Homeઉત્સવ૨૧ માર્ચ: આંતરરાષ્ટ્રીય જંગલ દિવસ: ભારતનાં અદ્ભુત જંગલો, અરણ્યનો વૈભવ અને જંગલોનું...

૨૧ માર્ચ: આંતરરાષ્ટ્રીય જંગલ દિવસ: ભારતનાં અદ્ભુત જંગલો, અરણ્યનો વૈભવ અને જંગલોનું આપણા જીવનમાં મુખ્ય પ્રદાન

ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી

આપણી સંસ્કૃતિમાં અરણ્ય વસેલું છે. આપણે સહુ ભારતીય અરણ્યમાંથી જ તો ઉછર્યા છીએ. અરણ્યને નજીકથી જાણવા પ્રયત્નો કરીએ તો એનાં વાત્સલ્યને આજે પણ અનુભવી શકીએ. જંગલ સાથે સંવાદ કર્યો અને સમજી શકયો કે જંગલ એટલે કુદરતે સર્જેલી પાઠશાળા, જ્યાં કુદરતના નિયમો એ જ એની કિંમત છે. અહીં બસ કુદરતનાં સાક્ષી બનીને જ કુદરતને માણી શકાય. હંમેશાં જંગલ મને વ્હાલથી આવકાર આપે. હવા સાથે પર્ણોનો વાર્તાલાપ, પંખીઓનો કલરવ, તમરાઓની ગૂંજ, વાઘની ત્રાડ, હરણાઓનો કોલ, ઘુવડનો અલાર્મ કોલ આ સઘળું એમના આવકારના સંકેતો છે. જંગલ આખુંયે આ પ્રભાવક જીવોનું ઘર છે અને તેઓએ ક્યાકેય મને ધુત્કાર્યો નથી.જંગલનાં પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને કંઈક સારું, અલગ અને નશીલું લાગે છે. દોસ્ત, જંગલ એ નશો છે જે દુનિયાનાં કોઈ પણ નશાની તોલે ન આવે. ભારતનાં અદભુત જંગલોમાં વિવિધ પ્રકારનાં જંગલોનો સમાવેશ થાય છે જેમાં ઉષ્ણકટિબંધ બારમાસી જંગલો, લીલા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, મિશ્ર જંગલો, શંકુદ્રુમ જંગલો, કાંટાળાં જંગલો, અફાટ રણપ્રદેશો, તરાઇનાં જંગલો, ઘાસિયા મેદાનો, સમુદ્રકાંઠાનાં મેન્ગ્રુવ્સ અને સ્વેમ્પ જંગલો, દરિયાઈ પરવાળાનું ગજબ વિશ્ર્વ, વિશાળ નદીઓનાં પટમાં આવેલા મેદાની પ્રદેશો વગેરે. તરાઈનાં જંગલોમાં પહેલી વાર ગયો ત્યારથી જ એવું અનુભવ્યું કે હિમાલયનો આ હિસ્સો સાવ અલિપ્ત અને તપસ્વી જોગીની માફક એની પોતાની જ ધૂનમાં મસ્ત હોય અને એક અલગ જ રાગ છેડતો હોય. અહીંના વાઘ પણ મસ્ત મગન થઇને ફરતા હોય, હરણાંઓ અહીં તહીં કુદતા હોય, બારાસિંઘા સૂર્યની ગરમીમાં મસ્તી કરતા હોય અને સૂર્યનાં કિરણો પર્ણોમાંથી ગળાઈને હસતા ઘાસને હૂંફ આપતા હોય અને માટીમાંથી નશીલી સુગંધ મનને તાજગી આપતી હોય. આ બધાની સામે કયું ભૌતિક સુખ વ્હાલું લાગે? મારા માટે આખું વર્ષ જ ટૂરિઝમ વર્ષ, કેમ કે જે જગત મેં ગઈ કાલે દીઠું એવું મેં આજે નથી જોયું અને આવતી કાલે કદી નથી જોઈ શકવાનો તો ક્યારેક જંગલ જઈશું એવું બહાનું શું કામ?
