રાજ્ય વિધાનસભા બરખાસ્ત થવાની દિશામાં: સંજય રાઉત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: શિવસેનાના નેતા સંજય રાઉતે એવું ટ્વિટ કર્યું હતું કે રાજ્ય વિધાનસભા બરખાસ્ત થવાની દિશામાં આગળ વધી રહી છે.
બુધવારે સંજય રાઉતે કરેલા ટ્વિટમાં લખ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રે જે નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તે રાજ્ય વિધાનસભાને ભંગ કરવાની દિશામાં લઈ જઈ રહ્યા છે.
આ પહેલાં એકનાથ શિંદેએ એક ન્યૂઝ ચેનલ પર એવો દાવો કર્યો હતો કે મારી પાસે ૪૬ વિધાનસભ્યોનો ટેકો છે અને પક્ષાંતર બંધી કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન ન થાય તે માટે આવશ્યક વિધાનસભ્યો કરતાં વધુ સભ્યોનું સમર્થન મારી પાસે છે. આ નિવેદન બાદ રાઉતે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. ———-
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની પહેલી વાર અગ્નિપરીક્ષા

મુંબઈ: અવિશ્ર્વસનીય વફાદારી સાથે પ્રતિબદ્ધ કાર્યકર્તાઓનો પક્ષ હોવા છતાં શિવસેના બળવાનો સામનો કરી રહી છે અને શિવસેનાએ ચોથી વાર બળવાનો સામનો કર્યો હતો. આમાંથી ત્રણ વાર બાળ ઠાકરેની નજર સમક્ષ બળવા થયા હતા, જ્યારે ચોથી વાર ઉદ્ધવ ઠાકરેની નજર સમક્ષ આ બળવો થયો હતો, જેમાં એકનાથ શિંદેની ભૂમિકા મહત્ત્વની રહી છે. કેબિનેટ પ્રધાન શિંદે દ્વારા કરવામાં આવેલા બળવામાં શિવસેનાના અનેક વિધાનસભ્યો ગુજરાત ચાલ્યા ગયા હતા. ૫૬ વર્ષના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે, કારણ કે મહારાષ્ટ્રમાં પાર્ટીની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારને પાડવાની ધમકી આપે છે.
વિધાન પરિષદની ચૂંટણીનાં પરિણામો બાદ સોમવારની મધરાતે આ બળવાએ આકાર લેવાનું શરૂ કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે હાલની સ્થિતિ એ મોટો પડકાર છે, કારણ કે અગાઉ જે ત્રણ વાર બળવા થયા હતા એ તેમના પિતાના રાજમાં થયા હતા. અગાઉ છગન ભુજબળે પણ આમ જ કર્યું હતું. પાર્ટી છોડવાનું કારણ ભુજબળે પાર્ટી તરફથી બિનપ્રશંસાને ટાંક્યું હતું. ભુજબળે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં મોટી સંખ્યામાં બેઠકો જીતવામાં સેનાને મદદ કરી હોવા છતાં બાળ ઠાકરેએ મનોહર જોશીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા.
એ સમયે ભુજબળે સેનાના ૧૮ વિધાનસભ્યો સાથે પાર્ટીને બાય બાય કર્યું હતું અને એ સમયે રાજ્યમાં શાસક પક્ષ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. જોકે ૧૨ વિધાનસભ્યો એ જ દિવસે સેનામાં પાછા ફર્યા હતા. ભુજબળ અને અન્ય બળવાખોર વિધાનસભ્યો તત્કાલીન વિધાનસભાના સ્પીકરે જૂથ તરીકે માન્યતા આપતાં તેઓને કોઇ કાર્યવાહીનો સામનો કરવો નહોતો પડ્યો.
૨૦૦૫માં શિવસેનાને અન્ય એક પડકારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યાર પછી કોંગ્રેસને પણ રામ રામ કરીને રાણે ભાજપમાં જોડાયા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સભ્ય અને કેન્દ્રીય પ્રધાન પણ છે. શિવસેનાને ત્યાર બાદ ૨૦૦૬માં આંચકો લાગ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પાર્ટી છોડીને પોતાનો નવો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેની લડાઈ પક્ષ સાથે નથી, પણ પક્ષની આસપાસના લોકો સાથે છે. (પીટીઆઈ)
————-
મુખ્ય પ્રધાનપદ અને પક્ષાધ્યક્ષપદ બંને છોડવા તૈયાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ફેસબૂક લાઈવ કરીને જનતાને સંબોધતાં પક્ષમાં થયેલી બળવાખોરી વિશે જણાવ્યું હતું અને મુખ્ય પ્રધાનપદ તેમ જ પક્ષાધ્યક્ષપદ છોડવાની પણ તૈયારી દાખવી હતી. ઉદ્ધવ ઠાકરેએ લાગણીસભર સાદ આપતાં બળવાખોર વિધાનસભ્યોને પાછા ફરવાની અપીલ કરી હતી. તેમણે વર્ષા બંગલો ખાલી કરીને પોતાનું રહેઠાણ માતોશ્રી કરીને એકનાથ શિંદે તેમજ અન્યોને સંકેત પણ આપ્યો હતો. બીજી તરફ સંજય રાઉતે જણાવ્યું હતું કે જરૂર પડ્યે વિધાનસભામાં બહુમત સિદ્ધ કરીશું. એકનાથ શિંદે
દ્વારા જે મુદ્દાઓ માંડવામાં આવ્યા હતા તેનો છેદ ઉડાવતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ફડણવીસ સરકારના સમયમાં જે પ્રધાનપદાં મળ્યા હતા અને અત્યારે જે પ્રધાનપદાં મળ્યા છે તેમાં કોઈ ફરક નથી અને સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો મુખ્ય પ્રધાનપદ જોઈતું હતું તો મારી સામે આવીને માગવું હતું. જો શિવસૈનિકોને લાગતું હોય કે હું મુખ્ય પ્રધાનપદ સંભાળવા યોગ્ય નથી તો પક્ષાધ્યક્ષપદ છોડવા પણ તૈયાર છું. હારજીત થયા કરતી હોય છે, આપણે ફરી ઊભા થઈને નવેસરથી લડશું.
તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસૈનિકો વૃત્તિથી લડાયક હોય છે અને તેથી તેમના ખચ્ચીકરણના સંકટનો સામનો કરવા માટે સક્ષમ છે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે તેમને સત્તાનો મોહ નથી.
એનસીપી અને કૉંગ્રેસ સાથે સત્તામાં સહભાગી થવા સામેની નારાજગી અંગે તેમણે કહ્યું હતું કે બંધ દરવાજા પાછળ થયેલી સમજૂતીમાંથી પીછેહઠ કરવામાં આવી હોવાથી શિવસેના પાસે બીજો કોઈ રસ્તો બચ્યો ન હોવાથી આ સરકાર બનાવવામાં આવી હતી.
તેમણે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ અને પક્ષાધ્યક્ષપદ છોડવાની તૈયારી દાખવી હતી અને કહ્યું હતું કે મને સત્તાનો મોહ નથી. વાસ્તવમાં તેમણે ભાજપ સાથે યુતી માટે જવાની તૈયારી ન હોવાનું સ્પષ્ટ કરી નાખ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં શરદ પવાર અને સોનિયા ગાંધીના વખાણ કરીને હવે પીછેહઠના દરવાજા બંધ થઈ ગયા હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
————-
શિવસેના બચાવવા અનૈસર્ગિક આઘાડીમાંથી બહાર નીકળો

મુંબઈ: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ કલાકમાં જ એકનાથ શિંદેએ ટ્વિટ કરીને ચાર માગણી કરી હતી અને આ માગણી દ્વારા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સપડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પહેલી માગણીમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકારનો ફાયદો ફક્ત અન્ય બે ઘટક પક્ષો (એનસીપી-કૉંગ્રેસ)ને થયો છે અને શિવસૈનિક તેમાં ભીંસાઈ ગયો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં સત્તા આવ્યા બાદ એનસીપી અને કૉંગ્રેસ પક્ષો મજબૂત બની રહ્યા છે, પરંતુ તેની સામે શિવસૈનિકોનું ખચ્ચીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં શિવસૈનિકોની અવહેલના કરવામાં આવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે પક્ષ અને શિવસૈનિકોને બચાવવા માટે આ અનૈસર્ગિક આઘાડીમાંથી બહાર નીકળી જવું અત્યાવશ્યક છે.
ચોથો મુદ્દો એકનાથ શિંદેએ એવો માંડ્યો હતો કે મહારાષ્ટ્રના હિત માટે આ નિર્ણય લેવો આવશ્યક છે. અહીં તેઓ
હિંદુત્વવાદી પક્ષ તરીકેની શિવસેનાની ઓળખ ભૂંસાઈ રહી હોવા અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.
આ પહેલાં એકનાથ શિંદેએ પોતાની સાથે ૩૪ શિવસેનાના વિધાનસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો હતો અને શિવસેનાના વિધાનસભ્યોને નોટિસ મોકલનારા સુનિલ પ્રભુને ચીફ વ્હીપ તરીકે હકાલપટ્ટી કરીને ભરત ઘોઘાવલેને વ્હીપ બનાવવાનું જણાવતો પત્ર જાહેર કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.