એનર્જીનો નાયેગ્રા ધોધ
સમીરભાઇને હું પહેલીવાર રૂબરૂ, ૧૯૮૦માં અરવિંદ ઠક્કર નિર્દેશિત ‘શોર્ટકટ’ નાટકના રિહર્સલમાં મળ્યો હતો. ત્યારે હું સ્કૂલમાં હતો અને એ નાટકમાં બાળકલાકાર તરીકે એમના પુત્રની ભૂમિકા ભજવેલી. જે.બી. પ્રિસ્ટલીના ‘એવરીથિંગ ઇન ધ ગાર્ડન’ નાટક પરથી બનેલ એ નાટકમાં સમીરભાઇ સાથે સુજાતા મહેતા હતાં. (એ જ નાટકના કથાનક પરથી પછીથી ૧૯૯૯માં બાસુ ભટ્ટાચાર્યની ‘આસ્થા’ ફિલ્મ પણ બનેલી.) ‘શોર્ટકટ’ નાટકમાં એક મધ્યમવર્ગીય માણસના સંઘર્ષનું સમીરભાઇએ અદ્ભુત પાત્ર ભજવેલું.
ત્યારબાદ મેં એમના ઘણાં નાટકો જોયાં પણ ૧૯૮૫-૮૬માં ‘નુક્કડ’ સિરિયલથી ‘ખોપડી’ નામના સડકછાપ દારૂડિયાના પાત્રથી સમીરભાઇ રાતોરાત સ્ટાર બની ગયા. ત્યારે એ બાઇક ચલાવતા તો રસ્તા પર સિગ્નલમાં એમને ‘ખોપડી-ખોપડી’ કહીને લોકો ઘેરી વળતાં. મને યાદ છે ત્યારે મારી મમ્મી સ્કૂલમાં ટીચર હતી તો એક બાળકે નિબંધમાં લખેલું કે- ‘મારે મોટા થઇને ખોપડી બનવું છે!’
‘નુકકડ’ના નિર્દેશક કુંદન શાહ પાસેથી મેં સાંભળેલું છે કે રાજકપૂરે ખાસ આર કે સ્ટુડિયોમાં ‘નુક્કડ’ની આખી ટીમને બોલાવેલી અને “યે દેખો ખોપડી આયા ખોપડી!- કહીને સમીરભાઇને ભેટી પડેલા. ત્યાર બાદ શહેનશાહ, પુષ્પક, રાજાબાબુ જેવી અનેક ફિલ્મો એમણે કરી પણ ખોપડીનું દારૂડિયાનું પાત્ર જ એમને મળતું અને એક રીતે ટાઇપ-કાસ્ટ થઇ ગયેલા. પછી ૧૯૯૩-૯૪માં નુક્કડ પાર્ટ-૨ સિરિયલ આવેલી જેના ઘણાં એપિસોડ મેં લખેલા અને ત્યારે અમારી દોસ્તી વધી ગઇ. ખોપડીના પાત્રમાં એક જ સેકંડમાં તેઓ એ રીતે છવાઇ જતાં કે સેટ પર બીજા બધા કલાકારો ઝાંખા પડી જતાં. ત્યારબાદ ૧૯૯૫-૯૬ની આસપાસ સમીરભાઇ ૧૩-૧૪ વરસ સુધી અમેરિકામાં રહ્યા અને હમણાં દસેક વરસ આગાઉ પાછા ફરેલા અને અમુક નાટકો, સિરિયલો ને ફિલ્મો ફરી કરેલી. મેં બનાવેલી ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ (૨૦૧૭)માં પણ સમીરભાઇ હતા અને ગુજરાતી પાડોશીના પાત્રમાં પરેશ રાવલ-રિશીકપૂર સાથે સુંદર દ્રશ્યો ભજવેલાં.
