આજની ટીનેજ છોકરીઓ પર સુંદર અને આકર્ષક દેખાવાની ઘેલછા છવાઈ ગઈ છે

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી-શ્ર્વેતા જોષી-અંતાણી

ઓફિસનાં ઢગલોએક કામ અને દીવાના માનસિક ટેન્શન વચ્ચે પિસાતી નિરાલી ઘરમાં પગ મૂકતાંવેંત સોફા પર ફસડાઈ પડી. રહી રહીને કૃતિના શબ્દો તેના મનમાં ઘોળાઈ રહ્યા હતા, ‘નિરાલી, આનાં મૂળ ક્યાંક ને ક્યાંક આપણા સુધી જતાં હોય છે. યાદ કર જ્યારે એ નાની દીકરીને આવા બધા શોખ તરફ આપણે જ હાથ ઝાલીને લઈ ગયાં હોઈએ.’
નાનપણથી દીકરીને કેટલું બધું અવનવું આવડે છે, ફોન જાતે ઓપરેટ કરી શકે છે, ટીવીમાં બતાવે એ રીતે ડાન્સ મૂવ્ઝ કરી શકે છે, ફેશન અને કપડાં બાબતે બધી જ ખબર પડે છે, આવી બધી બાબતોની ડંફાસ મારવામાં એક દિવસ એવો આવીને ઊભો રહી ગયો કે જ્યારે દીવાને આવું જ બધું કરતા રહેવામાં પોતાની સફળતા દેખાવા લાગી. આ પ્રશ્ર્ન માત્ર નિરાલી કે દીવાના નથી, પરંતુ તરુણાવસ્થામાં પ્રવેશતી લગભગ તમામ છોકરીઓ સાથે આજકાલ આવું બનવું ખૂબ સામાન્ય થઈ ગયું છે. ટીવી, સિનેમાના સેલિબ્રિટીઝ કે તેઓનાં ટીનેજ સંતાનોને સોશિયલ મીડિયા પર ફોલો કરવા, તેઓની જેમ મેક-અપ, ફેશન અને સ્ટાઈલિંગની દુનિયામાં રાચવું, એક એવી દુનિયાનો હિસ્સો બનવાનાં હવાતિયાં મારવાં કે હકીકતમાં જેનું અસ્તિત્વ જ નથી એ સમસ્યા ભયજનક રીતે આપણા સમાજમાં તરુણોની અંદર વકરી રહી છે. એક સાઇકોલોજિકલ સર્વે મુજબ આવી તરુણીઓ ન માત્ર ઝડપથી પુખ્ત બને છે, પરંતુ આગળ જતાં ડિપ્રેશન જેવા મનોરોગનો ભોગ પણ સહેલાઈથી બની જતી જોવા મળે છે. આમ કરવા જતાં તેઓ પોતાની કિશોરાવસ્થા ઝડપથી ગુમાવવા લાગે છે એટલું જ નહીં, પરંતુ એ દરમિયાન પોતાના અભ્યાસ કે અન્ય કોઈ આવડત હોય તો એ નિખારવા કે તેઓના પોટેન્શિયલને બહાર લઈ આવવા જેવી અગત્યની બાબતોમાં નિષ્ફળતા આસાનીથી તેઓને વરી લે છે. આજે માત્ર સાતમા કે આઠમા ધોરણમાં ભણતી છોકરીમાં પણ અન્ય ટેલિવિઝનમાં બતાવવામાં આવતી શાળાની વિદ્યાર્થિનીઓની માફક આકર્ષક દેખાવાની ઇચ્છા બળવત્તર બનતી જતી જોવા મળે છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આ ઇચ્છા તેઓ પર હાવી બની બેસે છે. રિસેસના સમયે ‘સાઈઝ ઝીરો’ ફિગર કે પછી ‘મેયબેલીન’ના મેકઅપની ચર્ચા કરે છે. હોલીવૂડ સ્ટાઈલની ફેશન અપનાવવી એ તેઓ માટે પોતાના વર્તુળમાં ટકી રહેવાની આવશ્યકતા બની ગઈ છે, જેના દ્વારા મળતી આભાસી પ્રતિષ્ઠા અને કીર્તિને સફળતાના માપદંડ તરીકે તેઓ સ્વીકારે છે. જેમ બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે એ જ રીતે તરુણોની તરુણાવસ્થા પણ સંપૂર્ણરીતે માણવામાં આવે એ પહેલાં તેઓ એડલ્ટ બની જતા હોય છે. મનોચિકિત્સકો દ્વારા આ બાબતે ખૂબ ચિંતા જતાવવામાં આવી રહી છે કે આજની ટીનેજ છોકરીઓ પર સુંદર અને સખત આકર્ષક દેખાવાની ઘેલછા છવાઈ ગઈ છે. આજે તેર-ચૌદ વર્ષની ટીનેજર્સમાં જોવા મળતી આ ધૂન ચિંતાજનક રીતે ઊભરી રહી છે. આજે ટીવી અને ફિલ્મના પડદે જે યુવતીઓની ઈમેજ દેખાઈ રહી છે તેના કારણે ટીનેજર છોકરીઓની આખી એક પેઢી પર તેની અસર વર્તાતી આપણે જોઈ શકીએ છીએ.
