ફોકસ -રાજેશ યાજ્ઞિક
આપણે અત્યાર સુધીમાં જોયું કે ટોક્સિક મસ્ક્યુલિનિટી શું છે અને તેનાં લક્ષણો શું છે. આપણે સહુ એ વાત સાથે સહમત છીએ કે આ સમસ્યાનો અંત આવવો જોઈએ. તો સવાલ એ છે કે શું કરી શકાય કે જેથી આ સમસ્યાને નાથી શકીએ. પ્રયત્નો બે સ્તરે થવા જોઈએ, વ્યક્તિગત સ્તરે અને સામાજિક સ્તરે. ચાલો, જાણીએ કેટલાક સામાન્ય મુદ્દાઓ જે આપણને આ સમસ્યાના સમાધાન તરફ દોરી જઈ શકે છે. બાળકોને લિંગ તટસ્થ વાતાવરણ પૂરું પાડો. જો સામાજિક સ્તરે ટોક્સિક મસ્ક્યુલિનિટીનો અંત લાવવો હશે તો શરૂઆત ઘરથી કરવી પડશે. આપણે પહેલા જોયું તેમ જો બાળક છોકરો હોય તો તેને ગાડીઓ, વિમાનો અને બંદૂકોથી રમવા દઈએ અને છોકરી હોય તો રસોડાના સેટ અને બાર્બી ડોલ થમાવી દઈએ! અહીં જ ટોક્સિક મસ્ક્યુલિનિટીના બીજ રોપાય છે. તમારી વિચારધારા મુજબના રમકડાં લાવવાને બદલે બાળકોને તેમના ગમતાં રમકડાં લેવા દો અને તેનાથી રમવા પણ દો. તેમને વિવિધ પ્રકારના અનુભવો આપવા માટે અન્ય જાતિના બાળકો અને તેમના રમકડાં સાથે રમવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ‘માઈન્ડ યોર લેન્ગવેજ’ (તમે શું બોલો છો, તેનું ધ્યાન રાખો), કારણ કે સ્ટોરીબુકથી લઈને ટીવી કમર્શિયલ અને ડિનર ટેબલ પર થતી વાતચીત સુધી બાળકો તેમની આસપાસની ભાષાનું અવલોકન કરે છે અને આત્મસાત કરે છે. ઉદાહરણ તરીકે, યુરોપના એક અભ્યાસમાં જણાયું કે પિતા દીકરી કરતાં દીકરા સાથે વાત કરતી વખતે ‘ગર્વ’ અને ‘જીત’ જેવા શબ્દોનો ઉલ્લેખ વધુ કરે છે. તો સામે છેડે કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે ‘સાચવવાની’ ચેતવણી કે શિખામણ દીકરીઓને વધારે અપાય છે. ક્યારેક આપણે એ પણ વિચારીએ કે ફિલ્મો કે વાર્તાઓમાં આવતા સુપર હીરોઝ મોટેભાગે પુરુષ જ કેમ હોય છે? લાગણીઓને વ્યક્ત થવા દો. કેટલીક લાગણીઓ કોઈ ચોક્કસ લિંગની વ્યક્તિને યોગ્ય છે તેવી શિખામણ આપણા વર્તન કે વાણીથી ન મળવી જોઈએ. જેમકે છોકરી આક્રમક વર્તન ન કરી શકે અને છોકરો સૌમ્ય ન હોવો જોઈએ! પુરુષ રડે નહીં અને સ્ત્રી કઠોર ન હોઈ શકે. ચોક્કસ સંજોગોમાં રુદન, ડરવું, ગુસ્સે થવું, લાચારી અનુભવવી જેવી લાગણીઓ છોકરી કે છોકરો બન્ને માટે યોગ્ય છે અને તેમાં કશું અજુગતું નથી તેવી કેળવણી બાળકોને મળવી જોઈએ. હિંસા શીખવવી યોગ્ય નથી. છોકરાઓને ભાવનાત્મક ભાષા શીખવવાની સાથે-સાથે માતાપિતાએ દુર્વ્યવહાર અને હિંસાના અર્થ વિશે પણ વાત કરવી જોઈએ. ઘણા અભ્યાસોમાં એવું જણાયું છે કે છોકરાઓ છોકરીઓ કરતાં મિત્રો વચ્ચે ગુંડાગીરી કે હિંસક ઝઘડાને સામાન્ય ગણાવે છે, કારણકે છોકરાઓને ‘નબળા ન બનવાનું’ શીખવવામાં આવે છે. તેથી જ ખરાબ પરિસ્થિતિમાં ફસાયેલી સ્ત્રીઓની ઘણીવાર પુરુષો દ્વારા ટીકા કરવામાં આવે છે. બાળકની સામે વયસ્ક પુરુષોએ કોઈની તરફ હિંસક વર્તન ન કરવું જોઈએ અને ન તેનું સમર્થન કરવું જોઈએ. તેને ‘પુરુષાતન’નો મુદ્દો બનાવીને રજુ ન કરવું જોઈએ. અથવા છોકરીઓ કે સ્ત્રીઓને હિંસક વર્તન ‘સહન’ કરવાની શિખામણ ન આપવી જોઈએ.
