Homeઉત્સવપ્રવાસી, અભ્યાસી, વિજ્ઞાની અને વેપારી માર્કો પોલો

પ્રવાસી, અભ્યાસી, વિજ્ઞાની અને વેપારી માર્કો પોલો

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

માર્કો પોલોના પિતા નિકોસો પોલો અને કાકા માફિયો પોલોએ હવે માર્કોને સાથે લઈને મોંગોલ બાદશાહ કુબલઈ ખાનના આમંત્રણથી ત્યાં વેપાર કરવા જવાનો નિશ્ર્ચય કરી — કર્યું. નાનો માર્કો ઘણો હોશિયાર અને ગીફટંડ હતો. તેણે તેના ૨૪ વર્ષનાં પ્રવાસમાં જે જે જોયું તેની તેણે પોતાની નોંધપોથીમાં નોંધ કરેલી અને પછી “વન્ડર્સ ઓફ ધ વર્લ્ડનામના તેના પુસ્તકનું પ્રકાશન કર્યું. માર્કોના આ પુસ્તકે પૂરા યુરોપના લોકોને, ચીન, જાપાન અને હિન્દ વિષે ઘેલું લગાડેલું, જેમ આજે બીજા દેશોને અમેરિકા જવાની ઘેલછા છે. તેમ યુરોપના દરેક માનવીના જીવનની ખ્વાહિશ હિન્દ, જાપાન અને ચીનના દર્શન કરવાની રહેતી. માર્કો ઠેઠ ફિલિપિન્સ અને નેપાળ સુધી આવી ગયો હતો. તે કુબલઈ ખાનના વિશ્ર્વાસુ પ્રતિનિધિ તરીકે મોંગોલિયાના બીજા પ્રાંતોમાં અને બીજા દેશોમાં જતો-તેઓ જ્યારે મોંગોલિયાથી વેનિશ પાછા ફર્યાં ત્યારે સમુદ્ર માર્ગે પાછા ફર્યા હતાં. તેઓ ચીન, જાપાન, ફિલિપિન્સ, રંગૂન, જાવા, સુમાત્રા, વિશાખાપટ્ટનમ, શ્રીલંકા, કાલીકટ થઈને મધ્ય એશિયામાં ઉતરી જમીન માર્ગે વેનિસ પાછા ફર્યાં હતાં અને તે વખતની ભારતની જાહોજલાલીનો આંખે દેખ્યો અહેવાલ માર્કોએ તેના પોતાના પુસ્તકમાં સવિસ્તર આલેખ્યો છે. માર્કો મહાન લેખક પણ હતો.
અગિયારમી સદીમાં મહંમદ ગઝનીએ સોમનાથ સુધી આવી ભારતને ખૂબ લૂંટી ગયો હતો, તેમ છતાં માર્કોએ તેના પુસ્તકમાં તેરમી સદીમાં ભારતની જાહોજલાલીના ખૂબ જ વખાણ કર્યાં છે. માર્કોના પુસ્તકે જ કોલંબસને ભારત આવવાની ખૂબ જ પ્રેરણા મળી હતી. ત્યારના સમયે દરિયાઈ નકશા અને દેશોના વચ્ચેના અંતરોની દરિયાઈ ખેડૂઓને પણ જાણ ન હતી. સ્પેનથી હિન્દ ૧૦,૦૦૦ ઊંળ દૂર છે પણ દરિયાઈ નકશા તેને ૫૦૦૦ ઊંળ દૂર દર્શાવતું હતું. યોગાયોગ સ્પેનથી ૫૦૦૦ ઊંળ ના અંતરે લેન્ડ આવી ગયો તેથી કોલંબસ માનવા લાગ્યો કે તે હિન્દ પહોંચી ગયો છે, પણ તે અમેરિકા જઈ ચઢ્યો હતો. પૃથ્વીના પશ્ર્ચિમ ગોળાર્ધ પર લગભગ માત્ર એક એવા અમેરિકા મહાદ્વીપની શોધ કરવા કોલંબસ યશસ્વી બન્યો હતો. તે ૧૪૯૨ની સાલ હતી.
માર્કો પોલોએ જતી વખતે જમીન પર પ્રવાસ કર્યો હતો, પણ કોલંબસે સમુદ્રમાર્ગે પ્રવાસ કર્યો હતો. કારણ કે જમીનમાર્ગ પર મુસ્લિમ હકૂમત હતી અને યુરોપના લોકો તે માર્ગે મૃત્યુને ભેટવા જ જઈ શકતા.
