ચાલતી લોકલ ટ્રેનમાં લટકીને ટ્રાવેલ કરવાનું યુવકને પડ્યું મોંઘું

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં કલવા અને થાણેની વચ્ચે ચાલતી લોકલ ટ્રેનના મોટરકોચના દરવાજે લટકીને ટ્રાવેલ કરવાના કિસ્સામાં અઢાર વર્ષનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. આ અકસ્માતનો વિડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુવાનોને મોજમસ્તી ખાતર દરવાજે અથવા મોટરકોચ પર લટકીને ટ્રાવેલ કરવાની વાતને વખોડી નાખી હતી.
૨૩મી જૂનના ગુરુવારના સવારે ૯.૩૦ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ડોંબિવલીથી સીએસએમટી જતી લોકલ ટ્રેન યુવકે પકડી હતી. લોકલ ટ્રેનના કોચમાં ટ્રાવેલ કરવાને બદલે એ યુવકની સાથે અન્ય ત્રણેક યુવાનો સાથે મોટરકોચમાં લટકીને ટ્રાવેલ કરતો હતો. કલવા સ્ટેશન પસાર થયું ત્યાં ૨૦૦ મીટરના અંતરેના રેલવેના થાંભલાને હાથ અથડાયા બાદ યુવકે બેલેન્સ ગુમાવતા તે ટ્રેક પર પડ્યો હતો. લોકલ ટ્રેનની એટલી ઝડપ હતી કે એ જ વખતે યુવક ફૂટબોલ માફક ફંગોળાઈને ટ્રેક પર પડ્યો હતો. ચાલતી લોકલ ટ્રેનમાંથી એ યુવક પડ્યા પછી અન્ય યુવક આવીને તેને કલવા ખાતેની હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકની ઓળખ દાનિશ જાકીર હુસૈન ખાન (૧૮ વર્ષ) નામે કરવામાં આવી હતી. તે કલવાનો રહેવાસી તથા દાદરમાં મજૂરીનું કામકાજ કરે છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું. યુવકને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં તેના હાથપગની સાથે માથાનો સમાવેશ થાય છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.