રાજકારણીઓ જેટલા ફિલ્મોમાં દેખાય છે તેના કરતા વિકરાળ પણ હોઈ શકે અને તેટલા માયાળુ અથવા ભલા પણ હોઈ શકે. એકબીજાના વિરોધી પક્ષોના નેતાઓ મદદનો હાથ પણ લંબાવતા હોય છે. ઘણી ઘટના આ વાતની સાક્ષી પૂરે છે, જેમાંની એક ઘટના જોડાયેલી છે આજના બર્થ ડે સેલિબ્રિટી સાથે.
રામજન્મભૂમિ માટે ભાજપનું આંદોલન જ્યારે ચરમસીમાએ પહોંચ્યું હતું ત્યારે ૧૯૯૩માં ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહના સમાજવાદી પક્ષ અને કાશીરામના બહુજન સમાજ પક્ષે હાથ મિલાવ્યા અને ભાજપને સત્તા પર બેસતા રોક્યો. પણ આ મેળમિલાપ લાંબો ચાલ્યો નહીં અને ૧૯૯૫ એટલે કે બે વષર્માં સરકાર પડી ભાંગી. આ સમયે ગેસ્ટ હાઉસ સ્કેન્ડલે ભારે ઉહાપોહ મચાવ્યો હતો અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ એક ન ભૂંસી શકાય તેવો ઈતિહાસ બની ગયો. બીજી જુન, ૧૯૯૫ના રોજ લખનઉના મીરાબાઈ ગેસ્ટ હાઉસમાં બન્ને પક્ષના કાર્યકરો-નેતા વચ્ચે ઝપાઝપી થઈ.
આ ગેસ્ટહાઉસમાં માયાવતી પક્ષના વિધાનસભ્યો સાથે બેઠક કરી રહ્યા હતા ત્યારે હિંસક બનેલા એસપીના નેતાઓના ઝૂંડે ઊધમ મચાવ્યો. તેઓ બેઠકખંડમાં પ્રવેશી ગયા. તોડફોડ કરી અને માયાવતી સાથે ખૂબ જ અપમાનજનક વ્યવહાર કર્યો. અપશબ્દોનો મારો ચલાવ્યો. માયાવતીના વિધાનસભ્યો પણ તેમને આ ઝૂંડના આતંકથી બચાવી ન શક્યા ત્યારે ભાજપના વિધાનસભ્ય બ્રહ્મદત્ત દ્વિવેદી રૂમમાં આવ્યા અને તેમણે મયાવતીને ત્યાંથી મહામહેનતે બહાર કાઢ્યા. આ ખૂબ જ અપમાનજનક કિસ્સા બાદ માયાવતીએ ભાજપના સમર્થનથી સત્તા બનાવવાનું નક્કી કર્યું. તે બાદ મુલાયમ સિંહ અને માયાવતી વચ્ચે અંતર રહ્યું, પરંતુ ૨૦૧૯માં બન્ને ફરી એક મંચ પર સાથે દેખાયા હતા.
હા, આજે દેશના પહેલાં શિડ્યુઅલ કાસ્ટના મહિલા મુખ્ય પ્રધાન માયાવતીનો જન્મદિવસ છે. ચાર વાર ઉત્તર પ્રદેશનું સૂકાન સંભાળી ચૂકેલા માયાવતીની રાજકીય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ છે.
તેમનો પક્ષ હાલમાં ભાજપ અને યોગી આદિત્યનાથની આંધી સામે અસ્તિત્વ ટકાવવાની કોશિશમાં છે, પણ એક સમયે માયાવતીનો ઠસ્સો હતો. જોકે તેઓ તેમના જન્મદિવસના ભવ્ય ઉજવણીઓથી જ સૌની આંખે ચડ્યા હતા. તેમના અને બીએસપીના સ્થાપક કાશીરામના સંબંધો વિશે પણ ઘણું કહેવાયું છે. જોકે માયાવતીએ આ બધાની પરવા કર્યા વિના સાવ સામાન્ય વ્યક્તિમાંથી મુખ્ય પ્રધાન તરીકે સફર તય કરી સફળતા મેળવી તે ભારતીય લોકશાહી વ્યવસ્થાની ઉપલબ્ધિ છે.