શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ
એક શહેરમાં એક જુવાન છોકરો રહેતો હતો, જે સ્વભાવે ગુસ્સાવાળો અને એવો માથાભારે હતો કે એની તુલનામાં કોઈ આવી શકે નહીં.
એક દિવસ એ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એણે જોયું કે રસ્તાની બાજુમાં ઊભેલો એક બુઢ્ઢો માણસ એની તરફ જોઈને કારણ વગર હસી રહ્યો છે. ગુસ્સૈલ સ્વભાવના યુવકને આ વર્તન ગમ્યું નહીં. એણે બુઢ્ઢાને બે-ચાર ગાળો આપી અને આગળ જતો રહ્યો. પેલા યુવકે આટલું ખરાબ વર્તન કર્યું છતાં બુઢ્ઢો માણસ કંઈ બોલ્યો નહીં, ચુપચાપ ઊભો રહ્યો. બીજા દિવસે એ યુવકે ફરી એ જ બુઢ્ઢાને બજારમાં જોયો, જે એની તરફ ગઇકાલની જેમ જ જોઈને હસતો હતો. ફરી યુવકને આશ્ર્ચર્યની સાથે સાથે ગુસ્સો પણ આવ્યો અને એણે પેલાને ગાળોની સાથે બે-ચાર થપ્પડ પણ ઠોકી દીધી. પણ ત્યારે પણ બુઢ્ઢો કંઇ કરતાં કંઇ જ ના બોલ્યો અને મૂંગે મોઢે માર સહન કરતો રહ્યો. ત્રીજા દિવસે પાછું એવું જ થયું. યુવકે આ વખતે એ બુઢ્ઢાને ખૂબ માર માર્યો. પણ બુઢ્ઢાએ માર સહન કર્યો અને આજેય મૌન રહીને હસતો રહ્યો.
ચોથા દિવસે જ્યારે યુવકે ફરી એ જ બુઢ્ઢાને રસ્તા પર પોતાની તરફ પ્રેમથી જોતા જોયો, ત્યારે આ વખતે ગુસ્સો કરવાને બદલે યુવકે નમ્રતા દેખાડી. એણે પ્રેમથી કહ્યું, “ભલા માણસ, તમે બહુ સારા અને સમજદાર વ્યક્તિ છો. વારંવાર મારા હાથે માર ખાઈને પણ પ્રેમથી કેમ વર્તન કરી રહ્યા છો? મને નવાઇ નહીં લાગે, જો તમે કોઈ ગાંધીવાદી હોવ તો કારણ કે સહન કરવાની તાકાત એવા જ લોકોમાં જોવા મળે છે. બોલો, હું તમારી શું સેવા કરી શકું છું, વડીલ? તમે મારા પર ઊંડી છાપ છોડી છે અને હું તમે કહો એ તમારી સેવા કરવા માટે તૈયાર છું.
બુઢ્ઢાએ કહ્યું, “બેટા, વાત એમ છે કે હું ચૂંટણીમાં ઊભો રહ્યો છું અને તારો મત ઈચ્છું છું. એટલે રોજ તારી તરફ આશાભરી નજરથી જોઉં છું અને તારો ગુસ્સો પી જાઉં છું. બસ તું મને તારો મત આપ અને એટલો મજબૂત બનાવ કે હું વિધાનસભામાં જઈ શકું, બસ!
યુવકે એમને પગે લાગીને વચન આપ્યું કે એ ચોક્ક્સ એમના માટે જ મતદાન કરશે.
થોડા દિવસો પછી ચૂંટણી થઈ અને ગુસ્સૈલ યુવકે પેલા બુઢ્ઢાને જ મત આપ્યો. બુઢ્ઢો ઇલેક્શન જીતી ગયો અને વિધાનસભાનો સભ્ય બની ગયો. પછી તરત જ મંત્રી પણ બની ગયો! પણ એના મંત્રી બન્યાના બીજા જ દિવસે પોલીસ એ ક્રોધી માથાભારે યુવકને શોધતી શોધતી એના મહોલ્લામાં આવી અને એને પકડીને લઈ ગઈ. એના પર આરોપ હતો કે એ શાંત અને સાદાસીધા નાગરિકો સાથે મારામારી કરે છે અને એનાથી શહેરમાં શાંતિ અને કાયદાને ખતરો છે.
પેલો યુવક હાથ મસળીને પછતાવા લાગ્યો અને મનમાં કહેવા લાગ્યો- “અફસોસ, મેં ત્યારે એ બુઢ્ઢા પર ભરોસો કેમ કર્યો, જ્યારે એ મત માંગતો હતો! મારે સમજી જવાનું હતું કે જે માણસ ગુસ્સાને પી જઈને દાંત કાઢતો રહ્યો, એ જરૂર યોગ્ય તકની રાહ જોતો બેઠો હશે!
આખરે તો નેતા છે ને?