રેલવે ટ્રેક ઓળંગવા ગેરકાયદેસર છે અને જોખમી પણ છે, પરંતુ ઘરે કે ઑફિસમાં વહેલા પહોંચવાની લ્હાયમાં કે દાદરા ચડવાના કંટાળાને કારણે લોકો રેલવે ટ્રેક ઓળંગે છે. જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. વસઈ વિરાર વિભાગમાં પણ રેલવે ટ્રેક ક્રોસ કરવાનું ચાલુ જ છે, જેના કારણે આવનારી ટ્રેનનો અંદાજ ન હોવાથી અકસ્માતો થવા લાગ્યા છે. આવી જ એક ઘટના વિરાર ખાતે બની છે.
વિરારમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે એક અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના ગુરુવારે રાત્રે બાર વાગ્યાના સુમારે બની હતી. ગુરુવારે રાત્રે, પટેલ પરિવાર વિરાર ખાતે પ્લેટફોર્મ નંબર પાંચ પરથી ચાર તરફ જવા માટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર ચાર પરથી આવતી ટ્રેન સાથે અથડાતા પતિ, પત્ની અને એક પુત્ર એમ ત્રણ લોકોના મોત થયા હતા.
મૃતકોના નામ અજીતકુમાર પટેલ (28), સીમાદેવી પટેલ (26), આર્યન પટેલ (3 મહિના) છે. રેલવે પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સચિન ઇંગવાલેએ માહિતી આપી હતી કે આ સંદર્ભે વસઈ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુની નોંધ કરવામાં આવી છે.