અમદાવાદ: ટીવી જોવાના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટીવી ચેનલોના ટેરિફમાં ૪૦ ટકા સુધીનો વધારો કરતા કેબલ ઓપરેટરોએ તેનો વિરોધ કર્યો છે. ચેનલના ભાવમાં વધારો થતા અનેક કેબલ નેટવર્કે તેનો ભારે વિરોધ કર્યો છે. જેને લઈને આ તમામ કેબલ નેટવર્ક પર હાલ કેટલીક ચેનલોનું પ્રસારણ બંધ થયું હોવાનું કહેવાય છે.
આજ સવારથી જ કેટલીક લોકપ્રિય ચેનલોનું પ્રસારણ બંધ કરી દેવાતા મહિલાઓ અને બાળકો અકળાયાં હતાં. ટીવી ચાલુ કરતા અચાનક જ ચેનલનું પ્રસારણ બંધ થતા મનપસંદ શૉથી અળગા રહ્યા હતા. ટેલિકોમ રેગ્યુલેટરીએ તોતિંગ ભાવવધારો ઝીંકી દેતા કેબલ ઓપરેટરો તેનો વિરોધ
કરી રહ્યા છે. જીટીપીએલ ડેન ઈન કેબલ અને હેથવેએ ગ્રાહકો જોગ એક સંદેશો પણ પાઠવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે અમે ભાવવધારાનો વિરોધ કરી રહ્યા છે. તેથી અમારા પ્લેટફોર્મ પર આવતી આપની મનપસંદ ચેનલનું પ્રસારણ બ્રોડકાસ્ટર બંધ કરી શકે છે. અમે ગ્રાહકોના હિતનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.
ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ચેનલ અને બ્રોડકાસ્ટરો માટે નવા ટેરિફ જાહેર કર્યા હતા. ટ્રાઈએ તમામ પે ચેનલોના એમઆરપીમાં ૪૦ ટકાનો વધારો નક્કી કર્યો છે. જેને લઈને હાલ ચાર મોટા એમએસઓ (મલ્ટી સિસ્ટમ ઓપરેટર) જીટીપીએલ ડેન ઈન કેબલ અને સિટી કેબલ પર સૌથી વધુ ટીઆરપી ધરાવતી ચેનલોનું પ્રસાણ બંધ થઈ ગયું હોવાનું કહેવાય છે.