મુંબઈ હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોટે જણાવ્યું છે કે જાતીય ઈરાદા સાથે કોઇના અંગને સ્પર્શ કરવો એ પણ જાતીય અત્યાચારનો કેસ નોંધવા માટે પૂરતું છે. કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો) હેઠળ 2017માં કસૂરવાર ઠરેલા શખ્સની અપીલ ફગાવી દીધી હતી.

2013માં પાંચ વર્ષની બાળકીના અંગને સ્પર્શ કરીને બિભત્સ ચાળા કરવા બદલ વાકોલાના શખ્સને પોક્સો કેસમાં કસૂરવાર ઠરાવવામાં આવ્યો હતો તેણે કરેલી અપીલની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આરોપીએ દલીલ કરી હતી કે બાળકીના પિતા સાથે તેની બોલાચાલી થઈ હોવાથી તેને ખોટી રીતે સંડાવવામાં આવ્યો છે તેમજ ઘટનાના બે દિવસ પછી ફરિયાદ કરવામાં આવી છે અને બાળકીની તબીબી તપાસમાં તેના ગુપ્તાંગમાં કોઈ જાતની ઈજા કે નિશાન નહીં હોવાથી તેની સામેનો કેસ શંકાસ્પદ અને ખોટો છે.
નોંધનીય છે કે પોકસો કાયદાની જોગવાઈ અનુસાર જાતીય અત્યાચારના ગુનાના કેસમાં જાતીયતાના ઇરાદે ગુપ્તાંગને સ્પર્શ કરવો એ પણ પોક્સો હેઠળ કેસ નોંધવા માટે પૂરતું છે.
સુનાવણી દરમિયાન બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. બાળકીને તેના પિતા અને આરોપી વચ્ચેના ઝઘડાની પણ કંઈ જાણ ન હતી. બાળકીની નિર્દોષતાને કારણે કોર્ટે આરોપીની અપીલ ફગાવી દીધી હતી.
કોર્ટે નોંધ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ પણ આરોપીના કૃત્યની જાણ થતા તેને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખત જેલની સજા સંભળાવી હતી.

Google search engine