તોફાનને કારણે અનેક ઘરોના છાપરા ઉડ્યા
યુદ્ધના ધોરણે હાથ ધરાયું બચાવકાર્ય
અમેરિકાઃ દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાની મુશ્કેલીઓ કંઈ ઓછું થવાની નામ નથી લઈ રહી. હજી લોકો એક તોફાનમાંથી પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં બીજા તોફાન ટોર્નેડોએ તબાહી મચાવી છે. છેલ્લાં બે દિસથી અલબામા અને જ્યોર્જિયા રાજ્યમાં આ તોફાને તાંડવ કરીને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. આ તોફાને અત્યાર સુધી 9 જણનો ભોગ લીધો છે અને હજી અનેક લોકો ગુમ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
રેસ્ક્યુ ટીમ કાટમાળના ઢગલાંમાંથી લોકોને બચાવવાનું કામ કરી રહી છે. આ વાવઝોડાના કારણે અનેક મકાનોના છાપડા ઉડી ગયા છે, માલગાડી પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. અલબામાના ગવર્નર કે. આઈવેએ આ વિશે જણાવ્યું હતું કે તોફાન ટોર્નેડો ખૂબ જ ખતરનાક હતો અને મેં આવો વિનાશક તોફાન ક્યારેય નથી જોયો. વૃક્ષોની હાલત ટૂથપિક્સ જેવી થઈ હતી. તે રાષ્ટ્રપતિ જો બિડેનને નાણાકીય મદદ માટે વિનંતી કરવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ત્રીજું સૌથી ખતરનાક કેટોગરીનું ટોર્નેડો અલબામાના ઓટોગા કાઉન્ટીમાં આવ્યું છે. તેની ઝડપ 218 કિમી પ્રતિ કલાક હતી. ઓટૌગાના ઈમરજન્સી મેનેજમેન્ટ ડિરેક્ટરે જણાવ્યું કે 12 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 40 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. બચાવકર્મીઓ તેમની નીચે દટાયેલા લોકોને બચાવવા માટે વૃક્ષોને કાપીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે જણાવ્યું કે એક બચાવકર્મીએ પણ આ કુદરતી આફતનો સામનો કરવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો હતો. જ્યોર્જિયાના સ્પાલ્ડિંગ કાઉન્ટીમાં 2 ટોર્નેડો આવ્યા.જેમાં 100થી વધુ મકાનોને નુકસાન થયું હતું.
અમેરિકાની નેશનલ વેધર સર્વિસે આ વિશે જણાવ્યું હતું કે ટોર્નેડોએ જ્યોર્જિયા અને અલબામાના 14-14 કાઉન્ટીમાં નુકસાન કર્યું છે. 30 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. રાત્રે તાપમાન માઈનસ થઈ ગયું હતું. લા નીના વેધર સાયકલના કારણે ટોર્નેડો આવ્યું.
નોર્થ ઇલિનોઇસ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રના પ્રોફેસર વિક્ટર ગેન્સિનીએ જણાવ્યું હતું કે લા નીના વેધર સાઇકલ અને મેક્સિકોના અખાતની ગરમ થવાને કારણે આબોહવા પરિવર્તન થયું છે. સાથે ટોર્નેડોની ગતિ પણ પૂર્વ તરફ શિફ્ટ થઈ. આ ત્રણ ફેક્ટરના કારણે ટોર્નેડો આવ્યું હતું.
આ પહેલાં 2021માં ડિસેમ્બર મહિનામાં પણ અમેરિકામાં આવું જ એક તોફાન આવ્યું હતું, જેમાં 80 લોકોના મૃત્યુ થયા હતા.