેં સલાહ આપવાનું બંધ કરી દીધું છે. એમ છતાં હમણા હું આવા એક નવયુવક સાથે મારા બે ત્રણ મિત્રોને મારે ઘેર લઈને ગયો અને મેં પત્નીશ્રીને કહ્યું કે ‘આ લોકો આજે ઘેર જમવાના છે એટલે પાંચ માણસોની રસોઇ બનાવવાની છે’.પણ મારા આ શબ્દો અંદર સંભળાયા સાથે જ સિંહણની જેમ ત્રાડ વછૂટતા શબ્દો છૂટ્યા ‘તેલના ડબ્બાનું ચાર દિવસ થયા કહ્યું છે પણ આવ્યો નથી તો તેલ વગરનું શાક બને? શાકભાજી ઘરમાં છે નહીં અને પાંચ પાંચ માણસોને લઈને સીધો જમવાનો ઓર્ડર આપતા શરમ ન આવી? પૈસા વધી ગયા હોય તો બાજુમાં ભોજનાલય છે ત્યાં જમાડી આવો’ એમના શબ્દો પૂરા થતા જ મેં કહ્યું કે કોઈ જમવાનું નથી, આ તો આ ભાઈને લગ્નની ઉતાવળ ચાલી છે એટલે ટ્રેઇલર દેખાડવા લઈ આવ્યો હતો! આટલું સાંભળીને પણ એ નવયુવાન ન સમજ્યો એ ન જ સમજ્યો પણ મેં તેને પોઝિટિવ સાઇન એ આપી કે તું ‘ના’ શબ્દ નથી બોલતો એટલે તારું લગ્નજીવન સફળ થશે એવી મને આશા વધી ગઈ છે. તું તારે લગ્નનો લાડવો ખાય જ લે!!!
ભક્તિની શક્તિનો પરિચય લગભગ
બધાને જ છે. નજર સામે હળાહળ ખોટું દેખાતું હોય તો પણ ભક્તિભાવથી પ્રભાવિત લોકો પોતાને ભક્ત કહેવડાવતા શરમાતા નથી તો પછી આ ભક્તિ કરતાં પત્નીભક્તિ સર્વશ્રેષ્ઠ છે કેમ કે જો માનસિક રીતે તમે સંતુલિત હશો તો ગમે તેવી જંગ જીતી જશો. એટલો સ્વીકાર કરી લેવો કે જેમ માખી અને મચ્છર પ્રકૃતિમાં માત્ર રોગચાળો ફેલાવવા માટે કુદરતે સર્જ્યા છે એ રીતે જ પત્નીને ત્રાસ ફેલાવવા માટે જ બનાવી છે તો ઇશ્ર્વરની આ દેનનો ભક્તિભાવથી સ્વીકાર કરવો એ મનુષ્ય માત્રની ફરજ છે. હું આ લેખ લખી રહ્યો છું અને આ દરમિયાન જો પત્ની આવી જશે તો પહેલા પાણીનો ગ્લાસ આપીશ અને પછી જ અધૂરો લેખ પૂરો કરીશ એટલે પછી હું લખતો હોઈશ ત્યાં સુધી મને એક પણ કામ નહીં ચીંધે.
વિચારવાયુ: મારી ઘરવાળી કહેશે ત્યારે જ લખીશ.અત્યારે લખવાની ના પાડે છે.