મુંબઈ: ભારતની સૌથી ધનાઢ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ વડા પ્રધાન મોદી ગુરુવારે મુંબઈની મુલાકાતે આવી રહ્યાં છે અને તેમની મુલાકાત વખતે મુંબઈગરાઓને ૩૮,૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સની સોગાદ મળશે. આ યોજનાઓ શહેરી પ્રવાસ, માળખાગત સુવિધાઓ અને આરોગ્ય સુવિધાઓના વિકાસ અને સંવર્ધનને અનુલક્ષીને છે.
બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત એમએમઆરડીએ મેદાનમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં વડા પ્રધાન ૧૨,૬૦૦ કરોડના ખર્ચે બનેલ મુંબઈ મેટ્રો લાઈન ૨એ અને ૭નું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે. તે ઉપરાંત તેઓ મુંબઈના વિવિધ પરાંઓમાં સ્થાપિત થનારા ૭ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ,
રોડ કોન્ક્રિટીકરણ અને અને વિશ્ર્વ પ્રસિદ્ધ છત્રપતિ શિવાજી મહારાજ રેલવે ટર્મિનસના પુનર્વિકાસ કાર્યોની આધારશિલા પણ રાખશે.
ટર્મિનસના પુનર્વિકાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ ટર્મિનસની ભીડ ઘટાડવા, સુવિધાઓમાં વધારો, બહેતર મલ્ટિ-મોડલ એકીકરણ અને વિશ્ર્વ-પ્રસિદ્ધ આઇકોનિક સ્ટ્રક્ચરને તેના ભૂતકાળના ગૌરવમાં સાચવવા અને પુન:સ્થાપિત કરવાનો છે.
ભાજપનું આગામી લક્ષ્ય દેશની સૌથી ધનાઢ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના (ઉદ્ધવ ગ્રૂપ)ને હરાવીને સત્તા હાંસલ કરવાનું હોઈ, આ કાર્યક્રમ તે અનુસંધાનમાં ઘણો મહત્ત્વનો છે. એક રીતે હજી જેની તારીખો જાહેર નથી થઇ તે કોર્પોરેશન ચૂંટણીનું રણશિંગુ ભાજપ આ કાર્યક્રમ દ્વારા ફૂંકી રહ્યું છે.
અહીં એ નોંધવું જોઈએ કે બંને મેટ્રો લાઈનની આધારશિલા વર્ષ ૨૦૧૫માં વડા પ્રધાને જ રાખી હતી. આ ઉપરાંત મુંબઈના બસ, લોકલ અને મેટ્રોના પ્રવાસીઓની ટિકિટો ખરીદવાની હાડમારીને ઓછી કરવા ‘મુંબઈ ૧’ એપ અને ‘નેશનલ કોમન મબિલિટી કાર્ડ (મુંબઈ ૧)’ જારી કરવામાં આવશે. આ એપ અને કાર્ડ મુંબઈગરાંને કેશલેસ પ્રવાસ માટે ઉપયોગી થઇ પડશે. ભવિષ્યમાં કોમન મબિલિટી કાર્ડ માત્ર મુંબઈ જ નહિ, પણ વનનેશન, વનરેશન કાર્ડની જેમ સમગ્ર દેશની બધી જાહેર પ્રવાસ સુવિધાઓમાં વાપરી શકાય તેવું લક્ષ્ય રખાયું છે.
વડા પ્રધાન જે યોજનાઓના લોકાર્પણ કરશે તેની ઝલક
૧. ૧૨,૬૦૦ કરોડના ખર્ચે મુંબઈ મેટ્રો લાઈન ૨એ અને ૭નું ઉદ્ઘાટન
૨. મલાડ, ભાંડુપ, વર્સોવા, ઘાટકોપર, બાંદ્રા, ધારાવી અને વરલીમાં ૧૭,૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની આધારશિલા
૩. ૨૦ “હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના ક્લિનિક્સનું ઉદ્ઘાટન
૪. ૩૬૦ પથારીની ભાંડુપ મલ્ટી-સ્પેશિયાલિટી મ્યુનિસિપલ હૉસ્પિટલની આધારશિલા
૫. ગોરેગાંવ પશ્ર્ચિમમાં ૩૦૬ પથારીની હૉસ્પિટલની આધારશિલા
૬. ઓશિવરામાં ૧૫૨ પથરીનું પ્રસૂતિ ગૃહ
૭. ૬૧૦૦ કરોડના બજેટમાં ૪૦૦ કિલોમીટર જેટલા રોડ કોન્ક્રિટીકરણનો પ્રોજેક્ટ
૮. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસના ભગીરથ કાર્યની આધારશિલા જેનો અંદાજિત ખર્ચ ૧૮૦૦ કરોડ છે.
૯. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૧ લાખ લાભાર્થીઓને મંજૂર કરેલી લોનનું વિતરણ.