પેજ થ્રી સેલિબ્રિટીઝની જેમ કોઈ પાર્ટી કે ગેટ ટુગેધરમાં એકઠી થયેલી મોડર્ન મમ્મીઓ પણ પોતાની ટીનેજ દીકરીઓ વિશે વાતો કરવામાં ગર્વ અનુભવતી હોય છે કે મારી દીકરી તેર નહીં પણ અઢાર વર્ષની થઈ ગઈ હોય એમ પોતાના દેખાવ પરત્વે સભાન છે. ફેશન, બ્રાન્ડ, ઈમેજ આ બધા વિશેની ઝીણામાં ઝીણી વિગતો તેની પાસે છે.
આજની બધી છોકરીઓને એકદમ સ્ટાઈલિશ દેખાવું હોય છે, પરંતુ શું આ બધું યોગ્ય છે ખરું? આવી પરિસ્થિતિઓનો નિરાલી જેવી ચિંતિત માતાઓ કઈ રીતે સામનો કરી શકે?
સૌપ્રથમ તો એ બાબતનું ધ્યાન રાખો કે તમારું ટીનેજ સંતાન ટીવી પર કેવા કાર્યક્રમો જુએ છે. તેઓ જો સતત એક જ પ્રકારના શો જોવામાં રચ્યાંપચ્યાં રહેતાં હોય તો તેઓનો એ જોવાનો સમય નક્કી કરો. તમે પણ એ દરેક પ્રોગામ વિશે માહિતી રાખો કે જે ટીનેજરને આંજી નાખવા બનાવવામાં આવતા હોય. શક્ય હોય ત્યાં સુધી તેઓ સાથે વાત કરી તેઓને આભાસી દુનિયાનો પરિચય કરાવો કે જેથી કરીને તેઓ જે જુએ એ સાચું માનતાં પહેલાં વિચાર કરે.
અતિ કૂમળું માનસ ધરાવતા ટીનેજર્સના મનમાં જે રોપવામાં આવે એ ફટાફટ ઊગી નીકળે છે. તેઓના મગજની કોરી પાટી પર જે લખાય એ કાયમ માટે અંકિત થઈ જાય એટલે જ તેના મનમાં ઊઠતા વિચારોને વાચા આપો, સવાલોને સાંભળો અને ગુસ્સો કરવાને બદલે તે બાબતની નિખાલસતાથી ચર્ચા કરો. ટીનેજર સંતાન સાથે પ્રેમ અને લાગણીસભર સંબંધો વિકસાવવાથી તેઓ તમારી સમક્ષ વિના સંકોચ પોતાના મનની લગામ છુટ્ટી મૂકી દેશે.
આ ઉપરાંત તરુણીઓને સૌંદર્ય ખરેખર શું છે એ સમજાવો. જીવનમાં માત્ર બાહ્ય સુંદરતા, શારીરિક રીતે આકર્ષક રહેવું જરૂરી નથી, પરંતુ એક સ્ત્રી તરીકે હિંમત, આત્મવિશ્ર્વાસ, આવડત, મજબૂત મનોબળ આ બધું કેળવવું પણ અત્યંત જરૂરી છે. દેખાવમાં પાતળા હોવું, ફેશનેબલ રહેવું, ફોટોશોપમાં એડિટ કરેલા ફોટોઝ લેવા જો આવી જ બધી વાતોથી સુંદર લાગતા હોઈએ તો બુદ્ધિચાતુર્યનું શું કામ? આ વાત તરુણીઓએ સમજવી જરૂરી છે. જો ટીનેજ દીકરી અમુક પ્રકારની પાર્ટીઝમાં જવાની, નાઈટ આઉટ કરવાની, મોટી ઉંમરની સ્ત્રીઓ જેવાં વસ્ત્રો પહેરવાની જીદ કરે તો તેઓને સમજણ આપો કે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ તે જે બોલે છે એના કરતાં પણ પહેલાં તેનાં કપડાં, તેના વર્તન અને વ્યવહાર પરથી અન્યો દ્વારા આંકવામાં આવતું હોય છે.
તે સમજ ભલેને આપણને જીવથી પણ વહાલી હોય તો પણ દીકરીને ચોખ્ખી રીતે આપવી જોઈએ કે જેથી કરીને તેને એક સારા જીવનની ભેટ આપી શકાય. ખાસ તો એ ખ્યાલમાં રાખવું કે તેમને ગુસ્સે થઈ, અપમાનિત કરી મનાઈ ન કરો. આવું કરવાથી તમારી વચ્ચે ગેરસમજ ઊભી થવાની શક્યતાઓ રહે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.