નાશિક : મહારાષ્ટ્રમાં લાસલગાવ રેલ્વે સ્ટેશન પાસે સોમવારે સવારે ઓવર હેડ વાયરનું સમારકામ કરતી વખતે ટ્રેનના એન્જિનની ટક્કર લગતા રેલવેના ચાર કર્મચારી મોતને ભેટ્યાં હતા. એન્જિન ખોટી દિશામાં જતા આ અકસ્માત સર્જાયો હોવાનુ જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક રેલવે કર્મચારીઓએ રેલ રોકો આંદોલન કર્યું હતું.
સોમવારે સવારે પોણા છ વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. લાસલગાવ નજીક પોલ (થાંભલા) ક્રમાંક ૧૫થી ૧૭ વચ્ચે કર્મચારીઓ સમારકામ કરી રહ્યા હતા આ જ સમય લાસલગાવથી ઉગાવ તરફ ઓવરહેડ વાયરનું સમારકામ કરવા નીકળેલું ટ્રેનનું એન્જિન ખોટી દિશામાં જતા આ અકસ્માત સર્જાયો હતો. એન્જિન ટક્કરને કારણે ગેંગમેન સંતોષ કેદારે (૩૦) , દિનેશ દરાડે (૩૫) , કૃષ્ણા આહિરે (૪૦) તથા સંતોષ શિરસાઠ (૩૮)નાં મૃત્યુ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ રેલ્વે અધિકારીઓ તથા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માતને પગલે રોષે ભરાયેલા કર્મચારીઓએ રેલ રોકો કર્યું હતું અને ગોદાવરી એક્સપ્રેસ ૨૦ મિનિટ સુધી રોકી રાખી હતી. સમગ્ર બનાવ મુદ્દે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કમનસીબી: મહારાષ્ટ્રના આ શહેરમાં ટ્રેન અકસ્માતમાં ચાર રેલ કર્મચારીએ જીવ ગુમાવ્યા
RELATED ARTICLES