માર્કો પોલો, તેના પિતા અને કાકાએ વેનિસથી સાંગતુ જવા સિલ્કરૂટ પકડ્યો હતો. તે વેપારી કારવાં માટે સલામત માર્ગ હતો. માર્કો પોલો બીજી સહસ્રાબ્દિનો મહાન બુદ્ધિશાળી વિજ્ઞાની પ્રવાસી હતો. સિલ્કરૂટ પશ્ર્ચિમમાંથી પૂર્વમાં જતો હતો અને અત્યારે પણ ભગ્નાવસ્થામાં છે. તે ૬૪૦૦ કિ.મી. લાંબો હાઈ-વે હતો અને હાલમાં પણ ભગ્નાવસ્થામાં છે. તે અવન્ત, અફઘાનિસ્તાન, તાકલા માકનરણ, ભારતના કાશ્મીર ઉપરથી અને તાસ્કંદ અને ચીનની દીવાલની નજીકમાંથી પસાર થતો ધોરીમાર્ગ હતો. આજે તો તે ધૂળ ખાય છે, પણ તે જમાનામાં સિલ્કરૂટની જાહોજલાલી હતી. તેના પર બીજા અગત્યનાં શહેરો અને સ્થળો આયાશ, જયોર્જિયા, ઈસ્તંબૂલ, દમાસ્કસ, અહારતની ગિરિમાળા, સાબા કરસન, બાલાખ બાદક્ષન, બામિઆની ખીણ, ફરધાના, ઉત્તર કાશ્મીરની ગિરિમાળા કશગર સીંકયાંગ અને સીઆન છે.
અફઘાનિસ્તાનમાં આવેલી બામીઆ ખીણ ૧૬૦૦ વર્ષ પૂર્વે સ્થાપિત વિરાટ બુદ્ધમૂર્તિ માટે જાણીતી છે. આ વિરાટ બુદ્ધમૂર્તિઓને તાલિબાનોએ તોડી પાડી છે. સિલ્કરૂટ માર્ગે જ બુદ્ધધર્મ ભારતમાંથી ચીન પહોંચ્યો હતો જ્યારે સૌ પ્રથમ બુદ્ધ સાધુ કુમારજીવ હિન્દથી ચીન ગયા હતા અને ત્યાં બુદ્ધધર્મનો પ્રચાર કર્યો હતો. આજે પણ ઘણા ચીની લોકો બૌદ્ધધર્મી છે. સિલ્કરૂટના માર્ગે જ સિક્ધદર ધ ગ્રેટ એલેકઝાન્ડ્રિયાથી ભારત સુધી આવ્યો હતો અને આ જ માર્ગે ચંગીઝખાને અફઘાનિસ્તાન અને કાશ્મીરના ઉત્તરે રહેલા ભારત પર કાળો કેર વર્તાવ્યો હતો. આ ભારતમાં એ જમાનો હતો જ્યારે રાજા નરસિંહદેવ પ્રથમે ભારતમાં ઓરિસ્સામાં ભુવનેશ્ર્વર નજીક કોર્નાકનું સૂર્યમંદિર બાંધતા હતા.
આ જગવિખ્યાત સૂર્યમંદિર વિરાટ સૂર્યરથના આકારનું છે. તેને ૧૨ જોડી પૈડાં છે. ૧૨ જોડી ચક્રો શુક્લ પક્ષ – કૃષ્ણ પક્ષ સહિત ૧૨ મહિનાનો નિર્દેશ કરે છે અને દરેક મહિનામાં અજવાળિયાં અને અંધારિયાનાં બે પખવાડિયાં હોઈ એક જોડી ચક્રો પૂરા મહિનાનો નિર્દેશ કરે છે. દરેક ચક્રમાં આઠ આરા છે જે દિવસના આઠ પ્રહરનો સંકેત કરે છે. આ રથને સાત ઘોડા છે. આ સાત ઘોડા અઠવાડિયાનાં સાત દિવસ અને પ્રકાશના મેઘધનુષના સાત રંગોનો નિર્દેશ કરે છે.
જ્યારે કોનાર્ક સૂર્યમંદિર બંધાયુ ત્યારે તેની ઊંચાઈ ૨૨૭ ફૂટની હતી. ભારતમાં આટલું ઊંચું આ પ્રથમ મંદિર હતું, એટલે કે તે ૧૫ માળના મકાન જેટલું ઊંચું હતું, જેના એક માળની ઊંચાઈ લગભગ ૧૫ ફૂટની હોય. સૂર્યરથ કાળગતિનો નિર્દેશ કરે છે.
