શું તમારી એવી દ્રઢ માન્યતા છે કે તમને ટ્રાફિકના દરેક નિયમોની માહિતી છે કે પછી તમને આ બાબતનું ખૂબ જ જ્ઞાન છે, તો એવું શક્ય નથી. આ માન્યતાને કારણે ઘણી વખત લોકો ખોટી માહિતીને કારણે ગેરસમજનો ભોગ બનતા હોય છે. હવે એવું શું કરવું જોઈએ કે આવી ગેરસમજણોથી બચી શકાય કે પછી ભોગ બનતા અટકી શકાય? આનાથી બચવા માટેનો સૌથી સીધો અને સરળ ઉપાય એ જ છે કે જ્યારે પણ કોઈ નવી જાણકારી તમારા સુધી પહોંચે તો તેને ક્રોસ ચેક કરો જેથી કરીને તે જાણકારીની સચ્ચાઈ તમને ખબર પડી શકે. ટ્રાફિકના નિયમો અંગે ઈન્ટરનેટ પર એવી અનેક ભ્રામક જાણકારીઓ છે જે લોકો વચ્ચે ભ્રમ પેદા કરે છે.
કેટલાક લોકોને એવું લાગે છે કે અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવવાથી ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન થશે અને તેમનું ચલાન કાપવામાં આવશે, પણ હકીકત તો એ છે કે આવો કોઈ નિયમ છે જ નહીં. વર્તમાન મોટર વાહન એક્ટમાં અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવનારાઓ માટે ચલણ કાપવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી અને આ બાબતની જાણકારી ખુદ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી તરફથી પણ ટ્વીટર પર વર્ષો પહેલાં જ આપવામાં આવી હતી. વર્ષ 2019માં એક ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી કે અડધી બાંયનું શર્ટ પહેરીને ગાડી ચલાવનારાઓનું ચલાન કાપવામાં આવતું નથી.
अफवाहों से सावधान…!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019
નિતિન ગડકરીની ઓફિસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે નવા મોટર વાહન એક્ટ (જે હજુ પણ લાગુ છે અને 2019માં લાવવામાં આવ્યો હતો)માં અડધી બાંયનું શર્ટ પહેરીને ગાડી ચલાવનારાના ચલણની કોઈ જોગવાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળો શરૂ થઈ ગયો છે અને આવામાં અનેક લોકો અડધી બાંયનું શર્ટ કે ટીશર્ટ પહેરવાનું પસંદ કરે છે. આવામાં જો કોઈ પણ તમને એમ કહે કે અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવશો તો ચલણ કપાશે તો તમે તેમને નિતિન ગડકરીની ઓફિસનું આ ટ્વીટ દેખાડી શકો છો.
આ બધું તો ઠીક પણ અહીં તમને એક સૂચન એવું પણ કરવાનું કે રોડ પર વાહન લઈને નીકળો તો ટ્રાફિકના નિયમોનું પાલન ચોક્કસ કરો. કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરો અને બાઈક ચલાવતી વખતે હેલમેટ પહેરો. આમ કરવાથી તમે તમારી સારી રીતે સુરક્ષા કરી શકશો. આ ઉપરાંત ઓવરસ્પિડિંગ ન કરો કારણ કે એ જીવલેણ સાબિત થઈ શકે છે…