આગામી ૨૧ માર્ચે આવનાર ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે ની થીમ ફોરેસ્ટ્સ ઍન્ડ હેલ્થ છે જે જંગલો થકી આપણા જીવનમાં સ્વાસ્થ્યનાં મુખ્ય પ્રદાન તરફ અંગુલિનિર્દેશ કરે છે. જંગલો દ્વારા જળ અને વાતાવરણ તો શુદ્ધ કરવામાં આવે છે આ ઉપરાંત કાર્બનનું શોષણ કરીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે અને જીવન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. જંગલોમાં હંમેશા આપવાની વૃત્તિ જ હોય છે. શ્રેષ્ઠ જીવન બક્ષતા દરેક તત્ત્વો આ જંગલો પ્રદાન કરે છે. જીવન બચાવવા સક્ષમ એવી ઔષધિઓ અને જડીબુટ્ટીઓ, ફળો અને ખોરાક અને ઉમદા સ્વાસ્થ્ય આ જંગલો જ તો બક્ષે છે. જંગલનું સ્વાસ્થ્ય એટલે આપણું સ્વાસ્થ્ય અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા જંગલ સાથે હાથ મિલાવીને જંગલને સમજીએ, એને અનુરૂપ બનીએ અને એને ખીલવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ તો જ આપણે કુદરતનાં સાચા રખેવાળ બની શકીએ. જંગલોને બચાવવાં એ
આપણી સહુ કોઈને ફરજ છે પણ એને બચાવવા માટે જંગલોને જાણવા ખૂબ જ જરૂરી છે જેથી એટલું સરળતાથી સમજી શકાય કે શું ન કરવું જોઈએ. ઘણી વખત જંગલો કે કુદરતને બચાવવાના પ્રયત્નો કરવા કરતા દખલ ન કરીએ તો કુદરતનાં વિકાસને રૂંધતો ચોક્કસ અટકાવી શકીએ. દરેક સ્થળ દરેક વૃક્ષો માટે નથી બનેલા હોતા કે દરેક સ્થળને દરેક જાતનાં વૃક્ષો અનુરૂપ નથી હોતા. આપણે ટૂંકમાં ભારતના વિવિધ પ્રદેશમાં આવેલાં જંગલો અને તેના પ્રકારને સમજીશું તો સરળતાથી સમજી શકીશું કે આપણે જંગલોનાં વિકાસ માટે ખરેખર શું કરી શકીએ.
ભારતમાં આવેલ ઉષ્ણકટિબંધ બારમાસી જંગલો (ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ) જે ભારતમાં ૨૦૦ સેમી કરતાં વધારે વરસાદ ધરાવતા સ્થળોએ જોવા મળે છે જે ભારતમાં પશ્ર્ચિમી ઘાટ, ઉત્તર-પૂર્વીય (નોર્થ-ઇસ્ટ) ભારતીય ઉચ્ચપ્રદેશ અને આંદામાન નિકોબાર તથા લક્ષદ્વીપ સમૂહનાં ટાપુઓ જેવા વિસ્તારને આવરી લે છે. આ વિસ્તાર હંમેશાં લીલોતરીથી છવાયેલો જ જોવા મળે છે. આ પ્રકારનાં જંગલો ખૂબ જ ગીચ અને ખૂબ ઊંચાઈ ધરાવે છે. સીસમ, મહોગની જેવાં વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે. ખૂબ જ ઊંચાઈ પર વધતાં વૃક્ષો ત્યાર બાદ મધ્યમ ઊંચાઈનાં વૃક્ષો અને જડીબુટ્ટી કે ઔષધિય વૃક્ષો એમ ત્રણ આવરણો આ પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે. ઊંચાઈ અને વિશાળ આવરણનાં કારણે જમીન પર ઓછી માત્રામાં સૂર્યપ્રકાશ પહોંચે છે જેથી અહીં ઘાસ કે અન્ય નાની જાતોનાં વૃક્ષોનો વિકાસ થતો નથી. આ ક્ષેત્રોથી નીચેનાં વિસ્તારમાં સેમી એવરગ્રીન જંગલો જોવા મળે છે જેમાં દેવદાર જેવા વૃક્ષો થાય છે. અહીં એવરગ્રીન જંગલોનાં પ્રમાણમાં ઓછો પણ પાનખર જંગલો કરતાં વધારે વરસાદ પડે છે એટલે એમાં બારમાસી જંગલોનાં વૃક્ષો પણ જોવા મળે છે જેને પ્રમાણમાં વધારે ભેજની જરૂર પડે છે. સિક્કિમ, અરુણાચલપ્રદેશ, જેવા વિસ્તારો આ પ્રકારનાં જંગલો માટે જાણીતાં છે.
