ઇન્દોર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિનનિવાસી ભારતીયોને બિરદાવતાં જણાવ્યું હતું કે પ્રવાસી ભારતીયો વિદેશની ધરતી પર વસતા દેશના ‘બ્રાન્ડ એમ્બેસેડર્સ’ છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસના ૧૭મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘આઝાદીના અમૃત મહોત્સવ’માં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આગામી પચીસ વર્ષના પ્રવાસમાં પ્રવાસી ભારતીયોનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે.
ઇન્દોરના બ્રિલિયન્ટ ક્ધવેન્શન સેન્ટરમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં પ્રવચન કરતાં વડા પ્રધાને જી-૨૦ રાષ્ટ્રસમૂહનું પ્રમુખપદ ભારતને પ્રાપ્ત થયું એ બાબતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વિશ્ર્વને ભારતની જાણકારી આપવાનો આ અમૂલ્ય અવસર છે. પ્રવાસી ભારતીય દિવસના ૧૭મા સંસ્કરણના પ્રમુખ તરીકે સુરિનામ પ્રજાસત્તાકના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી અને વિશેષ અતિથિ તરીકે ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઇરફાનઅલી ઉપસ્થિત હતા.
વડા પ્રધાને જણાવ્યું હતું કે હું પ્રવાસી ભારતીયોને વિદેશની ધરતી પર દેશના બ્રાન્ડ એમ્બેસેડર અને ‘રાષ્ટ્રદૂત’ ગણું છું. તેમની ભૂમિકા બહુવિધ પ્રકારની છે. વિદેશોમાં વસતા બિનનિવાસી ભારતીયો તેઓ યોગ, આયુર્વેદ, કુટિર ઉદ્યોગ અને જુવાર-બાજરા જેવાં ધાન્યોનો મહિમા દર્શાવતા બ્રાન્ડ એમ્બેસેડર્સ છે. ભારતના વિશિષ્ટ વૈશ્ર્વિક દૃષ્ટિકોણ અને વૈશ્ર્વિક વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા પ્રવાસી ભારતીયોને કારણે સશક્ત બને છે. તેથી આઝાદીના અમૃતકાળમાં બિનનિવાસી ભારતીયોનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું છે. દેશની સશક્ત લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે
ભારતમાં જ્ઞાનપ્રસારનું મથક બનવા ઉપરાંત કૌશલ્યવિકાસનું પણ કેન્દ્ર બનવાની ક્ષમતા હોવાથી આપણો દેશ સમગ્ર વિશ્ર્વમાં વિકાસનું એન્જિન બની શકે એમ છે. ભારતમાં સક્ષમ યુવાનો મોટી સંખ્યામાં છે. વિદેશોમાં વસતા ભારતીયોની આગામી પેઢી પણ તેમના વડીલોના મૂળ વતન વિશે જાણવા ઉત્સુક છે.
વડા પ્રધાને દેશની વિદ્યાપીઠો-યુનિવર્સિટીઓને દેશના વિકાસમાં બિનનિવાસી ભારતીયોના પ્રદાનની માહિતી-વિગતોના દસ્તાવેજીકરણના પ્રકલ્પો હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રવાસી ભારતીયોના સ્વદેશના અને જન્મભૂમિનાં સંસ્મરણોનાં દૃશ્ય-શ્રાવ્યો અને લેખિત દસ્તાવેજો વિદ્યાર્થીઓ, અભ્યાસુઓ, સંશોધકો અને ભારતને સમજવા ઇચ્છતા લોકોને અત્યંત ઉપયોગી થશે. (એજન્સી)