પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવતાં મુસાફરોમાં આનંદ ફેલાયો છે. જોકે તેઓ ઈચ્છે છે કે આ રૂટ પરની એક ટ્રેન કાયમી ધોરણે દોડે.
ખાસ ભાડાથી આ સ્પેશિયલ ટ્રેન આગામી ર૬મી મેથી ૩૦મી જૂન સુધી દર શુક્રવારે ગાંધીધામથી ઉપડશે. પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ-અમૃતસર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ૧ર ફેરા કરશે. દર શુક્રવારે ગાંધીધામથી સવારે ૬.૩૦ કલાકે પ્રસ્થાન કરી શનિવારે બપોરે ૧ર.૩પ કલાકે પંજાબના અમૃતસર પહોંચશે અને અમૃતસરથી દર શનિવારે બપોરના ર.૩૦ કલાકે પ્રસ્થાન કરી રવિવારે સાંજે ૬.૩૦ કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેનને બન્ને દિશાઓમાં સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાનીવાજા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલૌર, મોકલસર, સમઢડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, છોટાખાટુ, ડીડવાના, લાડન, સુજાનગઢ, રતનગઢ, ચુરૂ, સાદુલપુર, હિસ્સાર, લુધિયાણા, જાલંધર અને બ્યાસ સ્ટેશનો પર સ્ટોપ અપાશે.
આ ખાસ ઉનાળુ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ રહેશે. ગત ર૩મી મેથી રેલવેની વેબસાઈટ પરથી ટિકીટ માટે આરક્ષણ કરાવવાનું શરૂ થઇ ચૂક્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રણપ્રદેશ કચ્છને પંજાબથી જોડતી રેલવે સેવાની લાંબા સમયથી માંગ હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ કેન્દ્રના રેલવે મંત્રાલયમાં કચ્છને પંજાબથી રેલમાર્ગે જોડવા માટે અનેક વખત રજૂઆતો કરી હતી. આ રેલવે સેવાને કાયમી ધોરણે ચલાવવામાં આવે તેવું યાત્રીગણો ઈચ્છી રહ્યા છે.