હજી આજે સવારે જ જાણિતા અભિનેતા પરેશ રાવલ સાથે સમીરભાઇ વિશે વાત થઇ તો એમણે યાદ કરતાં કહ્યું કે “સમીર જો એના મૂડમાં હોય તો ભલભલાને સ્ટેજ પર ભારી પડી જાય. ખૂબ બારીકીથી નેચરલ અભિનય કરનારો કલાકાર હતો. એનું વાંચન પણ ખૂબ હતું. સમીરભાઇએ પરેશ રાવલના યશસ્વી નાટક ‘તોખાર’માં પરેશભાઇના પિતાની યાદગાર ભૂમિકા ભજવેલી. એ ઉપરાંત કાંતિ મડિયાના ‘કોઇ ભીંતેથી આઇનો ઉતારો’, અરવિંદ ઠક્કરના ‘વૈરી’ કે ‘મહાસાગર’ અને ફિરોઝ ભગતના નાટક ‘નસ નસમાં ખૂન્નસ’ જેવાં અનેક નાટકોમાં એમણે અદ્ભુત કામ કરેલું. હિંદી નાટકોમાં સત્યદેવ દૂબે જેવા મહારથી સાથે કામ કરેલું પણ કોણ જાણે કેમ, આજની રંગભૂમિમાં કે ટીવી સિરિયલો-ફિલ્મોમાં સમીરભાઇની પ્રતિભા મુજબનું જોઇએ તેવું કામ એમને ના મળ્યું. સમીરભાઇનો અવાજ, એમની અદા અને એમની છટા, સદાયે મનમાં ગુંજશે.
– સંજય છેલ (ફિલ્મ લેખક-દિગ્દર્શક )
————-
…તુઝેે ભૂલા ન પાઉંગા…!
દોસ્ત ! સમીર, હવાની લહેરખીની જેમ તું પ્રભુ તરફ સરકી ગયો. આપણે મળતા બહુ નહોતા, પણ જ્યારે મળતા, ત્યારે દોસ્તીનો ઉછાળો મેં એટલો જ તારામાં જોયો છે.
શું કહું? શું કહેવું હતું તારે? ત્રણેક મહિના પહેલા તારો અચાનક મને ફોન આવ્યો. મેં હેલો..હેલો.. કર્યું. પણ તારા તરફથી કોઈ પ્રતિસાદ નહિ. બપોરે જોયું તો તારા ત્રણ મિસ્ડ-કોલ્સ ! ફરી મેં ફોન કર્યો. ફરી માત્ર ઘંટડી ! પછી તો હું ભૂલી ગયો. તારે કંઈ કહેવું હતું? એ જવાબ મેળવવાની ઇચ્છા હવે ક્યા ફળીભૂત થવાની..? જવાબ મેળવું ત્યાં ખબર આવ્યા કે બુધવારે તા: ૧૫.૦૩.૨૩ ની વહેલી સવારે તું બ્રહ્મલીન થઇ ગયો.
તારી વાતો તો ઘણી છે. તે મારી સાથેસાથે મારા દીકરા મનવિત વેકરિયા ( તન્મયનો લઘુ-બંધુ) સાથે પણ કામ કર્યું.
તું તારી પસંદગીનાં જ રોલ કરવાનો આગ્રહ રાખતો. ‘તોખાર’ જ્યારે ફરી રજૂ કરવાનું પરેશ રાવલે નક્કી કર્યું ત્યારે એના બાપનો રોલ તું કરતો હતો. ત્યારે નાટકનું નામ રાખેલું, કાબરો. નાટકને રજૂ કરવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા અને તને એક ફિલ્મ મળી. પરેશે એ રોલ મને કરવા કહ્યું. તારી પસંદગીનો રોલ કરવાનો એક મિત્ર તરીકે કર્યાનો આનંદ. મારી અને મારા દીકરા સાથે કરેલા નાટક ‘શ્યામલી’ માં તારો ફોટોગ્રાફરનો રોલ તે અદ્ભુત ભજવેલો, તું હતો જ અવ્વલ દરજ્જાનો કલાકાર.
