ટ્રાય (TRAI) દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત અનુસાર ટ્રાય દ્વારા અમુક 10 ડિજિટના નંબર બંધ કરવા માટે કડક પગલાં લેવામાં આવશે. આવો જોઈએ કયા છે આ નંબર…
આજના જમાના મોબાઈલ ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે અને એની સાથે જ આવતા હોય છે પ્રમોશનલ કોલ્સ અને એસએમએમસ… ટેલિમાર્કેટિંગ કંપનીઓ રાત-દિવસ જોયા વગર યુઝર્સને ફોન કોલ્સ અને એસએમએસ મોકલાવતી હોય છે. હવે ટ્રાય દ્વારા યુઝર્સને આ મુસીબતમાંથી છુટકારો અપાવવાનું નક્કી કરી લીધું છે અને એ જ દિશામાં પગલું લઈને ટ્રાય દ્વારા 10 ડિજિટના ટેલિમાર્કેટિંગના નંબર બંધ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાયના આ નિર્ણયને કારણે યુઝર્સને રાહત મળશે તો બીજી બાજું ટેલિમાર્કેટિંગ કંપનીઓને ફટકો પડશે.
TRAIએ યુઝર્સના અનિચ્છનીય કોલ અથવા મેસેજને રોકવા માટે કડક પગલાં લીધા છે. તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓને એક ખાસ નંબર આપવામાં આવે છે, જે સામાન્ય નંબરથી અલગ હોય છે. જ્યારે આવા નંબર પરથી કોલ અથવા મેસેજ આવે છે, ત્યારે યુઝર્સ સરળતાથી જાણી શકે છે કે તે પ્રમોશનલ નંબર છે. જોકે, કેટલીક કંપનીઓ નિયમોની અવગણના કરે છે અને પ્રમોશનલ કૉલ્સ કે મેસેજ મોકલવા માટે 10 ડિજિટના નોર્મલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરે છે.
ટ્રાય દ્વારા આ બાબતે એક આદેશ જારી કરવામાં આવ્યો છે અને એ આદેશ અનુસાર ટેલીમાર્કેટર્સે 10 અંકના મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે. આ માટે ટેલિકોમ રેગ્યુલેટરી બોડીએ 30 દિવસનો સમય આપ્યો છે. જો કોઈ કંપની 30 દિવસની સમયમર્યાદા પછી પણ પ્રમોશન માટે 10 અંકના સામાન્ય મોબાઈલ નંબરનો ઉપયોગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાય દ્વારા તમામ ટેલિકોમ કંપનીઓને પ્રમોશનલ કોલ માટે ઉપયોગમાં લેવાતા અનરજિસ્ટર્ડ નંબરને બ્લોક કરવા માટેની નોટિસ પણ આપી છે.
ટ્રાયએ ટેલિકોમ કંપનીઓને કોલ અને મેસેજ કરવાની સૂચના પણ આપી છે, જેથી યુઝર્સ સરળતાથી સમજી શકે કે તે પ્રમોશનલ છે. ટ્રાઈએ તમામ નિયમોનું પાલન કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. આ પછી નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. TRAIના તાજેતરના નિર્ણયથી વપરાશકર્તાઓ સ્પષ્ટપણે રાહતનો શ્વાસ લેશે.