નવી દિલ્હીના AIIMSના સંશોધકોના એક ગ્રુપે એક કેસની વિગતવાર માહિતી આપી છે જેમાં 41 વર્ષીય વ્યક્તિનું આલ્કોહોલ સાથે વાયગ્રાની બે ગોળીઓ ખાવાથી મગજમાં ગંભીર રક્તસ્ત્રાવને કારણે મૃત્યુ થયું હતું.
ભારતીય સંશોધકોના જૂથ દ્વારા પ્રકાશિત કેસ રિપોર્ટ અનુસાર, દારૂ સાથે વાયગ્રાનું સેવન કરવાથી આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
AIIMSના રિસર્ચરોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ વાયગ્રાની બે ગોળીઓ ખાધી હતી. વાયેગ્રા જે એક લોકપ્રિય ગોળી છે જેનો ઉપયોગ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે થાય છે. આલ્કોહોલ સાથે વાયેગ્રાની ગોળી લીધા બાદ તેના મગજમાં ગંભીર રક્તસ્ત્રાવ થવા માંડ્યો હતો અને એક દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.
નવી દિલ્હીની ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના છ સંશોધકોના જૂથ દ્વારા પીઅર-રિવ્યુડ જર્નલ ઑફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિનને સબમિટ કરાયેલ કેસ રિપોર્ટમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. સંશોધકોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના તારણો રજૂ કર્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ તેમનો કેસ રિપોર્ટ હાલમાં પ્રી-પ્રૂફ સ્ટેજ પર છે, એટલે કે તેને પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યો છે, પરંતુ તે જર્નલમાં પ્રિન્ટમાં પ્રકાશિત થાય તે પહેલા તેમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે
.
તેમના કેસ રિપોર્ટમાં, સંશોધકોએ નોંધ્યું છે કે 41 વર્ષીય વ્યક્તિનો કોઈ નોંધપાત્ર તબીબી અથવા સર્જિકલ ઇતિહાસ નહોતો અને તે એક મહિલા મિત્ર સાથે હોટલમાં હતો જ્યાં તેણે સિલ્ડેનાફિલની બે 50 મિલિગ્રામ ગોળીઓ ખાધી હતી, જે વાયગ્રા બ્રાન્ડ નામ હેઠળ ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટેની દવા તરીકે વેચાય છે. આ વ્યક્તિએ ગોળીઓ સાથે દારૂની પણ જ્યાફત ઉડાવી હતી.
બીજા દિવસે, કેસ રિપોર્ટ મુજબ, વ્યક્તિએ અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પાછળથી તબીબી પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે મગજમાં અતિશય રક્તસ્રાવને કારણે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેના શબપરીક્ષણમાં તેના મગજમાં લગભગ 300 ગ્રામ લોહી ગંઠાઈ ગયેલું હોવાનું બહાર આવ્યું હતું. શબપરીક્ષણમાં તે વ્યક્તિના હૃદયની દીવાલો જાડી થઈ ગઈ હતી અને તેના લીવર અને કિડનીને થોડું નુકસાન થયું હોવાનું પણ બહાર આવ્યું હતું.
“સેરેબ્રોવેસ્ક્યુલર અકસ્માતો (મગજમાં લોહીના પ્રવાહની સમસ્યાઓ) સહિત સિલ્ડેનાફિલ અને આલ્કોહોલના સંયુક્ત ઉપયોગની ઘાતક ગૂંચવણો વિશે સાહિત્યના પ્રકાશમાં તારણોની ચર્ચા કરવામાં આવી છે,” સંશોધકો તેમના અહેવાલમાં લખે છે. સંશોધકો એમ પણ કહે છે કે તબીબી દેખરેખ વિના વાયગ્રાનો ઉપયોગ જોખમી છે. વાયેગ્રાની અસર વિશે જનજાગૃતિ વધારવી જરૂરી છે .