ખોપડીનું ‘નુક્કડ’ સિરિયલનું તારું પાત્ર લગભગ દરેકના મગજમાં જડબેસલાક બેઠેલું છે. સનત વ્યાસે સરસ વાત કરી. કોઈ પણ ગુજરાતી કલાકાર, હિન્દી ફિલ્મ કે સિરિયલ કરે પણ ક્યારેય ગણતરીમાં નહોતા લેવાતા. એ સમયે જાણીતા અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ તારા-ખોપડીનાં ગુણગાન ત્રણ કોલમ ભરી ગાયેલા. તું વધારે ફિલ્મો કરી શક્યો હોત. પણ તારી જીદ હતી કે ‘ખોપડી’ બનીને નથી રહેવું મારે એટલે એ ટાઈપનાં રોલ તું નકારતો રહ્યો. નિર્માતાઓએ માની લીધું કે તને પૂછવાનો કોઈ અર્થ જ નથી કારણ, તું નાં જ પાડશે. શહેનશાહનાં સેટ પર સાથી કલાકારો પણ કોમ્પ્લેક્ષ અનુભવતા તારાથી. મેં છેલ્લે તને ‘સંતુ રંગીલી’ રી-વાઈવ થયું એ નાટકમાં જોયેલો. હવે તો તું ભગવાનના રંગમંચ ઉપર તારી પસંદગીનાં રોલ માગી નવા અવતારો ધરતો રહીશ. તું હતો જ લાગણીશીલ… લાગે છે તું કંઈક મનમાં ધરબીને બેઠો હશે. દોસ્ત! લાગણીશીલ વ્યક્તિ કાયમ એકલી રહી જાય છે. કારણ કે એની લાગણીઓ જોડે લોકો રમત રમી જતા હોય છે. તું તો અમારી સાથે રમત રમી ક્યા ચાલ્યો ગયો? તારા પરિવારને તારો ખાલીપો સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. દોસ્ત, તુઝે ભૂલા ન પાઉંગા!
– અરવિંદ વેકરીયા (લેખક-દિગ્દર્શક- અભિનેતા)
———–
‘મારયો તો મીર નહીં તો સમીર’
એક વધુ સિતારો રંગભૂમિના આકાશમાંથી ખરી ગયો. સમીર ગયો. હું, સમીર અને અરવિંદ ઠક્કર કૉલેજ કાળથી મિત્રો. સમીર પોતે માનતો કે એની કારકિર્દી ઘડવામાં અરવિંદ ઠક્કરનો સિંહ ફાળો હતો. એણે મારા લખેલાં દસથી વધુ નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી અને બધામાં એ છવાય રહ્યો. ‘ખુન્નસ’ અને ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’માં એની ભૂમિકા યાદગાર બની રહી.
‘નુક્કડ’ સિરિયલથી એનું નામ આસમાને ચગ્યું અને પછી નાટક, સિરિયલ્સ, ટીવી શૉ, ફિલ્મ વગેરે ઘણું બધું કર્યું. પણ સમીર એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ હતું. એ થોડો ઘેલો, અલગારી, ઊંધી ખોપડીનો માણસ હતો. ‘ખોપડી’ તરીકે તો એ પાછળથી પ્રખ્યાત થયો. નામના, પ્રતિષ્ઠા – ખ્યાતિ એને મન ગૌણ હતું. એને કંઈક નવું-નોખું કરવાની હોંશ હતી અને એ હોંશના ચક્કરમાં જ ચકરાય ગયો.
એનું જીવન સંઘર્ષમય હતું. ભારત છોડી વિદેશ ગયો. ત્યાં પણ એ જ ‘હોંશ’ કાયમ રહી. મારી પાસેથી આઠ નાટકોની સ્ક્રીપ મગાવી. પણ ધાર્યું ધણીનું જ થયું, સમીરનું ન થયું.
ફરીથી ઈન્ડિયા આવ્યા પછી પણએ મને અવારનવાર ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં મળવા આવતો. પણ આ વખતે એના વાણી-વર્તનમાં ફેર જણાયો. કોણ જાણે કેમ થોડી કડવાશ આવી ગઈ હતી. જાત પ્રત્યે કે સંજોગ પ્રત્યે.
માણસ તરીકે એ એટલો ઉમદા હતો કે ‘નુક્કડ’ની જાહોજલાલીના દિવસોમાં પણ લેશમાત્ર અહંકાર મનમાં ન રાખ્યો. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે હું એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવતો ત્યાં અવશ્ય હાજર થઈ જતો.
‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ના પ્રયોગો દરમિયાન અમે મહિનાઓ સુધી સાથે રહ્યાં હતાં. ઘણી બધી યાદો ને વાતો છે પણ… યાદો ને વાર્તાનો અર્થ શું?
ભાઈ સમીર, હવે હું ક્યારે કહી શકીશ કે ‘મારયો તો મીર નહીં તો સમીર’. અમે બન્ને જ્યારે જ્યારે મળતાં ત્યારે પહેલું વાક્ય હું આ જ બોલતો.
પ્રભુ એના આત્મને શાંતિ આપે.
– પ્રવિણ સોલંકી (લેખક)
————
સરળ સ્વભાવનો સીધો માણસ
હું અને સમીર ઇન્ટર કોલેજમાં સાથે નાટકો કરતા હતા. એ કેમેસ્ટ્રીનો વિદ્યાર્થી હતો. એણે બી.એસ.સી કર્યું હતું. એ સમયે હું, સમીર ખખ્ખર, પરેશ રાવલ અમારા બધાનું એક ગ્રૂપ હતું. ત્યારથી જ એ એક્ટિંગ પ્રત્યે ખૂબ જ એક્સાઇટેડ રહેતો. એ ખૂબ જ ભોળો વ્યક્તિ હતો. એ મારી આ વાત પરથી ખયાલ આવશે. અમે લોકો એની સાથે ખૂબ મજાક-મસ્તી કરતા હતા. એને છોકરીઓ પ્રત્યે ખૂબ જ લગાવ રહેતો. પણ એના ગાલ પર થોડા ખાડાં હતાં. તો અમને કહેતો કે આ ખાડા દૂર કરવાનો કોઇ ઉપાય ખરો. તો એ વખતે મેં એને મજાકમાં સલાહ આપેલી કે ગાયનું છાણ અને ગૌમૂત્ર મોઢા પર લગાવ તો ખાડાં દૂર થઇ જશે. અને તમે નહીં માનો પણ એણે મારી એ સલાહ માની અને ગાયનું છાણ અને ગૌમૂત્ર લાવીને મોઢા પર લગાવ્યું. એ એટલો ભોળો હતો. સિતાંસુભાઇનું લખેલું અને અરવિંદ ઠક્કરે ડિરેક્ટ કરેલું વેરી નામનું નાટક અમે સાથે કર્યું હતું. એમાં પરેશ રાવલ, મહેન્દ્ર જોષી, સફી ઇમાનદાર, અરુંધતી રાવ વગેરે પણ હતાં. પણ નુક્કડ સિરિયલમાં ખોપડીનો રોલ કર્યા બાદ એણે નાટકો ખૂબ જ ઓછા કર્યાં હતાં.
હમણાં એ અમેરિકાથી પાછો આવ્યા બાદ મને નાટકમાં કામ કરવા માટે ફોન કર્યો હતો. એને નાટકમાં અભિનય કરવો હતો. એણે મને એ બાબતે વાત કરી પણ હું છેલ્લાં દસ વર્ષથી નાટક કરતો નથી, સિરિયલ કરું છું. એમાં જો તારે લાયક રોલ હશે તો તને સો ટકા યાદ કરીશ. પણ એમાં કઇ વર્કઆઉટ થઇ શક્યું નહીં. ત્યાર બાદ અમે એકવાર મળ્યાં ત્યારે ગાયના છાણ અને ગૌમૂત્રવાળી વાત યાદ કરીને અમે ખૂબ હસ્યા હતા. એ ખૂબ જ સીધો સાદો માણસ હતો. એને ક્યારેય કોઇના પ્રત્યે દ્વેશભાવ ન હતો. સ્વભાવનો સરળ.
આજે એના ગયા બાદ મને એ વાતનો અફસોસ છે કે એની સાથે નાટક કેમ ન થઇ શક્યું? આ અફસોસ મને જીવનભર રહેશે.
– હોમી વાડીયા (દિગ્દર્શક- અભિનેતા)