પાનખર જંગલો (ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ) જે શિયાળાથી ઉનાળાની વચ્ચેની મોસમ દરમ્યાન આવરણોની જેમ પર્ણો બદલે છે અને ચોમાસામાં ફરી લીલોતરી ધારણ કરે છે. ભારતનાં મોટા ભાગનાં વિસ્તારને આ પ્રકારનાં જંગલોએ આવરી લીધો છે. ઉનાળા દરમ્યાન ભેજનાં પ્રમાણને જાળવી રાખવા અહીંનાં વૃક્ષો પોતાનાં પર્ણો ખેરવી મૂકે છે. અહીંનાં જંગલોમાં સાગ, સાલ, ચંદન, મહુડાં જેવી પ્રજાતિઓનાં વૃક્ષો જોવા મળે છે. જિમ કોર્બેટ નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક, બાંધવગઢ નેશનલ પાર્ક વગેરે આ પ્રકારનાં જંગલોનાં ઉદાહરણો છે. નિસર્ગની પ્રકૃતિ શાંત છે, ગંભીર છે. જંગલ સાથે ભયને કશી જ લેવાદેવા નથી હોતી. જો જંગલો ભયાવહ જ હોત તો દરેક જીવમાત્રને એ ક્યારેય ન આકર્ષી શકત. જંગલ કુદરતનું એવું રૂપ છે જે સ્પષ્ટ પણે જોઈ શકાય છે. હું કુદરતમાં વિશ્ર્વાસ કરું છું અને એને હું હંમેશાં જંગલોમાં જ જોઉં છું. નેપાળની સરહદે આવેલ પીલીભીત ટાઇગર રિઝર્વ અને દૂધવા નેશનલ પાર્ક ભારતનાં સુંદર તરાઈનાં જંગલોમાંનું એક છે. આ જ પ્રકારમાં સૂકાં પાનખર જંગલો (ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ) પણ જોવા મળે છે જેમાં ખેર, બોરડી, બાવળ, સાગ, જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. ગુજરાતનું સાસણગીર, શૂળ પાણેશ્ર્વર, રાજસ્થાનનું રણથંભોર વગેરે આ પ્રકારનાં જંગલોનાં ભાગ છે.
કાંટાળા વનો જે (થોર્ન ફોરેસ્ટ) જે પચાસ સેમી કરતાં પણ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારને કાંટાળાં જંગલો આવરી લે છે. મુખ્યત્વે રાજસ્થાન, પંજાબ અને ઉત્તર ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં આ પ્રકારનાં કાંટાળા જંગલો આવેલાં છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક પણ આવાં જ કાંટાળા જંગલોનો વિસ્તાર ધરાવે છે. કચ્છના બન્નીના વિસ્તારો, અરવલ્લીનાં જંગલો રાજસ્થાનનાં જંગલો વગેરે આ પ્રકારનાં જંગલો ધરાવે છે. અહીં બાવળ, ખીજડા, પીલું, ગુગળ જેવા વૃક્ષો જોવાં મળે છે. સાવ જ શુષ્ક વિસ્તારમાં થોરની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. રણ પ્રદેશોમાં ચોક્કસ પ્રકારનાં ઘાસ જેવા કે મોરડ જેવી પ્રજાતિ થાય છે તો વળી ક્યાંક ક્યાંક ગૂગળ, પીલુડી જેવાં વૃક્ષો પણ જોવા મળે છે. કચ્છનું નાનું રણ, બનાસકાંઠાનું રણ જે આ પ્રકારના શુષ્કપ્રદેશો માટે જાણીતા ઉદાહરણ છે. આ પ્રકારનાં વૃક્ષોને ભેજ અને પાણીની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે, પરિણામે કાંટાનું પ્રમાણ વધારે હોય છે. આવાં જંગલોનાં મૂળિયાં ઊંડા ફેલાયેલા હોય છે પરિણામે ખૂબ જ ઓછી માત્રામાં પાણી મળે તો પણ સંગ્રહ કરી શકે.
