Homeઉત્સવવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ભવ્ય ભૂતકાળ અને વર્તમાનનો સુંદર સમન્વય

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ભવ્ય ભૂતકાળ અને વર્તમાનનો સુંદર સમન્વય

ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી

આજના વૈશ્ર્વિકીકરણના યુગમાં જ્યારે સમગ્ર વિશ્ર્વ એક રંગે રંગાઈ રહ્યું છે તેવા માહોલમાં દરેક પોતાની આગવી સંસ્કૃતિ અને ઓળખ ગુમાવતા જાય છે. આવા સંજોગોમાં આજે પણ અમદાવાદ પોતાની વૈવિધ્યસભર લાક્ષણિકતાઓ સાચવીને બેઠું છે. યુનેસ્કો દ્વારા સમગ્ર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો આપવામાં આવેલો છે. અમદાવાદ એટલે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી. આ દરજજો જ અમદાવાદનું હેરિટેજ મહત્વ દર્શાવે છે. અમદાવાદમાં અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરો આવેલી છે. ભવ્ય ભૂતકાળ અને વર્તમાનનો સુંદર સમન્વય તમને અમદાવાદમાં જોવા મળશે. પરંતુ તેના માટે સમય કાઢી વહેલી સવારે અમદાવાદના પોળની ગલીઓમાં અને ઉત્કૃષ્ટ સ્થાપત્યોમાં ભટકવું પડે કેમ કે દિવસ દરમ્યાન તો ત્યાં શાંતિથી ફરી શકાય એવી જગ્યા દીઠી ન મળે. ક્યારેક કેફે કે રેસ્ટોરન્ટને છોડી સાંકડી ગલીઓમાં ઊભેલી લારીઓના સ્વાદને ચાખશો તો તમને તેમાં અમદાવાદનો અસલી સ્વાદ મળશે. અમદાવાદની ઓળખ સમાન પોળ અને મધ્યકાલીન સમયના કેટલાંક સ્થાપત્યો અમદાવાદને હેરિટેજ સિટી બનાવે છે. આપણે હવે અમદાવાદની ગલીઓમાં રખડીને, સદીઓ પૂર્વે બંધાયેલાં સ્થાપત્યોના પથ્થરોમાં જીવંત વાર્તાઓ સાંભળવા નીકળી પડીએ.
અમદાવાદ વિવિધ ધર્મ, જાતિ, ઉદ્યોગ, વ્યાપારી અને કારીગરોના સંગમનું સ્થળ છે. અમદાવાદમાં હિંદુ, મુસ્લિમ, જૈન, શીખ, પારસી વગેરે ધર્મનાં માણસોનું જાણે કીડીયારું ઉભરાયું હોય તેવા માનવ મહેરામણને પાળતું પોષતું અમદાવાદ એક શહેર તરીકે સમગ્ર વિશ્ર્વમાં અનન્ય ઓળખ ધરાવે છે. સદીઓથી પરંપરાના વહેણો અમદાવાદની ધરતી પર વહેતાં આવ્યાં છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવામાં અમદાવાદની પોળનું પણ ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. આ પરંપરાને જાળવી રાખવા અને આવનારી પેઢીમાં હસ્તાંતરિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવે છે જેથી યુવાવર્ગ આપણી ધરોહરથી પરિચિત થાય અને રસ કેળવતા થાય. આ વોકને મંદિરથી મસ્જિદની વોક પણ કહેવામાં આવે છે. મુસ્લિમ સ્મારકો, હિંદુ મંદિર અને જૈન દેરાસર અને લોકજીવનનો સમન્વય આ હેરિટેજ વોકમાં થાય છે.
આ હેરિટેજ વોકની શરૂઆતમાં કાલુપુર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિરથી થાય છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું આ મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયનું સર્વપ્રથમ મંદિર છે.ભગવાન શ્રી સ્વામીનારાયણના માર્ગદર્શન અને સૂચનાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બર્માટિકનો ઉપયોગ કરીને મંદિરની સુંદર થાંભલીઓ પર બારીકાઈથી કોતરણી કરવામાં આવેલ છે અને સુંદર પ્રાકૃતિક રંગોથી રંગપુરણી કરેલ છે. અહીંના પ્રાંગણમાં ભગવાન શ્રી સ્વામીનારાયણ હોળીમાં રંગોત્સવ ઉજવેલો હતો. મંદિરનું સુંદર બાંધકામ, ઝરોખાઓ , કોતરણી, રંગોના વૈવિધ્ય સાથે અનન્ય છે. ભવ્ય હવેલી અને ઝરોખામાં ઉડતા કબુતરો જાણે મંદિરમાંથી શાંતિનો સંદેશો ફેલાવી રહ્યા હોય એવો આભાસ થાય. અહીંથી હેરિટેજ વોકની શરૂઆત થાય છે. ભગવાન સ્વામીનારાયણના મંદિરથી વોક કવિ દલપતરામના ચોક પર જાય છે. અહીં આદ્ય ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી દલપતરામના ઘરે પ્રસ્થાન થાય છે. અહીં ગુજરાતની જૂની શેરીઓ અને ખાસ કરીને અમદાવાદની પોળમાં જોવા મળતા ઓટલા પર બેઠેલા કવિ દલપતરામનું પૂતળું મૂકવામાં આવ્યું છે. આ સ્ટેચ્યૂ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે લોકો આસપાસ આવીને કવિ શ્રી દલપતરામ પાસે ઘરના સભ્યો જેમ બેસી શકે અને તેમના હાથમાં એક પુસ્તક અને એક પગ ઓટલા પર ચડાવીને બેસેલા જ્યારે બીજો પગ નીચે છે અને તેમના એક પગરખાંમાં પગ નથી જેથી કદાચ વડીલોના ચપ્પલ પહેરવા ઉત્સાહિત બાળકોએ પગરખાં પહેરી એમના થોડા સંસ્કાર મેળવી શકે. કવિ દલપતરામના ચોકથી થોડી આગળ લાંબેશ્ર્વરની પોળમાં એક સુંદર મજાનો લીલો ચબૂતરો આવે છે. જેના સ્તંભ પર બારીક અને સુશોભિત નકશીકામ થયેલું છે. વધુ વૃક્ષો ન હોવાના કારણે આવાં બાંધકામો કરવામાં આવતાં તેના રંગો પણ પક્ષીઓને અનુકૂળ ઝાડના રંગો મુજબ રાખવામાં આવતા. આસપાસના બાળકો ઘેરઘેરથી દાણાઓ એકઠા કરી ચબૂતરાની સીડીઓ પર ચડીને પક્ષીઓને દાણા નાખી શકે.
હવે આગળ પોળનો પ્રવાસ શરૂ થશે સામાન્ય રીતે અલગ અલગ જાતિ, ધર્મ અને વ્યવસાય ધરાવતા લોકોના સમૂહનો સામૂહિક વસવાટ. દરેક પોળમાં
આવવા જવા માટે એક અથવા બે જ માર્ગો રહેતા. દરેક પોળમાં અમુક વસ્તુઓ સમાન હતી. જેમ કે પોળમાં દાખલ થવાનો રસ્તો, જે ધર્મ કે જાતિના લોકો વસવાટ કરતા હોય તેમને અનુસાર એક નાનું ધાર્મિક સ્થાન, એક કૂવો , એક ચબૂતરો અને પોળ પર ચોકી કરવા માટે ઝરોખા જેવું બાંધકામ દરેક પોળમાં સામાન્ય રહેતા. પોળમાં દરેક ઘરની બહાર બેસવા માટે ઓટલા બનાવવામાં આવતા. મકાનો એકબીજાથી અડોઅડ બનાવવામાં આવેલા છે. આટલાં વર્ષો પછી પણ આજે આ પોળો અડીખમ ઊભી છે. આ દરેક પોળના નામ પણ તેની કોઈ વિશેષતા પરથી જ રાખવામાં આવેલા છે અમદાવાદમાં આશરે ત્રણસોથી ચારસો પોળ આવેલી છે. લાંબેશ્ર્વરની પોળથી આગળ નીકળી રિલીફ રોડ (જે ખરેખર ટ્રાફિકના રિલીફ માટે બનાવેલો હતો ત્યાં આજે સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે.) ક્રોસ કરતા સામે હાજા પટેલની પોળ છે. ત્યાં કેલિકો ડોમ આવેલું છે. તેને ગીરા સારાભાઈ અને ગૌતમ સારાભાઈ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. અહીં અમદાવાદના પ્રથમ ફેશન શૉનું આયોજન થયું હતું જેમાં પરવીન બાબીએ પણ ભાગ લીધો હતો. હાલ અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમારકામ શરૂ છે.
અહીંથી આગળ ખારા કૂવાની પોળ છે. તેના નામ મુજબ ત્યાંના કૂવાનું પાણી ખારું છે આથી ખારા કૂવાની પોળ એવું નામ પડ્યું. પોળના પ્રવેશના મોટા ડેલા ઉપર ઝરોખા જેવું બાંધકામ છે જેનાથી દૂર સુધી નજર રાખી શકાય. અહીં કાલા રામજી મંદિર આવેલું છે.આ મંદિર ત્રણસો પચાસ વર્ષથી પણ વધુ જૂનું છે.આ એક હવેલી મંદિર છે જેમાં નીચેના ભાગમાં મંદિર અને ઉપરના ભાગમાં નિવાસ માટેની જગ્યા રાખવામાં આવેલી છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભગવાન રામની મૂર્તિ બેઠેલી અવસ્થામાં છે જેમાં હનુમાનજી સાથે નથી અને મૂર્તિનો રંગ કાળો છે. આ રામજી મંદિરની મૂર્તિ કસોટી સ્ટોનમાંથી બનેલી છે કે જેનો ઉપયોગ સોનાને પરખવા માટે થાય છે. આ હવેલી મંદિરમાં સુંદર કોતરણી કામ જોવા મળે છે. અમદાવાદની પોળ એટલે ભલે વિસ્તારોમાં સાંકડી પણ જીવનને ખૂબ જ વિશાળતા અને સમગ્રતા સાથે જીવી-જાણવાવાળા લોકો અહીં વસે છે. રસ્તાઓ કદાચ સાંકડા છે પરંતુ અહીંના લોકોના દિલ વિશાલ છે. પક્ષીઓ માટેના ઠેર ઠેર મૂકેલા ચબૂતરાઓ તેમનો અન્ય જીવો પ્રત્યેનો પ્રેમભાવ દર્શાવે છે. પોળના ઓટલે બેઠેલા વૃદ્ધોએ આનંદથી પોતાનું જીવન પસાર કર્યું હશે. આ જ ઓટલાઓ પર ભૂતકાળમાં લાંબી ચર્ચાઓ ચાલી હશે. હાસ્યના ફુવારોઓ છૂટ્યા હશે તો ક્યારેક મનનો ભાર હળવો કર્યો હશે. અમદાવાદની પોળ એ માત્ર
રહેણાંકનું સ્થાન નથી તે અમદાવાદનો એક જીવંત અને ધબકતો વારસો છે. વાસ્તવિક અમદાવાદ પોળમાં વસેલું હતું. આગળની સફર આવતા અઠવાડિયે શરૂ રાખીશું. અમદાવાદની બીજી પોળથી માંડી હવેલી, દેરાસરો અને મસ્જિદની મુલાકાત આગળ ધપાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -