ગુજરાતમાં નાગ પંચમીની પરંપરાગત ઉજવણી

આપણું ગુજરાત

નાગદેવને કૂલેરના લાડવા અને ખાજાંનો ભોગ

(તસવીર: જનક પટેલ અને પ્રવીણ સેદાણી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં જન્મા-ષ્ટમીના તહેવારો શરૂ થઈ ગયા છે. રાજ્યમાં મંગળવારે વીરપુર, કાસ્વા, ઉનાવા, જમણાપુર, ઉમેદપુરા, વીડના ગોગાધામ, અડાલજ, ગોગા બાપા નુગરધામ સહિત ઠેર ઠેર નાગ દેવતા મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. લોકોએ નાગદેવના દર્શન કરીને દેવને દૂધ, ખાજાં અને કૂલેરના લાડવાનો ભોગ ધરાવ્યો હતો. બીજી તરફ જલારામધામ વીરપુરમાં ૪૦૦ વર્ષ જૂનું નાગ દેવતાનું મંદિર આવેલું છે. આ મંદિરને શ્રી આહપાદાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવા વહેલી સવારથી ભક્તોની લાઈન લાગી હતી. આ નાગ દેવતાના મંદિરનો મહિમા એવો છે કે ગામનું એક પણ ઘર પૂજા કર્યા વગર અન્નનો એક પણ દાણો આરોગતું નથી. અહીંના પ્રસાદનો અનોખો મહિમા છે, કારણ કે આ મંદિરનો પ્રસાદ આરોગનાર કોઈ પણ વ્યક્તિને આજસુધી સર્પે દંશ માર્યો નથી. મળતી માહિતી મુજબ રાજ્યમાં અનેક ગોગા બાપાના ધામોમાં વહેલી વસારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. કાસ્વા, ઉમેદપુરા, ઉનાવા વીરપુર જલારામ ધામ સહિતના ધામોમાં આખો દિવસ પૂજ્ય નાગ દેવતાના દર્શન ચાલે છે, મંદિર પરિસરની આજુબાજુ મેળા જેવો માહોલ જામે છે. વીરપુરમાં દર વર્ષે શ્રાવણ મહિનાના નાગ પાંચમના દિવસે અહીં બિરાજમાન આહપાદાદા નાગ દેવતાની ડાક ડમરુ સાથે શોભાયાત્રા યોજાઇ હતી. તેમ જ સમગ્ર ગામની મહિલાઓ પૂજા કરવા માટે આવી હતી. દર વર્ષે આહપાદાદા નાગદેવતાને તલમાંથી બનાવેલ તલવટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને હજારો લોકોએ પ્રસાદ લીધો હતો. વીરપુર ગામના ખેડૂતો આ પ્રસાદ પોતાના ખેતરના શેઢે વેરે છે અને વીરપુરમાં આજ સુધી કોઈ સાપે સ્થાનિકોને કે ખેતીકામ દરમિયાન કોઈ ખેડૂતને દંશ માર્યો ન હોવાથી આ માન્યતા પ્રબળ બની છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.