શંકુદ્રુમ કે પર્વતીય જંગલો જે ઊંચાઈઓ પર આવેલાં ક્ષેત્રોને આવરી લે છે. ૩૦૦૦ મીટરથી વધારે ઊંચાઈએ આવેલા હિમાલયના વિસ્તારોમાં આવેલાં જંગલો શંકુદ્રુમ જંગલો તરીકે ઓળખાય છે. હંમેશાં સદાબહાર રહેતા આ જંગલોમાં નહિવત પ્રમાણમાં ઘાસ થાય છે. મનાલીથી ઉપરનો વિસ્તાર, કિન્નોર વગેરે આ પ્રકારનાં જંગલોનું ઉદાહરણ છે. વધારે ઊંચાઈએ જતા અલ્પાઇન જંગલો જેમાં ફૂલોનાં છોડવાની વિશાળ ઘાટી, ઔષધિઓ વગેરે થાય છે. ઉત્તરાખંડમાં આવેલ વેલી ઓફ ફ્લાવર્સ, સિક્કિમમાં આવેલ નાથંગ વેલી, યુમાથંગ વેલી વગેરે આ પ્રકારનાં જંગલોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીંની પ્રજાતિમાં મુખ્યત્વે રોડોડેડ્રમ નામનાં ગુલાબી ફૂલોનાં છોડવાઓ ખૂબ જાણીતા છે. આથી વધારે ઊંચાઈ પર જતા ધ્રુવીય વનસ્પતિ જેમાં વિશિષ્ટ પ્રકારની શેવાળ, ફૂગની જાતો વગેરે જોવા મળે. ખૂબ જ નીચા તાપમાનના લીધે અહીં બીજું ખાસ કશું જોવા ન મળે. લદાખમાં આવેલ ચંગથંગ વાઇલ્ડલાઇફ સેન્કચ્યુરી, ચુમાથંગ વગેરે ધ્રુવીય વનસ્પતિનાં જંગલોનાં ઉદાહરણો છે.
મેન્ગ્રૂવ્સ ફોરેસ્ટ જે દરિયાઈ કાંઠાઓમાં આવેલા વિસ્તારો આવરી લે છે. ભારતમાં આંદામાન નિકોબાર, દક્ષિણ ભારત, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાતના કચ્છના અખાત અને મોટા ભાગના દરિયાઈ વિસ્તારમાં આ પ્રકારનાં જંગલો આવેલા છે. આખાયે વિશ્ર્વનાં કુલ મેન્ગ્રૂવ્સ વનોમાંથી ભારત ૭% જેટલો વનવિસ્તાર ધરાવે છે જે સહુથી વધારે પ્રમાણમાં છે. વિશ્ર્વનું સહુથી મોટું મેન્ગ્રૂવ્સ વન સુંદરવન છે જે પશ્ર્ચિમ બંગાળમાં આવેલું છે અને અહીંની વાઘની પ્રજાતિ માટે ખૂબ જાણીતું છે. આ સિવાય ઓડિશામાં આવેલ ભીતરકનિકા, તામિલનાડુમાં આવેલ પિચવરામ, આંધ્રપ્રદેશમાં આવેલ ક્રિષ્ના-ગોદાવરી અને આંદામાન નિકોબારનાં દ્વીપસમૂહોમાં આવેલ બારતાંગ પણ ખૂબ મોટા પ્રમાણમાં મેન્ગ્રૂવ્સની વિવિધ પ્રજાતિઓનું જંગલ ધરાવે છે. સમુદ્ર કાંઠાની માટીનું ધોવાણ અટકાવવાનું કામ આ મેન્ગ્રૂવ્સનાં જંગલો કરે છે. સુરતનાં હજીરા, કચ્છના અખાતના મોટાભાગનાં વિસ્તારમાં ગુજરાત વન વિભાગ દ્વારા મેન્ગ્રૂવ્સના વિશાળ પ્લાન્ટેશન તાજેતરમાં જ કરવામાં આવ્યા છે.