કોનાર્ક સૂર્યમંદિર તેરમી સદીના મધ્યભાગમાં બંધાયું હતું. તે ખૂબ જ મજબૂત રીતે બંધાયું હતું. માત્ર તેના શિખરનો ભાગ બાકી હતો, ત્યારે એક જોશીએ રાજાને કહ્યું કે તમે છ મહિનામાં આ મંદિર પૂર્ણ કરી લેશો તો તમારું ભાગ્ય ઝળકશે, નહીં તો તે બગડશે. આમ જોશીએ રાજાના મગજમાં શંકા ઘાલી દીધી. રાજાએ સ્થપતિને એ મંદિર શિખર સહિત છ મહિનામાં પૂર્ણ કરવાનું કહ્યું. સ્થપતિ મહાન હતો અને તેના કાર્યમાં તે પ્રવીણ હતો અને તેના કાર્ય માટે ગર્વાન્વિત હતો. સ્થપતિએ રાજાને ચોખ્ખી ના પાડી દીધી, અને કહ્યું કે આટલા ટૂંકાગાળામાં મંદિરનું શિખર મજબૂત રીતે બાંધી શકાય નહીં. એમ કરી હું મારા કામ અને નામને બગડવા દઉં નહીં. રાજા-વાજા અને વાંદરા, રાજાએ મંદિરના શિખર બાંધવાનો કોન્ટ્રાક્ટ (ઠેકો) બીજા સ્થપતિને આપ્યો કે જે છ મહિનામાં મંદિર બાંધી આપે. એ સ્થપતિને તો રાજા પાસેથી ધન જ જોઈતું હતું. એને મંદિર ટકે કે તૂટે તેની સાથે તેને મતલબ ન હતો. એ સ્થપતિએ તો મંદિર બંધારણના સિદ્ધાંતો અવગણી મંદિર બાંધી આપ્યું પણ તેનું ચણતર નબળું રહી ગયું. ૧૬૧૦માં મંદિરનું શિખર નીચે આવી ગયું (તૂટી પડ્યું). કોનાર્ક મંદિરનું ચણતર માર્કો-પોલોના સમયમાં થયું હતું. જ્યારે કોનાર્કના મંદિરનું શિખર નીચે પડતું હતું, બરાબર તે જ દિવસોમાં ગેલિલિયો પોતાના બનાવેલાં નાના દૂરબીન વડે સૂર્યનું અધ્યયન કરતો હતો. ત્યારના દિવસોમાં યુરોપમાં વિજ્ઞાનનો વિકાસ થતો હતો અને ભારતમાં કલા-કારીગરી અને સ્થાપત્યનો વિકાસ થતો હતો. માર્કો પોલોનો સમય બે ખગોળીય ઘટના સાથે સંબંધ ધરાવે છે.
અંગ્રેજો સામે ટીપુ સુલતાનને હરાવનાર પણ જોષીઓ જ હતાં. ખોટા ખોટા મુહૂર્ત કાઢી ટીપુને અંગ્રેજો સામે લડાઈમાં મોડું કરાવ્યું, અંગ્રેજોનું લશ્કર રંગપટનમ્ પર ચઢાઈ કરવા આવી ગયું અને બળવાન ટીપુ હારી ગયો.
જેમ મહારાણા પ્રતાપની તલવાર અને બરછી એટલા ભારે હતા કે આપણે તેને ઉપાડી શકીએ નહીં. તેના બખ્તરના ભારની તો વાત જ ન કરાય. તેમ ટીપુ સુલતાનની તલવારો પણ ખૂબ જ ભારે હતી. તે બંને હાથે તલવારો વીંઝી શકતો. તે એટલો બહાદુર હતો કે વાઘના બે ફાડિયા કરી નાંખતો. તેનો ખોરાક પણ ખૂબ જ હતો. તેનું રણમેદાનમાં મૃત્યુ થયું તો લોકો કે અંગ્રેજ લશ્કર માનવા તૈયાર ન હતું. તેના શબ પાસે જતાં અંગ્રેજ લશ્કરના જવાનો અને લોકો ડરતા અને જવા તૈયાર ન હતાં.

RELATED ARTICLES

Most Popular