હોમોફોબિયાને તિલાંજલિ આપો
કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઘૃણાની ભાવના આમ પણ અયોગ્ય છે. તો માત્ર સર્વસામાન્ય માન્યતાથી અલગ ‘જાતીયતા’ પસંદ કરનાર પુરુષોને ઘૃણાથી જોવું યોગ્ય કેમ હોઈ શકે? તેમની પ્રેમ અને સંભોગની વ્યાખ્યા જો તમારાથી અલગ હોય તેનાથી તમને શા માટે ફરક પડવો જોઈએ? આજે ડૉકટરો અને માનસશાસ્ત્રીઓ પણ હોમોસેક્યુઆલિટીને રોગ કે વિકૃતિ ગણતા નથી, પણ સમાજ તેમની તરફ રોગી અને દોષી જેવું વર્તન કરે છે. કહેવું પડે કે દોષ કે વિકૃતિ આવું સમજનાર સમાજ અને વ્યક્તિમાં છે, નહીં કે સમલૈંગિક પુરુષમાં. શૈક્ષણિક સંસ્થાઓથી લઈને પરિવાર સુધી બધી જ જગ્યાએ આવી માનસિકતાને તિલાંજલિ આપો અને અપાવો. ક્ધિનરો, સજાતીય પુરુષો કે અન્ય કોઈ પણ વ્યક્તિ સમાજનું જ અંગ છે અને તેમને પણ યોગ્ય સમ્માન મળે તેવી વ્યવસ્થા નિર્માણ થવી જોઈએ.
હોમસ્કૂલિંગ સેક્સ એજ્યુકેશન
જો છોકરાઓને વ્યાપક લૈંગિક શિક્ષણ આપવામાં આવે તો અપમાન, કેટકોલિંગ, બિન-સહમતિભર્યા સ્પર્શ અને જાતીય સતામણી જેવા વર્તનમાં વધારો ટાળી શકાય છે. જો કે વર્ગખંડમાં આ પાઠ ભણાવવાની જવાબદારી શાળાની હોવી જોઈએ. તે ટ્રેન પહેલેથી જ સ્ટેશન છોડી ચૂકી છે. બાળકો તેમના સાથીદારો પાસેથી સેક્સ વિશે શીખે તે પહેલાં અથવા વધુ ખરાબ, પોર્નોગ્રાફી દ્વારા જાણે, તે કરતાં મહત્ત્વનું છે કે માતાપિતા સંમતિ, સર્વનામનો ઉપયોગ, લિંગ, જાતિ, જાતીયતા અને લિંગ ઓળખ વચ્ચેનો તફાવત અને તેમના બાળકોને જાતીય સ્વાસ્થ્ય શીખવવા માટે દરમિયાનગીરી કરે. માતાપિતાએ પણ બાળકોને તેમની પસંદગીના કપડાં, વર્તન અથવા લિંગ-આધારિત સર્વનામોને કાબૂમાં રાખવાને બદલે મુક્તપણે વ્યક્ત કરવા દેવા જોઈએ.
કાળજી લેતાં શીખવો
બાળપણથી છોકરીઓને સારસંભાળ અને ઘરના કામમાં ધકેલવામાં આવે છે, જ્યારે છોકરાઓને નચિંત અને બેજવાબદાર રહેવાની છૂટ છે. પાછળથી, તેનો ભોગ સ્ત્રીઓને બનવું પડે છે, જ્યારે તેઓ આખા દિવસની મજૂરીમાંથી પાછા આવ્યા પછી પુરુષોની સંભાળ રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. યુવાવસ્થામાં આ પ્રતિગામી જાતિના ધોરણો તોડવા જોઈએ. માતા-પિતાએ રાંધવા, સાફ કરવા સહિતના ગૃહકાર્યોમાં અને સ્વયંની સંભાળ રાખવામાં છોકરાઓ અને છોકરીઓને સમાન રીતે સામેલ કરવા જોઈએ. છોકરાઓને એવું ન શીખવો કે સ્ત્રી આવશે અને તેમની સંભાળ લેશે. માણસની જવાબદારી ફક્ત તેના પરિવાર માટે કમાવાની નથી. (હા, સ્ત્રીઓએ પણ એ ભ્રમણામાંથી બહાર આવવું જોઈએ) સંતુલન જાળવવું જોઈએ જેમાં તેઓ પરિવાર અને મિત્રોની સંભાળ લેવા માટે પણ સમય આપે. છોકરાઓને તેમના બીમાર મિત્રો માટે રાત્રિભોજન મોકલવા, સંબંધીઓની મુલાકાત લેવા વગેરે માટે પ્રોત્સાહિત કરીને આનો સમાવેશ કરી શકાય છે. આનાથી તેઓ ભાવનાત્મક બુદ્ધિ વિકસાવવા અને તેમના જીવનમાં સંભાળને સામાન્ય બનાવશે.
અંતે, છોકરાઓને તેમની કુદરતી રીતે રહેવાની છૂટ હોવી જોઈએ, તેમને જે આકર્ષક લાગે તે પહેરવા, તેમને રસપ્રદ લાગતા શોખ અપનાવવા અને તેઓ આકર્ષિત થતા રમકડાં ખરીદી શકે. છોકરાઓને તેમની પોતાની રીતે આરામદાયક અને સુરક્ષિત રહેવાની મંજૂરી આપીને આપણે પુરુષત્વનું સકારાત્મક મોડેલ બનાવવાનો સમાવેશ કરવો જોઈએ. માત્ર ત્યારે જ આપણે ટોક્સિક મસ્ક્યુલિનિટીનો અંત લાવી શકીશું, અને તેનાથી પુરુષોની સાથે સાથે તેમની આસપાસની સ્ત્રીઓને જે માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ થાય છે તેનો ઉકેલ લાવી શકીશું.