આ પાંચેય પ્રકારનાં અદભુત જંગલો આપણાં જીવનને ટકાવી રાખવા માટે અમૂલ્ય ભાગ ભજવે છે. યોગ્ય દિશામાં જંગલોનાં સંવર્ધન માટેના પ્રયત્નો કરીએ તો ચોક્કસપણે આપણે જંગલોનો વિનાશ રોકી શકીએ. જંગલો કે વૃક્ષો વાવવા માત્રથી જંગલોનું સંવર્ધન શક્ય નથી પણ જંગલ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને એને કુદરતી રીતે વિકસવા દઈએ તો પણ એ જાતે જ તેનો વિકાસ સાધી લેશે. ધારો કે આપણે અરવલ્લીનાં થોર્ન ફોરેસ્ટ વિસ્તારમાં ટ્રોપિકલ જંગલનાં પ્રકારનાં લીલોતરી વૃક્ષોને ઉછેરવા પ્રયત્નો કરીએ તો એ ત્યાંની સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષોને નુકસાન જ કરશે એ સાથે જે તે સ્થળનાં ગુણધર્મોને આધારિત વસવાટ કરતી પ્રજાતિઓ પણ પોતાનું રહેઠાણ ગુમાવી બેસશે. જરૂર કરતાં વધારે ભેજનું શોષણ કરતી વનસ્પતિઓ પાણીને ખેંચશે પરિણામે સ્થાનિક પ્રજાતિઓ વિકાસ ગુમાવી બેસશે. આમ આડકતરી રીતે ખોટી દિશામાં થતા પ્રયત્નો પણ ભયજનક પરિણામ નોતરે છે. અર્બન વિસ્તારોમાં જંગલોનાં વિકાસ માટે ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિ ખૂબ પ્રચલિત બની છે. ભચાઉમાં આઈ.પી.એસ. ઓફિસર શ્રી સુધા પાંડે એ સ્થાનિક પ્રજાતિઓનાં વૃક્ષો અને સ્થળ વિષે ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીને હજારો વૃક્ષોનાં જંગલો ઊભાં કરીને કુદરતી રીતે વિકસવાનો ઉમદા પ્રયત્ન કર્યો જેને આજે નિસર્ગે કુદરતી રીતે જ વધાવી લીધો અને અઢળક વન્ય જીવોને ઘર મળ્યું. ગુજરાતનાં પોળોનાં જંગલોમાં ધોળવાણી રેંજમાં વન પરિક્ષેત્ર અધિકારી શ્રી જયેન્દ્રસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ ખૂબ જ મોટું ઔષધિઓનું વન આવેલું છે જે આપણાં જંગલો કેટલી કિંમતી જડીબુટ્ટીઓ અને ઔષધી પૂરી પાડે છે એનું સચોટ ઉદાહરણ છે. એવી જ રીતે ડાંગનાં વઘઈમાં પણ આવો જ વિશાળ બોટનિકલ ગાર્ડન આવેલ છે.
ટૂંકમાં, આપણાં જંગલોને સમજીએ, જાણીએ, બાળકોને જંગલની મહત્તા સમજાવીએ અને સંવેદનશીલ બનાવવા પ્રયત્ન કરીએ એ જ કુદરતને આપણા તરફથી આપેલી સહુથી મોટી ભેટ હશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular