વર્ષના અંત સુધીમાં નેરલ-માથેરાન સેક્શનમાં ટોય ટ્રેન દોડાવાશે: મધ્ય રેલવે

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ નજીકના જાણીતા હિલસ્ટેશન નેરલથી માથેરાન વચ્ચે ટોય ટ્રેન લગભગ ત્રણ વર્ષથી બંધ પડી હતી, પરંતુ આ વર્ષના અંત સુધીમાં ચાલુ કરવામાં આવશે. ૨૦૧૯માં ભારે વરસાદને કારણે માથેરાનની નેરોગેજ રેલવે લાઈનને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું, પરિણામે સમગ્ર સેક્શનમાં ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી હતી.
પાંચ કરોડથી વધારે રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશનનું કામકાજ પાર પાડવામાં આવ્યા પછી મધ્ય રેલવેની સૌથી જાણીતી ટોય ટ્રેનની સર્વિસીસને ફરી ચાલુ કરવામાં આવશે, જે ૨૦૧૯ પૂર્વેના તબક્કાથી વધુ સુરક્ષિત અને આરામદાયક પણ હશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું
હતું.
૨૦૧૯માં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે માથેરાનની રેલવે લાઈનને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું, તેથી ૨૦ કિલોમીટર લાંબા નેરલ-માથેરાનના સેક્શનમાં ટોય ટ્રેનની સર્વિસીસ બંધ કરાઈ હતી. હાલના તબક્કે માથેરાનના સેક્શનમાં માથેરાન અને અમનલોજ વચ્ચે ફક્ત શટલ સર્વિસીસ દોડાવાય છે.
આ સેક્શનમાં રોજની પાંચ શટલ સર્વિસીસ તથા અમનલોજ-માથેરાન વચ્ચે જુમ્માપટ્ટી અને વોટર પાઈપ લાઈન સ્ટેશન છે. આ મુદ્દે મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે વરસાદને કારણે સૌથી વધુ રેલવેના પાટા અને લાઈનને નુકસાન થયું હતું.
નુકસાનગ્રસ્ત રેલવે લાઈન માટે નવો કોરિડોર તૈયાર કરવાની સાથે ટ્રેક રિન્યુઅલ વગેરે કામગીરી આ વર્ષના અંત સુધીમાં પૂરી કરવામાં આવશે. ઘાટ સેક્શનમાં શાર્પ વળાંકો, રેલવે ટ્રેક રિન્યુઅલ કરવાની સાથે જોખમી ભાગોમાં આસપાસ દીવાલ બાંધવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે.
રિસ્ટોરેશનનું કામ લગભગ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પાર પાડવામાં આવશે. ૧૨ કિલોમીટરના કોરિડોરમાં સિમેન્ટના સ્લીપર્સ નાખવાનું કામ પૂરું કરવામાં આવ્યું છે. સેફ્ટી વોલ બાંધવાની સાથે ભૂસ્ખલનવાળા ભાગમાં પથ્થરોને હટાવવાનું કામકાજ ચાલુ છે. હાલના તબક્કે કામકાજ પાર પાડવામાં આવ્યા પછી સેક્શનમાં ટોય ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પહેલાની તુલનામાં વધુ સુરક્ષિત અને ઝડપી બની શકશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

પ્રવાસીઓની સંખ્યા અને આવક વધશે
એક અંદાજ પ્રમાણે ૨૦૨૧-૨૨ દરમિયાન ટોય ટ્રેનમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીએ મુસાફરી કરી હતી, જ્યારે ૪૨,૬૧૩ પાર્સલની હેરફેર કરવામાં આવી હતી, જ્યારે મધ્ય રેલવેને ૧.૮૨ કરોડની આવક થઈ હતી. નેરલ-માથેરાન સેક્શનમાં ટોય ટ્રેનની સર્વિસીસ ચાલુ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓની અવરજવરમાં પણ વધારો થશે, જ્યારે આવકમાં પણ વધારો થશે.
અહીં એ જણાવવાનું અમનલોજથી માથેરાન વચ્ચે રોજની ૧૬ શટલ સર્વિસીસ દોડાવાય છે, જ્યારે વીકઍન્ડમાં કુલ ૨૦ સર્વિસીસનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ૧૯૦૭માં નેરલ-માથેરાન રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ૧૯૦૭માં પીરભોઈ ફેમિલી દ્વારા માથેરાનમાં ટોય ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી તબક્કાવાર એક પછી એક કિર્તી સ્થાપિત કરી હતી, જે લાઈનને સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)એ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં પણ સ્થાન આપ્યું હતું. માથેરાન મુંબઈ નજીકનું હિલ સ્ટેશન હોવાથી મુંબઈગરામાં જ નહીં, પરંતુ આસપાસના ઉપગનરના રહેવાસીઓ માટે પણ માનીતું હિલસ્ટેશન છે. નાના બાળકોની સાથે વિદેશી પ્રવાસીઓને પણ ટોય ટ્રેનનું સૌથી વધારે ઘેલુ છે. ટોય ટ્રેન સ્થાનિક લોકો માટે માલસામાનની હેરફેર કરવામાં મદદરૂપ બની છે. મુંબઈથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે માથેરાનમાં વર્ષોથી ટોય ટ્રેન દોડાવાય છે, જે દરિયાની સપાટીથી લગભગ ૨,૬૦૦ ફૂટની ઉપર છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.