(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: દેશના મહાબંદર કંડલા ખાતે ટ્રાન્સપોર્ટરોને કનડતી વિવિધ સમસ્યાઓના મુદે વિવિધ પરિવહન સંગઠને હડતાળ પાડી દેતાં બંદરની ગતિવિધિ સ્થગિત થઇ જતાં અધિકારીઓમાં દોડધામ મચી હતી.
વિવિધ સ્તરે બેઠકોના દોર વચ્ચે ગાંધીધામ ચેમ્બર અને ધારાસભ્યની મધ્યસ્થી થકી ૩૬ કલાક બાદ કંડલા બંદર પુન: ધમધમતું થયું હતું.
હડતાળને પગલે પોર્ટની ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે પરિવહન સંગઠન, સ્ટીવડોર્સ એસો., સી.એચ.એ. એસો., પોર્ટ પ્રશાસનના અધિકારીઓની ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ટ્રાન્સપોર્ટ એસો. અને લેબર સપ્લાયર્સના પ્રતિનિધિઓએ આર.એફ.આઈ.ડી. સિસ્ટમને કારણે પડતી મુશ્કેલી, વાહનોના પાર્કિંગ, શિફટ બદલતી પ્રક્રિયામાં વેડફાતો સમય, વે-બ્રીજની અછત, પ્રવેશ ગેટની અપર્યાપ્તતા, સ્ટાફઘટ, ગેટ પાસની ઓછી અવધી, એમ્બ્યુલન્સ સેવાનો અભાવ, અકસ્માતોની ઘટનામાં વીમાના કલેઈમમાં થતી હાડમારી, પોર્ટમાં પેયજળ, કેન્ટીન, શૌચાલય સહિતના સુવિધાઓના અભાવના મુદે રજૂઆતો થઈ હતી. ચેમ્બર પ્રમુખે પરિવહનકારોની સમસ્યાઓને લઇને ઉઠેલા રોષને શાંત પાડતા દરેક મુદે પોર્ટ પ્રશાસન સમક્ષ ભારપૂર્વક રજૂઆતો કરી દેશના મહાબંદરની કાર્યવાહી અટકી જવાથી દરેક વપરાશકર્તાઓને તથા દેશને મોટું આર્થિક નુકસાન ન થાય તે જોવા સર્વેને અપીલ કરી હતી.
બેઠક દરમ્યાન પોર્ટ પ્રશાસન દ્વારા દરેક મુદાઓ ઉપર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી સમયમર્યાદા સાથે હૈયાધારણ આપવામાં આવતાં ૩૬ કલાક બાદ હડતાળને સમેટવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતાં ઠપ્પ થઇ ગયેલું બંદર ફરી ધમધમી ઊઠ્યું છે.
ગાંધીધામમાં ૩૬ કલાક બાદ ટ્રાન્સપોર્ટર્સની હડતાળ સમેટાતાં કંડલા બંદર જીવંત બન્યું
RELATED ARTICLES