Homeઆમચી મુંબઈખાર રોડ સ્ટેશનની રૂપિયા ૮૦ કરોડના ખર્ચે કાયાપલટ

ખાર રોડ સ્ટેશનની રૂપિયા ૮૦ કરોડના ખર્ચે કાયાપલટ

નવું હોમ પ્લેટફોર્મ, એલિવેટેડ ડેક બનાવાશે: એમઆરવીસી

ક્ષિતિજ નાયક

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેની મેઈન અને હાર્બર લાઈનને જોડતા ખાર રોડ સ્ટેશનની ૮૦ કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી) દ્વારા ખાર રોડ સ્ટેશનની કાયાપલટની કામગીરી પાર પાડવામાં આવશે. ખાર રોડ સ્ટેશન ખાતે નવું હોમ પ્લેટફોર્મ, એલિવેટેડ ડેક બનાવવામાં આવશે, જ્યારે સ્ટેશનના પરિસરમાંથી પ્રવાસીઓની સરળતાથી અવરજવર કરવા માટે હાલના ફૂટઓવર બ્રિજમાં જરૂરી ફેરફાર સાથે નવા (એફઓબી)નું પણ નિર્માણ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં નિરંતર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેથી સ્ટેશનના પરિસરનું ઈન્ફ્રાસ્ટ્રકચર પર્યાપ્ત નથી. સ્ટેશનના પરિસરમાંથી સરળતાથી અવરજવર કરવાના ઉદ્દેશને લઈને જરૂરી સુધારાવધારા કરવામાં આવી રહ્યા છે. મુંબઈ રેલવેના મોટા ભાગના સ્ટેશન અંગ્રેજોના જમાનાના છે, તેથી સમગ્ર સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. સૌથી પહેલાં સ્ટેશનના ફૂટઓવર બ્રિજને જોડતું ડેક બનાવવાનો નિર્ણય લીધો છે, જેથી પ્રવાસીઓને અવરજવર કરવામાં વધુ મોકળાશ મળશે. નવા એફઓબી બનાવવામાં આવશે, જ્યારે એક કરતા અનેક એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને કારણે તેનો પ્રવાસીઓને સીધો ફાયદો થશે, એમ એમઆરવીસીના અધિકારીએ જણાવ્યું હતું.
ખાર રોડ સ્ટેશનનું રિડેવલપમેન્ટનું કામકાજ ૮૦ કરોડના ખર્ચે પાર પાડવામાં આવશે, જેમાં પશ્ર્ચિમ દિશામાં હોમ પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે. એક નંબરના પ્લેટફોર્મને જોડતું ડેક (૧૦ મીટરથી ૨૨.૫ મીટર) બનાવશે, જ્યારે નવી બુકિંગ ઓફિસનું નિર્માણ કરાશે. સ્ટેશનને જોડતા નવા એફઓબી બનાવાશે, જે પૈકી મિડલ બ્રિજને પહોળો બનાવાશે. સ્ટેશનના પરિસરમાં ચાર એસ્કેલેટર અને ત્રણ લિફ્ટ બેસાડવામાં આવશે. જૂન, ૨૦૨૪ સુધીમાં રિડેવલપમેન્ટનું કામકાજ પૂરું કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈનાં ૨૦ સ્ટેશનનું રિડેવલપમેન્ટ
મુંબઈ સબર્બન રેલવેના વિવિધ ગીચ સ્ટેશન તથા જૂના માળખા સંબંધિત વિવિધ સ્ટેશન પર પસંદગી ઉતારવામાં આવી છે, જેમાં ૨૦ સ્ટેશન છે. મધ્ય રેલવેમાં જીટીબીનગર, ચેમ્બુર, ગોવંડી, માનખુર્દ, ભાંડુપ, ઘાટકોપર, મુલુંડ, ડોંબિવલી, નેરલ અને કસારા સ્ટેશનનો સમાવેશ થાય છે, જ્યારે પશ્ર્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, ખાર રોડ, સાંતાક્રુઝ, કાંદિવલી, મીરા રોડ, ભાયંદર, વસઈ રોડ અને નાલાસોપારા છે. સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીમાં ખાસ કરીને એલિવેટેડ ડેક, નવા એફઓબી અને એફઓબીને જોડતી ઈન્ટરલિંક, નવા એસ્કેલેટર, લિફ્ટ તથા લાઈટિંગ વ્યવસ્થા ઊભી કરવાની સાથે સ્ટેશનના પરિસરમાંથી પર્યાપ્ત એન્ટ્રી-એક્ઝિટ રાખવામાં આવશે, એમ એમઆરવીસીના અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular